વડોદરા જિલ્લાના વણછરા ગામમાં ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શાળાના શિક્ષિકા મનાલીબેન જોશી પર બાળકોને માર મારવાના તેમજ યોગ્ય રીતે શિક્ષણ ન આપવાના આરોપ લગાવી ગ્રામજનોએ આ પગલું ભર્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા અંતે તાળાબંધી કરવાની ફરજ પડી. વિરોધ દરમિયાન ગ્રામજનોએ સૂત્રોચાર કરી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવાની માગ ઉઠાવી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી શિક્ષિકાની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવશે. આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે.