ગોંડલના યુવાનના શંકાસ્પદ મોત મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ આવતા કેસ બન્યો હાઇપ્રોફાઇલ,પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
ગોંડલના યુવક રાજકુમાર જાટના મૃત્યુના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું છે. પોલીસે મૃત્યુને અકસ્માત ગણાવ્યો છે, પણ પરિવાર CBI તપાસની માંગ કરી રહ્યો છે. પિતાનો આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્યના સાગરીતોએ રાજકુમારને માર માર્યો હતો. આ આરોપો બાદ સમગ્ર કેસ હવે હાઇ-પ્રોફાઇલ બન્યો છે. પોલીસે CCTV ફૂટેજ તપાસી અકસ્માતે મોત હેઠળ ગુનો નોંધી તપાસ કરી રહી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી ગત ૩ માર્ચના રોજ ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવાનના મૃત્યુ મામલે અનેક શંકાઓ અને શક્યતાઓ બાદ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે પ્રાથમિક તપાસમાં એ વાત કબુલી છે કે યુવકને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરમાં કોઇ બાબતે બબાલ થઇ હતી પરંતુ એ પણ ખુલાસો કર્યો છે કે યુવકનું અકસ્માતથી જ મોત થયું છે. મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે શંકા ઉભી કરી છે અને આ કેસમાં CBI તપાસની માંગ કરી છે.
“સીસીટીવીની ખરાઇ થવી જોઇએ, મારા પુત્રનો અકસ્માત નહિ હત્યા થઇ છે”
મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે આ કેસમાં દાવો કર્યો છે કે 2 તારીખે હું અને મારો પુત્ર બંન્ને અક્ષર મંદિર ગોંડલથી જઇ રહ્યા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સાગરીતોએ મારા દીકરાને ઘરે બોલાવ્યો હતો અને માર માર્યો હતો. મારો દીકરો બાઇકમાં બેસી શકે તેવી સ્થિતિમાં પણ ન હતો, જેથી મેં ઉચકીને તેને બેસાડ્યો અને હું તેને રૂમ પર મૂકી આવ્યો. સવારે જ્યારે હું તેની પાસે ગયો ત્યારે તે હાજર ન હતો. મેં અનેક સ્થળે તપાસ કરી પરંતુ તેની કોઇ ભાળ મળી નહિ અને અંતે મને પોલીસે જાણ કરી કે તેનું અકસ્માતમાં મોત થયું છે. રતનલાલે વધુમાં કહ્યું હતું કે મારો દીકરો કઇ રીતે ગુમ થયો ? પોલીસે અમને ત્રણ દિવસે કેમ જાણ કરી ? આ કેસમાં પૂર્વ ધારાસભ્ય ની સંડોવણી હોવાનો આક્ષેપ કરીને સીબીઆઇ તપાસની માંગ કરી હતી.
યુવકના મોત પાછળ પૂર્વ MLAની કોઇ ભુમિકા નથી-જિલ્લા પોલીસ વડા
અનેક આક્ષેપો અને ચર્ચાઓ વચ્ચે પોલીસ દ્રારા આ કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ અકસ્માતનો બનાવ છે અને યુવકનું અકસ્માતને કારણે મોત થયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે તેના સાગરીતોને આ મૃત્યુ સાથે કોઇ લેવાદેવા નથી. હિમકરસિંહે કહ્યું હતું કે યુવક ગોંડલથી 3 માર્ચે નીકળ્યો હતો અને તે કુવાડવા રોડ પર આવેલા રામધામ આશ્રમમાં પ્રવેશ કરે છે. ગોંડલથી રાજકોટ અને અમદાવાદ હાઇ વે સુધીના સીસીટીવી ફુટેજમાં તે એકલો જ નજરે પડે છે.
સીસીટીવી ફૂટેજ અને અકસ્માતનું કારણ
રામધામ આશ્રમના 500 મીટર દુર જ તેનું અજાણ્યા વાહનની હડફેટે મોત નીપજે છે. વધુમાં હિમકરસિંહે કહ્યું હતું કે બે માર્ચના રોજ પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે આ યુવક હતો તે વાત સાચી છે. આ મામલે તેમણે કહ્યું હતું કે બે તારીખે જ્યારે યુવકના પિતાએ તેને ફોન કર્યો ત્યારે સ્વામીએ ફોન ઉપાડ્યો હતો અને યુવક અક્ષર મંદિરે હોવાનું કહ્યું હતું. જેથી તેના પિતા રાજકુમાર પાસે મંદિરે ગયા હતા જેથી રાજકુમાર ઉશ્કેરાયો હતો અને તેને પુરપાટ ઝડપે પોતાની બાઇક ચલાવી હતી. દરમિયાન તેના પિતા અને રાજકુમાર વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પિતા રતનલાલ બાઇક પરથી નીચે ઉતરી ગયા હતા.
ઉશ્કેરાઈ ગયેલો પુત્ર બળજબરીથી પૂર્વ ધારાસભ્યના ઘરની અંદર પ્રવેશ કરી લે છે અને ત્યાં સિક્યુરિટી સાથે બેસે છે પરંતુ થોડીવાર બાદ પણ તે ઘરેથી જતો નથી, જેથી તેને બહાર કાઢી મુકવામાં આવે છે. પોતાનો દીકરો ચાલી ન શકે તેવી સ્થિતિમાં હોવાના પિતાના આક્ષેપ પર પોલીસે કહ્યું હતું કે તે બિલકુલ સ્વસ્થ હતો અને એટલા માટે તે ગોંડલથી ચાલીને કુવાડવા સુધી પહોંચ્યો હતો. પોલીસે વધુમાં કહ્યું હતું કે રાજકુમાર અને તેના પિતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અગાઉ અનેક વખત રાજકુમાર આ જ રીતે ઘર છોડીને નીકળી ગયો હતો અને થોડા દિવસોમાં પરત આવી જતો હતો.
હાલમાં મૃતક રાજકુમારનો પરિવાર મૃતદેહ લઇને પોતાના વતન તરફ નીકળ્યો છે. આ કેસમાં પોલીસે અનેક સીસીટીવી ફુટેજ ચકાસણી કરીને તપાસ હાથ ધરી છે જો કે પરિવારજનોમાં તપાસને લઇને અસંતોષ છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે પિતા પુત્ર વચ્ચેના ઝઘડા વિશે રાજકુમારના પિતાએ મીડિયાને કેમ માહિતી ન આપી ? જો તેના પુત્રને કોઇએ ગંભીર રીતે માર માર્યો છે તો શરીર પર ઇજાના નિશાન કેમ નથી? હાલ તો પોલીસે આ કેસને અકસ્માતે મોત હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.