ટીમ ઈન્ડિયાની જર્સીથી લઈને T20 વર્લ્ડ કપ 2026 ની ટિકિટ સુધી… લિયોનેલ મેસ્સીને જય શાહ તરફથી આ ખાસ ભેટ મળી
"GOAT India Tour 2025" ના અંતિમ દિવસે આર્જેન્ટિનાનો ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી દિલ્હી પહોંચ્યો હતો. મુલાકાત દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહે તેને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કેટલીક ખાસ ભેટો આપી હતી.

આર્જેન્ટિનાનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી હાલમાં ભારતીય રમતગમત જગતમાં સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ છે. તે "GOAT ઇન્ડિયા ટૂર 2025" ના ભાગ રૂપે ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. આ પ્રવાસના છેલ્લા દિવસે તે દિલ્હી પહોંચ્યો અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેસ્સી માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મેસ્સીની એક ઝલક જોવા માટે ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી. ICCના અધ્યક્ષ જય શાહે મેસ્સીને ખાસ ભેટો આપી હતી, જેમાં T20 વર્લ્ડ કપની ટિકિટનો પણ સમાવેશ થાય છે. આ ટિકિટ ભારત-યુએસએ મેચની છે.

જય શાહે લિયોનેલ મેસ્સીને ટીમ ઈન્ડિયાની જર્સી નંબર 10 પણ ભેટમાં આપી હતી. મેસ્સીને એક ક્રિકેટ બેટ પણ ભેટમાં આપ્યું હતું, જેના પર દિગ્ગજ ક્રિકેટરોએ હસ્તાક્ષર કર્યા છે. મેસ્સીએ ઈવેન્ટ દરમિયાન નાના બાળકો સાથે ફૂટબોલ ટિપ્સ પણ શેર કરી હતી.

આ ખાસ પ્રસંગે લિયોનેલ મેસ્સીએ કહ્યું, "ભારતમાં આ દિવસો દરમિયાન પ્રેમ અને સ્નેહ માટે હું બધાનો આભાર માનવા માંગુ છું. અમારા માટે ખરેખર સુંદર અનુભવ હતો. અમે ચોક્કસપણે પાછા આવીશું, આશા છે કે એક દિવસ મેચ રમવા માટે અથવા કોઈ અન્ય પ્રસંગ માટે, પરંતુ અમે ચોક્કસપણે ભારતની મુલાકાત લેવા પાછા આવીશું. ખૂબ ખૂબ આભાર."

લિયોનેલ મેસ્સીનો 'GOAT ઈન્ડિયા ટૂર 2025' કોલકાતાથી શરૂ થયો. ત્યારબાદ તે હૈદરાબાદ ગયો. પ્રવાસના બીજા દિવસે તેણે મુંબઈની મુલાકાત લીધી અને હવે ત્રીજા દિવસે તે દિલ્હીમાં છે. આ તેના પ્રવાસનો અંતિમ પડાવ છે. (PC: PTI/SonyLIV)
લિયોનેલ મેસ્સીના ભારત પ્રવાસ બાદ ભારતના યુવાઓમાં ફૂટબોલ ચોક્કસથી વધુ ફેમસ થશે. ફૂટબોલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
