આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક, લિંક કરી નાખજો નહિતર હેરાન થવાનો વારો આવશે !
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા અનુસાર, નાગરિકો 31 ડિસેમ્બર, 2025 પહેલા ઘરે બેઠા મફતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકો છો. જો આ સમયમર્યાદા સુધી લિંકિંગ ન કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.

આજના સમયમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયા છે. નાણાકીય વ્યવહારો હોય કે આવકવેરા સંબંધિત કામ, પાન કાર્ડ વિના પ્રક્રિયા શક્ય નથી, જ્યારે આધાર વિના અનેક સરકારી અને ખાનગી સેવાઓ મેળવવી મુશ્કેલ બની છે. આવી સ્થિતિમાં સરકારે આધાર અને પાનને લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે. 31 ડિસેમ્બર સુધી મફતમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. પરંતુ સમયમર્યાદા બાદ લિંક ન કરનારાઓને અનેક અડચણોનો સામનો કરવો પડી શકે છે.
લિંક ન થાય તો શું થશે?
ClearTaxના અહેવાલ મુજબ, જો આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક ન કરવામાં આવે તો આવકવેરા રિફંડ મેળવવામાં વિલંબ થઈ શકે છે. આગામી વર્ષમાં ITR ફાઇલ કરવી મુશ્કેલ બનશે અને TDS અથવા TCS ઊંચા દરે વસૂલવામાં આવી શકે છે. ઉપરાંત, બેંક ખાતું ખોલવું, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ મેળવવું મુશ્કેલ બની શકે છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં એક દિવસમાં ₹50,000થી વધુ જમા કરાવવાનો પ્રતિબંધ રહેશે, જ્યારે નાણાકીય વર્ષમાં ₹2.5 લાખથી વધુ જમા શક્ય નહીં રહે. કોઈપણ બેંકમાં ₹10,000થી વધુનો વ્યવહાર પણ કરી શકાશે નહીં.
કોને લિંક કરવું ફરજિયાત છે?
જેનાં આધાર કાર્ડ 1 ઑક્ટોબર 2024 પહેલા બનાવાયા છે અને જે આવકવેરો ભરે છે, તેમના માટે આધાર–પાન લિંક ફરજિયાત છે.
કોને છૂટછાટ છે?
જે લોકો ITR ફાઇલ કરતા નથી, જમ્મુ–કાશ્મીર, આસામ અને મેઘાલયમાં રહે છે, 80 વર્ષથી વધુ ઉંમરના છે અથવા ભારતીય નાગરિક નથી, તેમને આ નિયમમાંથી છૂટછાટ આપવામાં આવી છે.
લિંક કરવાની પ્રક્રિયા
આધારકાર્ડ અને પાનકાર્ડને આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ મારફતે સરળતાથી લિંક કરી શકાય છે. પોર્ટલ પર ‘Link Aadhaar’ વિકલ્પ પસંદ કરી આધાર અને પાનકાર્ડ નંબર દાખલ કરવો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવો અને UIDAI સાથે વિગતો માન્ય કરવા સંમતિ આપ્યા બાદ લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ થશે.
SMS દ્વારા પણ સુવિધા
આ ઉપરાંત, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી UIDPAN <આધારકાર્ડ નંબર> <પાનકાર્ડ નંબર> લખીને 567678 અથવા 56161 પર SMS મોકલીને પણ લિંક કરી શકાય છે.
સરકારનું સ્પષ્ટ સૂચન છે કે સમયમર્યાદા પહેલાં આધારકાર્ડ–પાનકાર્ડ લિંકિંગ પૂર્ણ કરી લેવું, જેથી ભવિષ્યમાં નાણાકીય અને આવકવેરા સંબંધિત કોઈ મુશ્કેલી ન આવે.
