નશીલા સિરપને લઈને રાજ્યભરમાં દરોડા, રાજકોટ પોલીસે વિવિધ સ્થળોએ હાથ ધર્યુ ચેકિંગ- જુઓ વીડિયો
રાજકોટ: ખેડાના સિરપકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે હવે રાજકોટમાં નશાકારક સિરપને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. આર્યુવેદિક સિરપને લઈને ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ખેડામાં કથિત નશીલા સિરપને કારણે પાંચ લોકોના મોત થયા બાદ રાજ્યભરની પોલીસ એકશનમાં આવી છે.રાજકોટ પોલીસ દ્રારા પણ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આર્યુવેદિક સિરપના નામે વેચાતા નશીલા પદાર્થના વેચાણને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્રારા અમુલ સર્કલ નજીક આવેલા પાનના ગલ્લાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે કોઇ સ્થળેથી નશીલો પદાર્થ મળ્યો ન હતો.
શહેરભરમાં શંકાસ્પદ સ્થળોએ દરોડા કરવા પોલીસ કમિશનરનો આદેશ
ખેડાની ઘટના બાદ રાજ્યભરની પોલીસ આર્યુવેદિકના નામે વેચાતા નશીલા પીણા અંગે સતર્ક છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા શહેરના તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીને આ પ્રકારના શંકાસ્પદ પીણા અંગે તપાસના આદેશ કર્યો છે.પોલીસ કમિશનર દ્રારા શહેરમાં શંકાસ્પદ સ્થળોએ આ પ્રકારનું વેચાણ થતું હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જેના પગલે શહેરભરમાં આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે મોટો જથ્થો પકડી પાડ્યો હતો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ૩ જુલાઇના રોજ 73000 જેટલી નશીલી બોટલ ઝડપી પાડવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ પ્રકારના સિરપમાં આઇસોપ્રોપાઇલ હોવાનું એફએસએલના રિપોર્ટમાં આવ્યું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. નિષ્ણાંતોના આ પ્રકારના પદાર્થની જરૂરિયાત કરતા વધારે ઉપયોગને કારણે પ્રોહિબીશનની કલમ હેઠળ કાર્યવાહી થઇ શકે છે.
આ પણ વાંચો: રાજકોટ: સૌરાષ્ટ્રના ખેડૂતોને આનંદો, બેડી માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ મણે 2500 થી 3500 ઉપજ્યાં
નશીલા પદાર્થમાં ઉપયોગમાં લેવાતુ આઇસોપ્રોપાઇલ અત્યંત હાનિકારક
ગત જુલાઇ મહિનામાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આયુર્વેદિક પીણામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ પીણામાં આઇસોપ્રોપાઇલ હોવાનું ખૂલ્યું હતું. જેના કારણે વ્યક્તિનું મગજ શૂન્યાવકાસ રહે છે. આલ્કોહોલની માત્રા વધારે હોવાથી ઘેનમાં રહે છે. વ્યક્તિ લોથપોથ થઇ જાય છે. આ ઉપરાંત ચક્કર આવવા, લીવરમાં ગંભીર બિમારી થવી, પેટ અને આંતરડાંના ગંભીર પ્રકારના રોગ થવા, હ્રદયની નાડીઓને અસર થવી અને હ્રદય બંધ થઇ જવા સુધીની સમસ્યા સર્જાઈ શકે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો