ચોમાસુ
ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત અનુસાર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે. જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાંપટા પડતા હોય છે. ચોમાસામાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દર્શ્યો જોવા મળે છે.
જ્યારે અન્ય બે ઋતુ એટલે કે શિયાળામા અને ઉનાળામાં વરસાદ વરસે તેને કમોસમી વરસાદ કે માવઠુ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ખેતી ક્ષેત્ર વરસાદ પર નિર્ભર છે તેથી ચોમાસાનો વરસાદ ખેતી અને ખેડૂત બન્ને માટે મહત્વનો ગણાય છે. સારો અને માફકસરનો વરસાદ વરસે તો અર્થતંત્ર વેગવંતુ રહે છે. જો બહુ જ ઓછો અને અપુરતો વરસાદ વરસે તો દુષ્કાળ પડે છે. જે ખેતી, ખેડૂત અને અર્થતંત્ર માટે દુષ્કર ગણાય છે.