USA પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એપ્સટિન ફાઇલમાં ચોંકાવનારો ખુલાસો, 20 વર્ષીય યુવતી સાથે 8 વાર ખાનગી જેટમાં ઉડ્યા
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે, એપ્સટિન ફાઇલોમાંની વધુ એક નવી ફાઈલ બહાર પાડી છે, જેમાં અમેરિકાના વર્તમાન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઘણી વખત ઉલ્લેખ કરાયો છે. દસ્તાવેજો અનુસાર, ટ્રમ્પે 1993 થી 1996 દરમિયાન એપ્સટિનના ખાનગી જેટમાં, 20 વર્ષની યુવતી સાથે આઠ વાર મુસાફરી કરી હતી. જોકે આ અંગેના ગુનાના કોઈ પુરાવા ફાઈલમાં ટાંકવામાં આવ્યા નથી.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે) દ્વારા એપ્સટિન ફાઇલોમાની વધુ એક નવી ફાઈલ જાહેર કરી છે. આ ફાઇલોમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ઘણી વખત આવે છે. નવી સાર્વજનિક કરાયેલ ફાઈલના દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રમ્પે 1990 ના દાયકામાં જાતીય ગુનાઓના આરોપી જેફરી એપ્સટિનના ખાનગી જેટમાં ઘણી વખત મુસાફરી કરી હતી. એક ફાઈલમાં, ટ્રમ્પ, એપ્સટિન અને એક 20 વર્ષીય યુવતીના નામનો સમાવેશ થાય છે. જેઓએ એકસાથે ખાનગી જેટ વિમાનમાં ઉડાન ભરી હતી.
જોકે, ફાઇલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે એ સાબિત કરતું નથી કે મહિલા કોઈ ગુનાનો ભોગ બની હતી કે નહીં. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એપ્સટિન ફાઇલોમાં કોઈ વ્યક્તિનું નામ હોવું એ કોઈ ગુનાનો પુરાવો નથી. ગયા અઠવાડિયે, એપ્સટિન સંબંધિત કેટલીક ફાઇલો પણ જાહેર કરવામાં આવી હતી. નવી ફાઇલોમાં ટ્રમ્પના નામનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં એક મહત્વપૂર્ણ ઇમેઇલનો પણ સમાવેશ થાય છે. આ ઇમેઇલ 7 જાન્યુઆરી, 2020 ના રોજ ન્યુ યોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના સિનિયર એટર્ની દ્વારા મોકલવામાં આવ્યો હતો. ઇમેઇલનો વિષય “એપ્સટિન ફ્લાઇટ રેકોર્ડ્સ” હતો.
3 વર્ષમાં 8 વખત એપ્સટિન સાથે ઉડાન ભરી
ઇમેઇલમાં જણાવાયું છે કે, ટ્રમ્પે 1993 થી 1996 વચ્ચે ઓછામાં ઓછા આઠ વખત એપ્સટિનના ખાનગી જેટમાં ઉડાન ભરી હતી. આમાંથી ચાર ફ્લાઇટ્સમાં ઘિસલિન મેક્સવેલ પણ હાજર હતા. ઘિસલિન મેક્સવેલને એપ્સટિનના સહયોગી માનવામાં આવે છે અને તેમને એપ્સટિનના ગુનાઓમાં મદદ કરવા બદલ દોષિત ઠેરવવામાં પણ આવ્યા છે. ઇમેઇલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલીક ફ્લાઇટ્સમાં, ટ્રમ્પ સાથે એવી મહિલાઓ પણ હતી જે મેક્સવેલ સામેના કેસમાં સંભવિત સાક્ષીઓ હોઈ શકે છે.
દસ્તાવેજો અનુસાર, તેમની તત્કાલીન પત્ની માર્લા મેપલ્સ, પુત્રી ટિફની ટ્રમ્પ અને પુત્ર એરિક ટ્રમ્પ પણ વિવિધ ફ્લાઇટ્સમાં મુસાફર તરીકે નામોલ્લેખ હતા. એક ફ્લાઇટમાં ફક્ત ટ્રમ્પ અને એપસ્ટેઇનના નામ સૂચિબદ્ધ છે. બીજી ફ્લાઇટમાં ફક્ત ત્રણ મુસાફરોની સૂચિ છે: એપસ્ટેઇન, ટ્રમ્પ અને એક 20 વર્ષીય યુવતી. જો કે, દસ્તાવેજમાં 20 વર્ષની એ યુવતી કોણ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. નવી ફાઇલોમાં બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુ (એન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિન્ડસર)નો પણ ઘણી વખત ઉલ્લેખ છે. પ્રિન્સ એન્ડ્ર્યુ પહેલાથી જ એપસ્ટેઇન સાથેના તેમના સંબંધોને લઈને વિવાદમાં ફસાઈ ચૂક્યા છે.
ટ્રમ્પ અને એપસ્ટેઇન 15 વર્ષથી મિત્રો
ફાઇલોના સાર્વજનિક થવાથી એપસ્ટેઇન અને ટ્રમ્પના ભૂતકાળના સંબંધો વિશે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે. બંને લગભગ 15 વર્ષથી મિત્રો હતા. જો કે, ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે, એપસ્ટેઇન સાથેના તેમના સંબંધો 2004 માં સમાપ્ત થઈ ગયા હતા. ટ્રમ્પ સતત કહે છે કે તેમને એપસ્ટેઇનના ગુનાઓ વિશે કોઈ જાણકારી નહોતી અનેએપસ્ટેઇને આચરેલા ગુનાઓ સાથે તેમનો કોઈ સંબંધ નહોતો.
આ પણ વાંચોઃBreaking News : એપ્સટિન ફાઇલ્સમાં ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ, જાણો બીજું શું ખુલ્યું?