અમદાવાદ: પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થયાનો પીએમ રિપોર્ટમાં ખૂલાસો, કોંગ્રેસના આરોપ બાદ CNCDએ જારી કર્યો વીડિયો
અમદાવાદમાં ઢોરવાડામાં એકસાથે 30 થી 35 ગાયોના મોત અંગે ભારે ઉહાપોહ અને વિવાદ થયા બાદ CNCDએ એવુ તારણ આપ્યુ છે કે આ તમામ ગાયોના મોત પ્લાસ્ટિક ખાવાના કારણે થયા છે. બે મૃત ગાયોનુ પોસ્ટમોર્ટમ કરતા તેમની હોજરીમાંથી 25 થી 30 કિલો પ્લાસ્ટિક વેસ્ટ મળ્યો હોવાનુ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. આ અંગેનો વીડિયો પણ CNCD દ્વારા જારી કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરના ત્રણ ઢોરવાડામાં અગમ્ય કારણોસર 30 થી 35 ગાયોના ટપોટપ મોત થયા છે, ત્યારે હવે ગાયોના મોત મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ AMC દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાયોના મોત પ્લાસ્ટિક ખાવાથી થયા છે તો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ઢોરવાડામાં ગાયોની યોગ્ય સંભાળ લેવામાં આવતી નથી અને ગાયો મોતને ભેટી રહી છે.
ઢોરવાડામાં ખચોખચ ભરવામાં આવેલી ગાયોની દયનિય સ્થિતિ- અમિત ચાવડા, કોંગ્રેસ
ગાયોના મોત મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઢોરવાડાની મુલાકાત લઈ ગાયોની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ અને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો કે ગાયોના નામ પર મત માગતી ભાજપને ગાયોની કંઈ પડી નથી. ઢોરવાડામાં શ્વાસ પણ ન લઈ શકે તે પ્રકારે ગાયોને ખચોખચ ભરવામાં આવે છે. ચાવડાએ દાવો કર્યો કે ઢોરવાડામાં તંત્રની બેદરકારીને કારણે રોજ 10થી 15 ગાયો મોતને ભેટી રહી છે.
ઢોરવાડામાં ગાયોની લેવાઈ રહી છે યોગ્ય સંભાળ- નરેશ રાજપૂત, CNCD
કોંગ્રેસના આરોપ બાદ CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યુ કે રાજ્ય સરકારની પોલિસી મુજબ સપ્ટેમ્બર મહિનાથી રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અમલવારીના ભાગરૂપે 8345 પશુ પકડવામાં આવ્યા છે. આ પશુઓને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ત્રણ ઢોરવાડામાં રાખવામાં આવ્યા છે અને તેમની ત્યાં યોગ્ય સંભાળ પણ લેવામાં આવી રહી છે.
ગાયોનુ પોસ્ટમોટર્મ કરાતા 25 કિલો પ્લાસ્ટીક મટિરીયલ મળ્યુ- ડૉ પ્રતાપ રાઠોડ, CNCD
ઢોરવાડામાં એકસાથે 30થી વધુ ગાયોના મોત બાદ બે મૃત ગાયોનુ પીએમ કરવામાં આવ્યુ હતુ. જેમા ગાયોના પેટમાંથી મોટાપ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ મળ્યો હોવાનુ CNCD વિભાગના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ પ્રતાપ રાઠોડે જણાવ્યુ. તેમનુ કહેવુ છે એક ગાયની હોજરીમાંથી અંદાજીત 25થી30 કિલો પ્લાસ્ટિક અને વેસ્ટ નીકળ્યો જ્યારે બીજી ગાયની હોજરીમાંથી 15થી 20 કિલો પ્લાસ્ટિક નીકળ્યુ છે. CNCD વિભાગની દલીલ છે કે આ પ્લાસ્ટિક ખાઈને આવેલી ગાયો ઢોરવાડામાં આપવામાં આવતો હેલ્ધી ખોરાક પચાવી શક્તી નથી અને બ્લોટ, આફરો અને એક્યુટર્મિનલ ઈન્ફેક્શનના કારણે ગાયોના મોત થયા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો