છ વર્ષ પહેલા સુરતના(Surat ) એક વિસ્તારની સગીર કન્યાને લગ્નની લાલચ આપી અપહરણ (Kidnap )કરાયા બાદ બળાત્કાર (Rape ) ગુજારનાર યુવકને કોર્ટે પુરાવા આધારે કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી હતી કે ગઇ તારીખ 18મી એપ્રિલ 2016ના રોજ બપોરના 3.30 વાગ્યાના સમારે ઉધના ખાતે રહેતા પરિવારની 17 વર્ષીય સગીર કન્યા પોતાના ઘરેથી નીચે જાઉ છું તેમ પરિવારને કહીને નીકળી હતી, ત્યારબાદ પરત ઘરે નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પરિવાર દ્વારા થયેલી તપાસના અંતે સગીરાનું અપહરણ થયું હોવાનું બહાર આવ્યું હતું. તેણીનું અપહરણ ડીંડોલી ખાતે ગોવર્ધનનગરમાં રહેતો આરોપી દિપક છત્રસિંહ સોલંકી દ્વારા લગ્નની લાલચ આપી કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી આરોપી દીપકને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં આરોપી સગીરાને ભરૂચ અને મુંબઇના અલગ અલગ સ્થળે લઇ ગયો હતો.
જ્યાં તેણી સાથે એક કરતાં વધુ વખત શારીરિક સબંધો બાંધ્યા હતા. વારંવાર શારીરિક સબંધો બાંધીને ગુનો કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ સ્પેશિયલ કેસ (પોકસો) તરીકે નોંધાવવામાં આવ્યો હતો. જે કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરતા ફાસ્ટટ્રેક સ્પેશિયલ કોર્ટમાં ઇન્સાફી કાર્યવાહી હેઠળ હતો.
આ કેસ કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ વિશાલ ફળદુ કેસ પુરવાર કરવામાં સફળ રહ્યા હતા. વિશેષ ન્યાયાધીશ શ્રી દિલીપ મહીડાએ ફરિયાદ પક્ષની દલીલો અને પુરાવા આધારે આરોપી દિપક I સોલંકીને કસૂરવાર ઠહેરાવ્યો હતો તેમજ દસ વર્ષની સખત કેદ તેમજ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ નહિ ભરે તો વધુ નવ માસની સખત કેદનો હુકમ કર્યો હતો. તેમ જ પીડિતાને વળતર પેટે 1 લાખ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.
આમ, બાળકીઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓને રોકવા માટે પોલીસ તંત્રની સાથે ન્યાય તંત્ર દ્વારા પણ ઝડપી ન્યાય કરાતા આવી ઘટનાઓ પર અંકુશ લાવવામાં સફળતા મળી રહી છે, અને ગુનેગારોમાં પણ ફફડાટ હોવા મળી રહ્યો છે.
Published On - 11:11 am, Fri, 26 August 22