Breaking News: અમદાવાદનો ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ, AMCને પોતાનો વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો, જાણો વિગત
અમદાવાદના સૌથી મહત્વપૂર્ણ ટ્રાફિક કોરિડોરમાં આવેલા સુભાષબ્રિજને લઈને મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જર્જરિત બ્રિજની હાલની સ્થિતિ અને સલામતીને ધ્યાનમાં રાખીને નિમાયેલ કન્સલ્ટન્ટ એજન્સીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને પોતાનો વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી નવો અને વધુ પહોળો ફોરલેન બ્રિજ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.
અમદાવાદના સૌથી મહત્વપૂર્ણ ટ્રાફિક કોરિડોરમાં આવેલા સુભાષબ્રિજને લઈને મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જર્જરિત બ્રિજની હાલની સ્થિતિ અને સલામતીને ધ્યાનમાં રાખીને નિમાયેલ કન્સલ્ટન્ટ એજન્સીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને પોતાનો વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી નવો અને વધુ પહોળો ફોરલેન બ્રિજ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.
બ્રિજ માટે ત્રણ વિકલ્પ સૂચવવામાં આવ્યા
કન્સલ્ટન્ટ એજન્સીઓના રિપોર્ટ મુજબ, સુભાષબ્રિજ માટે ત્રણ મુખ્ય વિકલ્પો સૂચવવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ મુજબ હાલના બ્રિજને સંપૂર્ણપણે તોડી નવો બ્રિજ બનાવવામાં આવે. બીજો વિકલ્પ બ્રિજના ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો પિલ્લર ઉભો કરીને બ્રિજને મજબૂત બનાવવાનો છે. જ્યારે ત્રીજો વિકલ્પ હાલના બ્રિજનું ઉપરનું સમગ્ર સ્ટ્રક્ચર દૂર કરીને તેના સ્થાને સ્ટીલ સ્ટ્રક્ચર ઉભું કરી બ્રિજને ફરીથી કાર્યરત કરવાનો છે.
સૌથી શ્રેષ્ઠ વિકલ્પ વિશે પણ જણાવાયુ
જો કે, રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સલામતી, ટ્રાફિક વ્યવસ્થા અને શહેરના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે. કન્સલ્ટન્ટ એજન્સીઓનું માનવું છે કે હાલનો બ્રિજ ટેકનિકલી મજબૂત પાયા પર હોવા છતાં, તેના ઉપરના સ્ટ્રક્ચરમાં ક્ષતિ હોવાના કારણે ભવિષ્યમાં જોખમ ઉભું થઈ શકે છે.
રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે આવનારા સમયમાં મોટા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ, જેમ કે કોમનવેલ્થ ગેમ્સ અથવા ઓલિમ્પિક ગેમ્સ જેવી આયોજનાત્મક સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને આધુનિક બનાવવાની જરૂર છે. આવા સંજોગોમાં નવો, પહોળો અને ફોરલેન સુભાષબ્રિજ શહેર માટે વધુ ઉપયોગી સાબિત થશે.
અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન કક્ષાએ લેવાશે
કન્સલ્ટન્ટ એજન્સીઓએ એવો પણ દાવો કર્યો છે કે સુભાષબ્રિજના પાયા હજુ પણ મજબૂત છે, પરંતુ ઉપરના સ્ટ્રક્ચરની હાલતને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય લેવો જરૂરી બની ગયો છે. હવે પ્રશ્ન એ છે કે બ્રિજનો કેટલો ભાગ તોડવો કે આખો બ્રિજ તોડી નવો બનાવવો. આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન કક્ષાએ લેવાશે. સુભાષબ્રિજને લઈને મુખ્યપ્રધાન દ્વારા લેવાતો નિર્ણય અમદાવાદના ટ્રાફિક, સલામતી અને ભવિષ્યના શહેરી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
