વંદે માતરમ્: રાષ્ટ્રીય ચેતના જગાવનાર એ ગીત… જેનાથી થથરી ઉઠ્યા અંગ્રેજો અને બની ગયુ બ્રિટીશરોના વિરોધનું મજબૂત હથિયાર
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ થાય અને ત્યારે સૌપ્રથમ આપણા મન મસ્તિષ્કમાં જે પ્રથમ પ્રેરણાદાયી શબ્દો ગુંજે છે, તે છે- “વંદે માતરમ્”. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1870ના દાયકામાં લખેલું આ ગીત માત્ર કાવ્ય ન હતું, પરંતુ બ્રિટિશ શાસન સામે લડતા દરેક ભારતીય માટે એ સંઘર્ષનો નાદ બની ગયું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે આ એક ગીતથી બ્રિટીશ હકૂમત એટલી ડરતી કેમ હતી?

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વંદે માતરમ્ ગીતે આઝાદીના લડવૈયાઓને એક નવી દિશા આપી હતી. ‘વંદે માતરમ્’ આ એક એવુ ગીત હતુ જેના ગાયન માત્રથી બ્રિટીશરોની નસો ફુલવા લાગતી હતી. અને તેઓ થર થર કાંપવા લાગતા હતા. એ સમયે આ માત્ર આ એક ગીતે જ બ્રિટીશ સામ્રાજ્યના સિંહાસનને હચમચાવી દીધુ હતુ. આ માત્ર ગીત નહોંતુ પરંતુ રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્રીય ચેતના જગાડનારી એક પ્રેરણા હતુ.
ગુલામીના એ સમયગાળામાં ભારતને નીચુ અને પછાત બતાવી અંગ્રેજો જે પ્રકારે પોતાના શાસનને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ આ ગીતની પ્રથમ પંક્તિએ જ એ દુષ્પ્રચારને પુરી રીતે ધ્વસ્ત કરવાનું કામ કર્યુ. આથી વંદે માતરમ માત્ર આઝાદીનું ગીત ન હતુ, પરંતુ આઝાદ ભારત કેવુ હશે, વંદે માતરમે એ સુઝલામ, સુફલામનું સ્વપ્ન કરોડો દેશવાસીઓની સામે પ્રસ્તુત કર્યુ હતું.
વર્ષ 1875માં બંકિમ ચંદ્ર ચેટરજીએ જ્યારે બંગદર્શનમાં ‘વંદે માતરમ્ પ્રકાશિત કર્યુ તો કેટલાક લોકોને એવુ લાગતુ હતુ કે આ માત્ર એક ગીત છે. પરંતુ જોત જોતમાં તો આ ‘વંદે માતરમ’ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો રાષ્ટ્રીય ગીત બની ગયુ. એક એવો સ્વર જે દરેક ક્રાંતિકારીના મુખ પર રહેતો, એક એવો સ્વર જે દરેક દેશપ્રેમી ભારતીયની ભાવનાને વ્યક્ત કરી રહ્યુ હતુ. આઝાદીની લડાઈનો ભાગ્યે જ કોઈ એવો સમય હશે જેમા ‘વંદે માતરમ’ ગીત કોઈના કોઈ પ્રકારે જોડાયેલુ નહીં હોય. 1896માં ગુરુદેવ રવિન્દ્રના ટાગોરે કોલકાતા અધિવેશનમાં વંદેમાતરમ ગાયુ.
1905માં બંગાળનું વિભાજન કરવામાં આવ્યુ. દેશના ભાગલા કરવા માટેનો અંગ્રેજોનો આ એક ખતરનાક એક્સપેરિમેન્ટ હતો. પરંતુ વંદે માતરમ એ તમામ ઈરાદાઓ સામે પહાડની જેમ ઉભુ હતુ. બંગાળના વિભાજનના વિરોધમાં રસ્તા પર એક જ નારો હતો- ‘વંદે માતરમ્’
શા માટે ‘વંદે માતરમ્’ બ્રિટીશ હકુમતનો સૌથી મોટો ડર બન્યું?
બારિસાલ અધિવેશનમાં જ્યારે આંદોલનકારી યુવાનો પર અંગ્રેજો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે પણ તેમના હોઠો પર એક જ નારો, એક જ મંત્ર હતો, એ શબ્દો હતા- ‘વંદે માતરમ્.’ ભારતની બહાર રહીને આઝાદી માટે કામ કરી રહેલા વીર સાવરકર જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ જ્યારે એકબીજાને મળતા તો તેમની વચ્ચે અભિવાદન પણ વંદે માતરમ થી જ થતુ હતુ. કેટલાય ક્રાંતિકારી આઝાદીના લડવૈયાઓ ફાંસીના માંચડે ચડ્યા ત્યારે પણ તેઓ વંદે માતરમ બોલ્યા હતા. આવી તો અનેક ઘટનાઓ, ઈતિહાસની અનેક તારીખો, આટલા મોટા દેશના અલગ અલગ પ્રાંતમાં, જુદી જુદી ભાષા બોલનારા લોકો, તેમના આંદોલનોમાં પણ જે નારો, જે સંકલ્પ, જે ગીત દરેક લોકોની જીભ પર હતુ તે ગીત વંદે માતરમ હતુ. જે દરેક સ્વરમાં હતુ.
ગીતની રચનાનો ઇતિહાસ: ‘વંદે માતરમ્’ ક્યાંથી જન્મ્યું?
1870ના દાયકામાં બેંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ ગીતની રચના કરી હતી. તે સમયે બ્રિટિશરો ભારત પર દમન ગુજારી રહ્યા હતા અને રાષ્ટ્રવાદી વિચારોને પ્રોત્સાહન આપતા કોઈપણ સર્જનને શંકાની નજરથી જોવામાં આવતું હતુ. બેંકિમચંદ્રએ આ ગીતને તેમની પ્રસિદ્ધ નવલકથા ‘આનંદમઠ’ (1882) માં સ્થાન આપ્યું. નવલકથામાં બ્રિટિશ દમન સામે લડતા સંતોની ટુકડી આ ગીત ગાઈને પોતાને પ્રેરિત કરતી હતી. એટલે આ ગીતની શરૂઆતથી જ તેનું સ્વરૂપ ‘બ્રિટીશ વિરોધી’ બની ગયુ.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું સર્જન બન્યુ સ્વતંત્રતાનો મંત્ર
1870ના દાયકામાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમની નવલકથા આનંદમઠ માટે લખેલું ‘વંદે માતરમ્’ એ સમયે સાહિત્યિક રચના હતી. પરંતુ ધીમેધીમે આ ગીત જનચેતનાની ચિનગારી બની ગયું. ગીતમાં ‘માતા’ શબ્દ કોઈ ધર્મની દેવીને નહીં, પરંતુ ભારત ભૂમિને માતા તરીકે દર્શાવતો હતો. હરિયાળી જમીન, નદીઓ, પવન, સમૃદ્ધતા, આ બધું એક ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા કહી રહ્યું હતું. ભારતની રાષ્ટ્રીય ચેતનાને જગાડનાર અને રોમરોમમાં દેશભક્તિ ભરી દેનારુ ‘વંદે માતરમ્’ માત્ર કાવ્ય કે ગીત નહોતું; તે બ્રિટિશ શાસન સામેના મનોબળને ઊંચો કરતું સૌથી ઘાતક પ્રેરણાત્મક હથિયાર હતું. બ્રિટિશ સરકાર આ ગીતથી એટલી ડરી ગઈ હતી કે તેમણે આ ગીતને જાહેરમાં ગાવા વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
વંદે માતરમ્ ગાવા માટે 5- 5 રૂપિયા દંડ
પશ્ચિમ બંગાળના રંગપુર વિસ્તારમાં સ્કૂલમાં 200 વિદ્યાર્થીઓ પર વંદે માતરમ ગાવા માટે નવેમ્બર 1905માં 5-5 રૂપિયા દંડ લગાવી દેવાયો અને આ પ્રતિબંધને કારણે બ્રિટીશરોની સામનો વિરોધ વધુ ઉગ્ર બની ગયો. વંદે માતરમ્ ગાવાથી રોકવા માટે દરેક જગ્યાએ ઈન્સપેક્ટર તૈનાત કરવામાં આવતા હતા. મહારાષ્ટ્રના ધુલિયાાં નવેમ્બર 1906માં થયલી મોટી સભામાં વંદે માતરમ્ ના નારા લગાવાયા તો બ્રિટીશ સરકાર હલી ગઈ. લોકમાન્ય તિલકને માંડલે જેલ મોકલવામાં આવ્યા. એ સમયે પણ સેંકડો આંદોલનકારીઓએ આ ગીત ગાઈ રહ્યા હતા તો પોલીસે લાઠીચાર્જ કર્યો અને આંદોલનકારીઓની ધરપકડ કરી લીધી.
વંદે માતરમ્ આઝાદીના આંદોલનનુ અમર ગીત
કલક્તામાં ઓક્ટોબર 1905માં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે વંદે માતરમ્ સંગઠનની સ્થાપના કરવામાં આવી. સમુદાયના સદસ્યો દર રવિવારે વંદે માતરમ્ ગાતા અને પ્રભાત ફેરી કરતા હતા. આઝાદીની ચળવળ માટે લોકો સ્વેચ્છાએ દાન પણ આપતા હતા. આ પ્રભાત ફેરીમાં રવિન્દ્ર નાથ ટાગોર પણ અનેકવાર સામેલ થયા હતા.
હિંદુ અને મુસ્લિમ બંને સામેલ
20 મે 1906 માં બારીસાલ (હાલ બાંગ્લાદેશમાં)ના એક વિસ્તારમા વંદે માતરમ્ જુલુસમાં 10000 થી વધુ લોકો પહોંચ્યા તો તોફાન મચી ગયુ. હિંદુ અને મુસ્લિમ બંને સડક પર જ વંદે માતરમના ઝંડા લઈને નારા લગાવી રહ્યા હતા. ઓગસ્ટ 1906માં બિપીન ચંદ્ર પાલે વંદે માતરમ્ નામથી અંગ્રેજી અખબાર કાઢ્યુ. જેમાં પાછળથી અરબિંદો ઘોષ સંયુક્ત સંપાદક બન્યા. આ અખબાર ભારતમાં રાષ્ટ્રવાદી આંદોલન જગાડનારુ મજબૂત હથિયાર બની ગયુ. અંગ્રેજોની ગુલામીની ઝંઝીરો તોડવા માટેનો વંદે માતરમ્ પર્યાય બની ગયો. આ ગી અને નારાથી બ્રિટીશ સરકાર ગભરાઈ ગઈ. સરકારે સ્કૂલ કોલેજમાં વંદે માતરમ્ ગાવા પર રોક લગાવી દીધી. આવુ કરનારી સંસ્થાની માન્યતા રદ કરવા અને આંદોલનમાં ભાગ લેનારાઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવી.
કોલકાતાથી લાહોર અને રાવલપિંડી થી વિરોધનું પ્રતિક
વંદે માતરમ્ નો વિરોધ તરીકે સૌથી પહેલો ઉપયોગ 7 ઓગસ્ટ 1905માં થયો હતો. હજારો વિદ્યાર્થીઓએ કોલકાતા ટાઉન હોલની તરફ આગળ વધતા વંદે માતરમ્ ના નારાની ગૂંજ થી બ્રિટીશ સરકારને હચમચાવી દીધી. ત્યાં મળેલી વિશાળ સભામાં વિદેશી સામાનોના બહિષ્કાર અને સ્વદેશી આંદોલનનો પ્રસ્તાવ પારીત થયો. બંગાળના વિભાજન વિરુદ્ધ આંદોલનનો સંકેત આપ્યો. એપ્રિલ 1906 માં પણ પૂર્વી બંગાળ પ્રાંતમાં બારીસાલમાં બંગાળ પ્રાંતીય સંમેલન પર પ્રતિબંધ છતા હજારો લોકોએ વંદે માતરમ્ ના નારા લગાવ્યા. મે 1907માં લાહોર અને રાવલપિંડીમાં પણ દેખાવો દરમિયાન વંદે માતરમ્ ના નારા લગાવવામાં આવ્યા. બ્રિટીશ પોલીસના વિરોધને વંદે માતરમ્ ના નારા થકી જ કચડી દેવાનો પ્રયાસ કરાયો. ત્યારે બ્રિટીશરોને ભારતીયોની શક્તિનો પરચો મળી ગયો. આ માત્ર ગીત ન હતુ પરંતુ વિરોધ માટેનું એક મજબૂત હથિયાર હતુ.
બ્રિટીશરો સારી રીતે સમજતા હતા કે જો રાષ્ટ્ર એક થઈ જાય તો તેનુ શાસન કરવુ મુશ્કેલ થઈ જશે. વંદે માતરમ્ ભારતીયોને એકતા, ગૌરવ અને સ્વાભિમાનની શક્તિ આપે છે અને એ જ વાત બ્રિટીશરોને સૌથી વધુ ડરાવતી હતી.
