ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ હોવાથી યુવાધન દારૂના નશામાં ખોખલું બની રહ્યું છે. ત્યારે પાલનપુરના માલણ ગામે દારૂબંધીના કડક અમલ માટે કરી છે અનોખી પહેલ. માલણ ગ્રામ પંચાયતે દારૂના દૂષણને નાથવા માટે કમર કસી કડક નિર્ણયો લાગુ કર્યા છે. હવેથી જો માલણ ગામમાં કોઇ દારૂ પીતા કે વેચાણ કરતા ઝડપાયા તો તેમના વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થશે. સાથે જ દારૂ સાથે સંકળાયેલા લોકોને ગ્રામ પંચાયતની કોઈ સુવિધા નહીં અપાય. તેમના ઘરનું પાણીનું કનેક્શન કટ થઇ જશે તેમજ અન્ય સુવિધાઓ પણ થઇ જશે બંધ. માલણમાં ગ્રામસભા યોજી દારૂબંધીની કડક અમલવારી કરવા લોકોને જાણ કરવામાં આવી છે. ત્યારે માલણ ગામની આ પહેલ ગુજરાતના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.