અમરેલી જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલતી આંતરિક જૂથબંધી હવે સપાટી પર આવી છે. ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાના વતન ગણાતા ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાલિકાના તમામ 24 સભ્યો ભાજપના હોવા છતાં પ્રમુખની કામગીરી સામે ભારે અસંતોષ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવામાં આવી હતી. આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચતા નયનાબેને અંતે કલેક્ટરને રાજીનામું સોંપ્યું છે. જોકે, લેખિતમાં તેમણે રાજીનામા પાછળ 'કૌટુંબિક કારણો' જવાબદાર હોવાનું જણાવ્યું છે. જિલ્લા કલેક્ટરે આ રાજીનામું મંજૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.