Breaking News : સિડનીમાં તહેવારની ઉજવણી દરમિયાન ગોળીબાર, 10 લોકોના મોત, 2,000 થી વધુ લોકો હતા હાજર
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ પર રવિવારે સાંજે થયેલા ભયાનક ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

રવિવારે સાંજે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચ પર અનેક ગોળીબારના અવાજો સંભળાતા જ અફરાતફરી મચી ગઈ હતી. અહેવાલો મુજબ, સામૂહિક ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે. ઘટના બાદ સેંકડો લોકો જીવ બચાવવા માટે બીચ છોડીને સલામત સ્થળે ભાગતા નજરે પડ્યા હતા.
લોકોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી
મીડિયા અહેવાલ અનુસાર, ન્યૂ સાઉથ વેલ્સ એમ્બ્યુલન્સ સર્વિસને સ્થાનિક સમય અનુસાર સાંજે 6:45 વાગ્યે બોન્ડી બીચ પર ગોળીબાર થયાની માહિતી મળી હતી. એમ્બ્યુલન્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગ થયું તે સમયે યહુદીઓના તહેવાર હનુક્કાહની ઉજવણી ચાલી રહી હતી, અને બોંડી બીચ પર હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા. ફાયરિંગ થતાની સાથે બીચ પર હાજર લોકોમાં નાસભાગ મચી.
This brave old man attacked one of the shooters & snatched the gun from him at Bondi beach, Australia! pic.twitter.com/KOzPPEC1by
— Notorious kendrix (@AbasienoSam) December 14, 2025
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે જણાવ્યું છે કે ઘટનાની તમામ વિગતો હજુ તપાસ હેઠળ છે. પોલીસ મુજબ, બોન્ડી બીચ વિસ્તારમાંથી બે શંકાસ્પદોને અટકાયત કરવામાં આવી છે અને હાલ સમગ્ર વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને આ વિસ્તારથી દૂર રહેવા તથા સુરક્ષિત આશ્રય લેવા માટે અપીલ કરી છે.
કેમ્પબેલ પરેડ વિસ્તારમાં અનેક ગોળીબારના અવાજો
સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે, બોન્ડી બીચ નજીક કેમ્પબેલ પરેડ વિસ્તારમાં અનેક ગોળીબારના અવાજો સંભળાયા હતા. સિડનીના મીડિયા અહેવાલો અનુસાર ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ વાહનો પહોંચી ગયા હતા અને કેટલાક લોકો જમીન પર પડેલા જોવા મળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ પણ ગોળીબારના અવાજો સાંભળ્યા હોવાની માહિતી આપી છે.
ક્રિસમસના તહેવાર પહેલા જ ઓસ્ટ્રેલિયામાં બનેલી આ ઘટનાથી કોહરામ મચી જવા પામ્યો છે. આ ઘટનાને લઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસના કાર્યાલયે પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે સરકાર બોન્ડી બીચની સુરક્ષા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને તમામ લોકોને ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. હાલ પોલીસ ગોળીબાર પાછળનું કારણ શોધવા માટે તપાસ કરી રહી છે.
