Breaking News: ફાસ્ટ ફૂડ લવર્સ હવે ચેતી જજો! બહારનું જંક ફૂડ ખાવાથી 11 મા ધોરણની વિદ્યાર્થીનીના આંતરડામાં કાણું પડી ગયું, ગુમાવ્યો ‘જીવ’
શું તમારું બાળક પણ વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાય છે? જો હા, તો હવે તમારે અને તમારા બાળકને ચેતી જવાની જરૂર છે. મળતી માહિતી અનુસાર, હાલમાં જ 11 મા ધોરણની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. આ પાછળનું કારણ ચાઉ મેઈન, નૂડલ્સ, બર્ગર અને પિઝા જેવા ફાસ્ટ ફૂડ છે.

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષની 11 મા ધોરણની વિદ્યાર્થીનીએ વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિદ્યાર્થીનીને ઘરનું ભોજન પસંદ નહોતું અને તે દરરોજ ચાઉમીન, બર્ગર, પિઝા જેવા ફાસ્ટ ફૂડ ખાતી હતી.
એક ‘જીદ’ સામે પરિવારને હારવું પડ્યું
પુત્રીની જીદ સામે પરિવારના સભ્યો લાચાર બની ગયા અને તેમણે પુત્રીને આમ કરવાથી રોકી નહીં. જો કે, જ્યારે વિદ્યાર્થીનીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારે પરિવારના સભ્યો તેને સારવાર માટે મુરાદાબાદ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોક્ટરોને ખબર પડી કે, વિદ્યાર્થીનીના આંતરડામાં કાણું હતું અને આંતરડા એકબીજા સાથે ચોંટી ગયા હતા.
અહેવાલો અનુસાર, અમરોહાના મોહલ્લા અફઘાનના રહેવાસી મન્સૂર હાશ્મીની 16 વર્ષની પુત્રી અહાના 11 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. સારવાર માટે મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને 30 નવેમ્બરે અહાનાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ઓપરેશન બાદ પણ ફરક ન પડ્યો
અહાનાની તબિયતમાં સુધારો શરૂ થયા પછી ડોકટરોએ તેને હોસ્પિટલમાંથી રજા આપી અને ઘરે મોકલી દીધી. ઓપરેશન બાદ પણ વિદ્યાર્થીનીએ નબળાઈની ફરિયાદ કરી હતી પરંતુ તેના પરિવારને આશા હતી કે, ઘરે સાત્વિક અને સાદો ખોરાક લેવાથી તેનું સ્વાસ્થ્ય સુધરશે.
જો કે, અહાનાની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. ચાર દિવસ પહેલા, તેની તબિયત અચાનક બગડી ગઈ અને તેને પેટમાં વધુ દુખાવો થયો. તેના પરિવારજનો તેને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગઈ. જો કે, 21 ડિસેમ્બરે અહાનાની તબિયત ફરી બગડી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
બાળકોને ફાસ્ટ ફૂડથી દૂર રાખો
અહાનાના મૃત્યુ માટે ચાઉ મેઈન, નૂડલ્સ, બર્ગર અને પિઝા જેવા ફાસ્ટ ફૂડને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, ડોકટરોએ તેમને કહ્યું હતું કે, વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાવાથી અહાનાના આંતરડા એકબીજા સાથે ચોંટી ગયા હતા અને તેમાં કાણું પડી ગયું હતું. આ ઘટના બાદ ડોકટરોનું કહેવું છે કે, બાળકોને ફાસ્ટ ફૂડથી દૂર રાખવા જોઈએ, કારણ કે વધુ પડતું સેવન જીવલેણ બની શકે છે.
