અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ગુજરાત સરકારે ક્યારેય ખનનની મંજૂરી આપી નથી ને આપશે પણ નહીંઃ અર્જુન મોઢવાડિયા
અરવલ્લીની પર્વતમાળાઓને લઈને હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ગુજરાત સરકારે ક્યારેય અરવલ્લીની પર્વતમાળાઓ કે તેના જંગલ વિસ્તારમાં ખનન પ્રવૃતિ માટે મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ મંજૂરી આપશે નહીં. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આપેલ વ્યાખ્યાનો ગુજરાત સરકાર અભ્યાસ કરી રહી છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અરવલ્લીની પહાડીઓના સંરક્ષણ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લીની પર્વતમાળાઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને ‘પર્વત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ના રહે. આ ઉપરાંત, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે અથવા વધુ પર્વતોની વચ્ચેના 500 મીટર સુધીના તમામ વિસ્તારને પણ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવશે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સંરક્ષિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન્સ, રિઝર્વ એરિયા, વેટલેન્ડ્સ અને કેમ્પા (CAMPA) વાવેતર સાઇટ્સ જેવા ‘કોર અને ઇનવાયલેટ’ ઝોન્સમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવાનો છે, જેથી ભાવિ પેઢીને સુરક્ષિત અને હરિયાળું ગુજરાત મળી શકે. અરવલ્લી પર્વતમાળા એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ તે રણને આગળ વધતું અટકાવવા માટે કુદરતી અવરોધ તરીકે કામ કરે છે અને ભૂગર્ભ જળના રિચાર્જ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
