સામાન્ય રીતે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. હિમાલય તરફથી આવતા ઠંડા પવનોની ગતિ નબળી પડતા રાજ્યમાં ઠંડી ગાયબ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાતોના મતે, હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (દબાણનું ક્ષેત્ર) સક્રિય હોવાને કારણે ઉત્તર દિશાના પવનો અટકી ગયા છે, જેનાથી ઠંડી પર બ્રેક લાગી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આગામી 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટશે. પવનની દિશા બદલાતાની સાથે જ ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફરી શરૂ થશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધશે. આગામી સપ્તાહમાં રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન ગગડવાની પૂરેપૂરી શક્યતા છે.