સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની ભાજપની ચાલનો એક ભાગ ! જાહેરાતની સાથે જ કોંગ્રેસના નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગુજરાતીમાં એક કહેવત છે, એક સાંધો ત્યાં તેર તુટે. બસ આ કહેવત અત્યારે ગુજરાત સ્થિત કોંગ્રેસને લાગુ પડતી હોય તેવા સંજોગો સર્જાયા છે. સુરત કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતા જ, માળખાના મણકા એક પછી એક વિખરાવા લાગ્યા. એટલે કે જે હોદ્દેદારોની જાહેરાતો કરી હતી તેઓ ટપોટપ રાજીનામા આપવા લાગ્યા. એવુ કહેવાય છે કે, સમગ્ર દેશમાં સુરતને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપે આદરેલી જહેમતને સાચી ઠેરવવા માટે યેનકેન પ્રકારે સોગઠાબાજી ગોઠવાઈ રહી છે.

ગુજરાતમાં તાજેતરમાં જ નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત ભ્રમણ કરીને પક્ષના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂકોનો દોર શરૂ કર્યો હતો. સુરત કોંગ્રેસના હોદેદારોની નિમણૂકની જાહેરાત કરતા જ એકાએક જાણે રાજકીય ભડકો થયો. એક સાથે પાંચ હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા શહેર કોંગ્રેસને આંચકો આપ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઈમેલથી રાજીનામા સોંપ્યા હતા. મંત્રી તરીકે નામ જાહેર થયેલ અશ્વિન સાવલિયાનું પણ રાજીનામું. અત્યાર સુધીમાં એક બાદ એક કુલ નવ જેટલા રાજીનામા પડ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યે નારાજગીથી રાજીનામા આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જો કે એક એવી પણ રાજકીય ચર્ચા ચાલી રહી છે કે, લોકસભાની ચૂંટણી સમયે જેમ સાંસદને બિનહરીફ વિજેતા કર્યા હતા તે જ રીતે વિધાનસભાની બેઠકોમાં ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર થાય તે માટે સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની ભાજપે ખેવના રાખી છે. આખા દેશમાં એવુ કહી શકાય કે ગુજરાતનુ સુરત આજે કોંગ્રેસ મુક્ત થયું છે લોકસભાથી લઈને વિધાનસભામાં કોંગ્રેસને એક પણ ઉમેદવાર મળતા નથી. જે મળે છે તે ભાજપ સામે લડતા નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોંગ્રેસના નવા વરાયેલા હોદ્દેદારો વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના સંપર્કમાં હોવાની શક્યતા છે. ભાજપના MLA હાર્દિક પટેલ સાથે બેઠક કર્યાનો દાવો કરાયો છે. કોંગ્રેસના સુરેશ સુવાગીયા, મહેશ કેવડીયાએ કરી હતી બેઠક.
સુરતના વરાછા, પુણાગામ, કાપોદરા વિસ્તારના જે કોંગ્રેસના જે સંગઠનના જે હોદ્દેદારો છે તે ક્યાંક જે MLA એટલે કે બીજેપીના MLA હાર્દિક પટેલ સાથે સીધા સંપર્કમાં હોવાની જે વાત સામે આવી રહી છે. તેનો એક ફોટો પણ સામે આવ્યો છે, કહેવાય છે કે થોડા દિવસ અગાઉ જે રીતે હાર્દિક પટેલ છે તે સુરત ખાતે આવ્યા હતા અને તેમની સાથે મીટિંગ થઈ હતી તે સમયનો આ ફોટો છે, જે સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આવનારા દિવસોમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આવા સંજોગોમાં સુરત શહેર કોંગ્રેસનું જે ભંગાણ થયું છે તેની સૌથી મોટી અસર થઈ શકે છે. ભંગાણવાળા વિસ્તારો પાટીદાર બાહુલ વિસ્તાર છે. પુણાગામ, કાપોદરા છે, સરથાણા છે, જે વરાછા વિસ્તારની અંદર જ્યારે કોંગ્રેસના જે કાર્યકર્તા છે, નેતાઓ છે જેઓ સતત લડત આપતા આવ્યા છે તેમણે જ રાજીનામા ધરી દીધા છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ ગામના દારુડિયાઓને ગ્રામ પંચાયતની એક પણ સુવિધા નહીં મળે, ગ્રામસભા યોજીને લેવાયો સામૂહિક નિર્ણય