Gold Rate : મધ્યમ વર્ગ ચિંતામાં અને રોકાણકારોને આશા ! આ વર્ષે સોનું 59,600 રૂપિયા જેટલું મોંઘું થયું, હવે વર્ષ 2026 માં 10 ગ્રામનો ભાવ કેટલો?
વર્ષ 2025 માં સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. એક વર્ષમાં સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ 59,600 રૂપિયા જેટલું મોંઘું થયું છે. એવામાં અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીના નિષ્ણાતોએ સોનાના ભાવને લઈને પોતાનો મંતવ્ય રજૂ કર્યું છે.

વર્ષ 2025 માં સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેનાથી રોકાણકારોનું અને લોકોનું ધ્યાન આ ધાતુ તરફ ખેંચાયું છે. વર્ષ 2024 ના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે સોનું પ્રતિ 10 ગ્રામ ₹78,950 હતું અને હવે તે વધીને ₹1,38,550 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે, માત્ર એક જ વર્ષમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹59,600 નો જંગી વધારો થયો છે.

આ ઝડપી વધારાને કારણે રોકાણકારોમાં સોના માટે ઉત્સાહ અને માંગ બંનેમાં વધારો થયો છે. વધતી કિંમતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, સોનું મધ્યમ વર્ગની પહોંચ બહાર જઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, રેકોર્ડ ઊંચાઈએ પહોંચવા છતાં સોનું એક આકર્ષક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન રહેશે.

જે.પી. મોર્ગનની ગ્લોબલ કોમોડિટીઝ સ્ટ્રેટેજી હેડ (Head) નતાશા કાનેવાની મુજબ, સેન્ટ્રલ બેંકો અને મોટા રોકાણકારોમાં સોનાના ડાયવર્સિફિકેશનનો લાંબાગાળાનો ટ્રેન્ડ હજુ પૂરું થયો નથી. નતાશાનો અંદાજ છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ $5,000 સુધી પહોંચી શકે છે, જે ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,60,000 ની આસપાસ હશે.

નિષ્ણાતોના મતે, નબળો યુએસ ડોલર, ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં ઘટાડો થવાની સંભાવના અને ગ્લોબલ જિયો-પોલિટિકલ ટેન્શન સોનાના ભાવને ટેકો આપી રહ્યા છે. અનિશ્ચિત આર્થિક અને રાજકીય વાતાવરણમાં 'સોનું' રોકાણકારો માટે એક સુરક્ષિત વિકલ્પ બની રહ્યું છે.

જે.પી. મોર્ગનમાં બેઝ અને કિંમતી ધાતુઓની વ્યૂહરચનાના હેડ (Head) ગ્રેગરી શીયરના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં રોકાણકારો (ETF, ફ્યુચર્સ, બાર, કોઇન્સ) અને કેન્દ્રીય બેંકોની કુલ સોનાની માંગ આશરે 980 ટન જેટલી રહી હતી. આ અગાઉના ચાર ક્વાર્ટરની સરેરાશ કરતા લગભગ 50 ટકા વધારે છે.

આ જ સમયગાળા દરમિયાન, રોકાણકારોએ આશરે $109 બિલિયનનું રોકાણ કર્યું હતું, જે આશરે 950 ટન સોના જેટલું છે, જે સરેરાશ $3,458 પ્રતિ ઔંસના ભાવે હતું. આ આંકડો પાછલા ચાર ક્વાર્ટરની સરેરાશ કરતા પણ લગભગ 90 ટકા વધારે છે.

સામાન્ય લોકો માટે સોનું મોંઘુ થઈ રહ્યું છે, ત્યારે રોકાણકારો તેમાં લાંબાગાળાની મજબૂતી જોઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા ચાલુ રહેશે, ત્યાં સુધી સોનાના ભાવ મજબૂત રહી શકે છે.
આ પણ વાંચો: Stock Market : નવા વર્ષે નવો દાવ ! આ 9 શેરમાં આંખ બંધ કરીને રોકાણ કરી દો, છપ્પરફાડ રિટર્ન મળશે
