અનેકગણુ વાયુ પ્રદૂષણ ધરાવતી ચીનની રાજધાની બૈજિંગ કેવી રીતે બની ગઈ સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત.. શું ભારત દિલ્હી માટે અપનાવશે બૈજિંગ મોડેલ?
રાજધાની દિલ્હીની હવા ઝેરીલી બની છે. આ હવામાં શ્વાસ લેવો પણ જીવલેણ બની રહ્યો છે. રાજધાનીને કાળા ધુમાડા અને ધૂળની ચાદરોએ જાણે બાનમાં લીધી છે. હાલ દિલ્હીનો AQI (Air Quality Index) 500 ને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં ઘરે-ઘરે ખાંસી અને આંખમાં બળતરાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ગેપ થ્રી લાગુ કર્યુ છે. તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને વર્ફ ફ્રોમ હોમ કરવા માટે કહેવાયુ છે. એવામાં તમામના મનમાં એક જ સવાલ છે કે એક સમયે ચીનની રાજધાની બૈજિંગમાં દિલ્હી કરતા પણ વધુ વાયુ પ્રદૂષણ હતુ તો ચીને બૈજિંગના વાયુ પ્રદૂષણને નાથવા માટે શું કર્યુ? શું ભારત દિલ્હીમાં બૈજિંગ મોડેલ અપનાવીને વાયુ પ્રદૂષણ ઓછુ ન કરી શકે?

શિયાળો આવતા જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. જેમ ઠંડી વધે છે તેમ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર પણ ભયજનક સ્તરે વધે છે. છેલ્લા અનેક વર્ષોથી દિલ્હી સતત ઍર પોલ્યુશનની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. દર વર્ષે રાજધાની વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવે છે અને દિલ્હીવાસીઓ ઝેરીલી હવા શ્વાસમાં લેવા મજબૂર બને છે. ચોખ્ખા હવા, પાણીએ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર પણ છે પરંતુ દિલ્હીવાસીઓને આ નસીબ થઈ રહ્યો નથી.
એક સમય હતો જ્યારે ચીનનું બૈજિંગ શહેર ધુમાડા અને કાળા વાદળોથી ઢંકાયેલુ રહેતુ હતુ. ત્યાંની હવા એટલી હદે ઝેરીલી થઈ ગઈ હતી કે લોકોની આંખો બળવા લાગતી હતી. શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો. એ સમયે અનેક લોકો ખાંસતા ખાંસતા જ બેવડા વળી જતા હતા. શ્વાસને લગતી બીમારીઓમાં અનેકગણો વધારો થયો હતો. મેડિકલ ઈમરજેન્સી જેવી સ્થિતિ વર્ષ 2013માં સામે આવી હતી. જ્યારે ચીનની સરકારે સ્કૂલો પણ બંધ કરવી પડી હતી. આ ભયાનક સ્થિતિને ‘એરપોકેલિપ્સ’ નામ આપવામાં આવ્યુ હતુ. જો કે બૈજિંગે સ્થિતિ સંભાળી અને આજે ત્યાંની જનતા હવામાં શ્વાસ લઈ રહી છે. તો શું દિલ્હીમાં પણ બૈજિંગ જેવો જાદુ થઈ શકે છે?
દિલ્હી કરતા પણ વધુ બદ્દતર સ્થિતિમાંથી બહાર આવ્યુ છે બૈજિંગ
રાજધાની દિલ્હીની પણ હાલત પણ હાલ 2013ના બૈજિંગ શહેર જેવી જ થઈ ગઈ છે. અહીની ઝેરીલી હવાથી હાલ દિલ્હીવાસીઓને શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યુ છે. ઍર ક્વોલિટી સતત બદ્દ થી બદ્દતર સ્થિતિમાં પહોંચી ગઈ છે. એવુ નથી કે દિલ્હીની સરકાર કે પછી કેન્દ્ર સરકાર જરૂરી પગલાઓ નથી લઈ રહ્યા. દેશની રાજધાનીને સાફ કરવા માટે સતત પ્રતિબંધો લગાવાઈ રહ્યા છે જો કે તેનાથી પણ ઍર ક્વોલિટી ઈન્ડેક્સમાં ખાસ કોઈ અસર જોવા મળી નથી રહી.
ચીને એવુ તો શું કર્યુ કે બૈજિંગની હવા જાદુઈ રીતે સાફ થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે પણ દિલ્હીના પ્રદૂષણ પર સવાલ ઉઠાવ્યા છે અને સ્પષ્ટ કહ્યુ છે કે આ વાયુ પ્રદૂષણ પર ચુપ ન રહી શકીએ. ત્યારે સવાલ એ છે કે ચીને 2013માં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવ્યુ. આખરે ભારત પણ એવો કોઈ નિર્ણય કેમ નથી લઈ રહ્યો. બૈજિંગ જ નહીં લંડન સહિત અનેક શહેરોમાં ઍર પોલ્યુશનને નાથવા માટે સખત અને જરૂરી પગલા લીધા છે. આ જ કારણે ત્યાં હવાનું સ્તર સુધર્યુ છે. તો પછી દિલ્હીમાં પણ આ જાદુ કેવી રીતે ન થઈ શકે.
શું ભારત બૈજિંગ મોડલ અપનાવશે?
બૈજિંગમાં 2013માં વાયુ પ્રદૂષણ તેની ચરમ પર હતુ. એ સમયે ત્યાંની હવા એટલી ઝેરીલી હતી કે ‘ઍરપોકેલિપ્સ’ નામ તેને આપવામાં આવ્યુ. 20મી સદીની શરૂઆતમાં લંડનની ધૂંધળી હવા માટે જેમ ‘સ્મોગ’ શબ્દ બન્યો હતો. દિલ્હીમાં પણ હાલમાં નવેમ્બરના મધ્યમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ હતી, જેમા એક સમય તો એવો આવ્યો જ્યારે ઍર ક્વોલિયી ઈન્ડેક્સ 400 ને પાર કરી ગયો. એવામાં સરકારે ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શનપ્લાન‘ ના સ્ટેજ 3 જેવા પ્રતિબંધો લાગુ કરી દીધા છે. જો કે રાજધાનીની હવા હવે બહુ ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ છે.
બૈજિંગે સાફ હવા માટે શું કર્યુ ?
ચીનની રાજધાની બૈજિંગ 2013 આસપાસ ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યુ હતુ. એ સમયે ચીનની રાજધાની સૌથી પ્રદૂષિત રાજધાનીઓમાં ટોચ પર રહેતી હતી. બૈજિંગનું આ જ પ્રદૂષણ ચીનની સરકાર માટે શરમજનક અને પરેશાનીનું કારણ બની ગયુ હતુ. જનતાનું દબાણ પણ સતત વધી રહ્યુ હતુ. એવામાં ચીની સરકારે બૈજિંગને ક્લિન કરવાનો ન માત્ર નિર્ણય કર્યો. પરંતુ સ્થિતિ બદલવામાં પણ સફળ સાબિત થયુ.
કડક પ્રતિબંધો સાથે ડેટા મોનિટરિંગ
2013માં બૈજિંગમાં 2.5 માઈક્રોન એટલે કે તેનાથી ઓછા વ્યાસવાળા કણો (PM2.5) ની વાર્ષિક સરેરાશ માત્રા 101.5 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર (Mgm/m3) હતી પરંતુ 2024માં આ ઘટીને 40 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થઈ ગઈ. આ પ્રકારે ચીનની સરકારે ઉઠાવેલા પગલા દિલ્હીના વાયુ પ્રદૂષણના નિયંત્રણ વિશે ઘણુ બધુ શીખવી શકે છે. આવુ એટલા માટે કારણ કે બૈજિંગ અને દિલ્હી વચ્ચે ભૌગૌલિક અને આબોહવાની દૃષ્ટિએ ઘણી સમાનતા ધરાવે છે.
આ નિર્ણયે બૈજિંગને સ્વચ્છ શહેર બનાવ્યું
બૈજિંગ અને દિલ્હી બંને પર્વતીય ભૂપ્રદેશની નજીક બેસિનમાં સ્થિત છે, જે પ્રદૂષિત હવાને સરળતાથી ફેલાતી અટકાવે છે. પરિણામે, શાંત પવનો, નીચા તાપમાન, ભેજ અને શિયાળામાં વરસાદનો અભાવ પ્રદૂષણને નોંધપાત્ર રીતે વધારે છે. પડોશી વિસ્તારોમાંથી પ્રદૂષણ પણ બંને શહેરોને અસર કરે છે. દિલ્હીના કિસ્સામાં, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને NCR ના શહેરો પ્રદૂષણમાં વધારો કરે છે.
બેઇજિંગે બ્લુ આકાશ માટે લડી ‘જંગ’
જ્યારે બેઇજિંગ 2013 માં ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યું હતું, ત્યારે સરકારે 2014 સુધીમાં પ્રદૂષણ સામે રાષ્ટ્રીય ‘યુદ્ધ’ જાહેર કર્યું. તેના પ્રાથમિક લક્ષ્યો PM2.5 અને PM10 ઘટાડવા અને જૂના વીજ ઉત્પાદન અને ઔદ્યોગિક પ્લાન્ટને દૂર કરવાના હતા. બૈજિંગે જે વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કર્યુ અને જે પગલા લીધા, તે પૈકીના અનેક પગલા અંગે દિલ્હી- NCR માટે પણ ચર્ચવામાં આવ્યા. જો કે મેઈન વાત તો તેના અમલીકરણ અને સખ્તાઈ પર જ આવીને અટકી ગઈ.
જાહેર પરિવહનમાં વધારો, પાર્કિંગ બંધ કરી દીધા
બેઇજિંગે ડેટા પર પોતાનું ફોકસ વધાર્યું. શહેરમાં ઝેરી હવાના ઉત્સર્જનના સ્થાનો અને સમય ઓળખવા માટે, 1,000 થી વધુ સેન્સર સાથે એક સઘન PM2.5 મોનિટરિંગ નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું હતું. પરિવહનને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું. હાઇવેનું બાંધકામ ધીમું કરવામાં આવ્યું હતું. રાહદારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જાહેર પરિવહનમાં સુધારો કરવામાં આવ્યો હતો. ખાનગી વાહનો પર કેટલાક નિયંત્રણો વધારવામાં આવ્યા હતા, જેમાં પાર્કિંગ પ્રતિબંધોનો સમાવેશ થાય છે. આનાથી શ્રીમંત બેઇજિંગવાસીઓને પણ જાહેર પરિવહન અને સાયકલ અપનાવવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.
જનતાનો પણ સહયોગ મળ્યો, લોકોએ ચાલીને જવાનું અને સાયકલ વાપરવાનું શરૂ કર્યુ
વાહન ઉત્સર્જન નિયંત્રણો પર કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા. 2017 માં, બેઇજિંગે યુરો VI (યુરોપિયન ઉત્સર્જન ધોરણો) ની સમકક્ષ કડક વાહન ઉત્સર્જન ધોરણો લાગુ કર્યા. પ્રદૂષક વાહનોને સ્ક્રેપિંગ પ્રોત્સાહનો દ્વારા તબક્કાવાર દૂર કરવામાં આવ્યા હતા, અને લાઇસન્સ પ્લેટ લોટરી અને ડ્રાઇવિંગ પ્રતિબંધો દ્વારા ખાનગી કાર ઘટાડવામાં આવી હતી. બસો અને ટેક્સીઓ સહિત ઇલેક્ટ્રિક વાહનો (EVs) ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, ઇલેક્ટ્રિક વાહનોમાં વધારાના મળ્યા લાભ
અંદાજ મુજબ, બેઇજિંગમાં આશરે 400,000 ઇલેક્ટ્રિક વાહનો છે, જે શાંઘાઈ પછી કોઈપણ શહેરમાં બીજા ક્રમે સૌથી વધુ સંખ્યા છે. શહેરમાં 200,000 ચાર્જિંગ પોઈન્ટ છે. બેઇજિંગે કોલસા પરની તેની નિર્ભરતા પણ ઘટાડી. તેણે તેના ઘણા પાવર પ્લાન્ટ અને હીટિંગ સિસ્ટમ્સને કુદરતી ગેસમાં રૂપાંતરિત કર્યા અને નવીનીકરણીય ઊર્જામાં રોકાણ વધાર્યું. ખૂબ પ્રદૂષિત ઉદ્યોગોને શહેરની બહાર સ્થાનાંતરિત કરવામાં આવ્યા.
પ્રદૂષણ ઓક્તી ફેક્ટરીઓ પર કાર્યવાહી
આસપાસના રાજ્યોમાં હજારો પ્રદૂષણ ઓક્તી ફેક્ટરીઓને સાફ કરવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ ઝુંબેશ 2017 માં યુદ્ધના ધોરણે ચલાવાયુ. રાજધાનીની આસપાસના ઉદ્યોગોનું નિરીક્ષણ કરવા માટે ચીનભરમાંથી 5,600 પર્યાવરણીય નિરીક્ષકોને રાખવામાં આવ્યા હતા. પ્રદૂષિત વાહનોને બેઇજિંગમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રયાસો સફળ રહ્યા. માત્ર ચાર વર્ષમાં, 2013 થી 2017 સુધી, બેઇજિંગમાં PM2.5 ની વાર્ષિક કોન્સન્ટ્રેશનમાં 35 ટકાનો ઘટાડો કર્યો. 2023 સુધીમાં, આ સ્તર લગભગ 60 ટકા ઘટી ગયું હતું.
અમેરિકાને જે કરવામાં દાયકાઓ લાગ્યા, તે ચીને 4 વર્ષમાં કરી દીધુ
શિકાગો યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, પ્રદૂષણમાં આ ટકાવારી ઘટાડો હાંસલ કરવામાં યુએસમાં દાયકાઓ લાગ્યા. 2013 થી 2020 દરમિયાન વૈશ્વિક વાયુ પ્રદૂષણમાં થયેલા ઘટાડામાં ચીનનો હિસ્સો ત્રણ ચતુર્થાંશથી વધુ હતો. હાલમાં, બેઇજિંગે પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબુ કર્યો છે.
શું દિલ્હી બૈજિંગ મોડેલ અપનાવશે?
હવે, ભારતે પણ રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી પગલાં લેવા પડશે. અહીં પણ, 2019માં, કેન્દ્ર સરકારે ‘રાષ્ટ્રીય સ્વચ્છ હવા નીતિ’ શરૂ કરી. જોકે, ચીની સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાં જેવા કોઈ પગલાં નથી. એ જોવું રસપ્રદ રહેશે કે દિલ્હી બેઇજિંગમાંથી પાઠ લેશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશે કે નહીં.
