History of city name : મહુડીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
મહુડી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં, સાબરમતી નદીના કિનારે આવેલું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. આ સ્થળ મુખ્યત્વે જૈન ધર્મના દાદા ગુરુદેવ, શ્રી ઘંટાકર્ણ મહાવીર માટે જાણીતી છે.

જૈન સમાજ ઉપરાંત અન્ય સમુદાયોના શ્રદ્ધાળુઓ પણ અહીં સ્થિત ઘંટાકર્ણ મહાવીર દેવતા તથા પદ્મપ્રભુ ભગવાનના જૈન મંદિરમાં ભક્તિભાવથી દર્શન કરવા આવે છે. તે ઐતિહાસિક રીતે મધુપુરી તરીકે જાણીતું હતું.

મહુડીનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો માનવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે વસેલું હોવાથી આ વિસ્તાર પ્રાચીન સમયમાં તપસ્યા અને સાધનાનું કેન્દ્ર રહ્યો હતો.

મહુડીનું જૈન મંદિર જૈનસાધુ બુદ્ધિસાગરસૂરિજીના માર્ગદર્શન હેઠળ ઇ.સ. 1917માં (વિક્રમ સંવત 1974, માગશર સુદ છઠ્ઠ) સ્થાપિત થયું હતું. મંદિર પરિસરમાં બ્રાહ્મી લિપિમાં ઉકેલાયેલો એક પ્રાચીન શિલાલેખ પણ જોવા મળે છે. ઇ.સ. 1916માં વાડીલાલ કાલિદાસ વોરાએ દાન કરેલી જમીન પર આ સ્થાપનાનો પ્રારંભ થયો હતો.

વાડીલાલ કાલિદાસ વોરા સાથે પૂનમચંદ લલ્લુભાઇ શાહ, કંકુચંદ નરસીદાસ મહેતા તથા હિંમતલાલ હકમચંદ મહેતાને મંદિરના સંચાલન હેતુથી રચાયેલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ મંદિરના મુખ્ય દેવ તરીકે પદ્મપ્રભ ભગવાનની આશરે 22 ઇંચ ઊંચી આરસપથ્થરની પ્રતિમા સ્થાપિત છે. મંદિર પરિસરમાં રક્ષક દેવતા ઘંટાકર્ણ મહાવીર માટે અલગ મંદિર પણ આવેલું છે. ઉપરાંત, જૈન સાધુ બુદ્ધિસાગરસૂરિજીને સમર્પિત ગુરુ મંદિરનું નિર્માણ બાદના સમયમાં કરવામાં આવ્યું હતું. (Credits: - Wikipedia)

અહીં શ્રદ્ધાળુઓ ઘંટાકર્ણ મહાવીરને સુખડીનો નૈવેદ્ય અર્પણ કરે છે. અર્પણ બાદ આ પ્રસાદ મંદિર પરિસરમાં જ ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે પરંપરા અનુસાર સુખડીને મંદિર સંકુલની બહાર લઈ જવાની મનાઈ છે. દર વર્ષે કાળી ચૌદશના પાવન દિવસે હવનના ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે અસંખ્ય ભક્તો મંદિરની મુલાકાત છે. (Credits: - Wikipedia)

મહુડીનું નામકરણ પ્રાકૃતિક સમૃદ્ધિ સાથે જોડાયેલું છે, જ્યારે તેનો ઇતિહાસ આધ્યાત્મિક શ્રદ્ધા, જૈન પરંપરા અને લોકવિશ્વાસનો અદ્ભુત સંગમ રજૂ કરે છે. આજેય મહુડી ભક્તો માટે આશા, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક બનીને ઊભી છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
