વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી ખોખલી દારૂબંધીની પોલ- Video
વડોદરામાં આંગણવાડીની દુર્દશા સામે આવી છે. જ્યાં જ્યાં નાના-નાના ભૂલકાઓ ભણવા માટે આવે છે ત્યા કચરાના ઢગલા અને દારૂની થેલીઓ આમતેમ પડેલી છે. આંગણવાડીના મકાન બહાર કચરામાં પડેલી દારૂની થેલીઓ ગુજરાતની ખોખલી દારૂબંધીની પોલ ખોલી રહી છે.
વડોદરામાં જે આંગણવાડીમાં નાના-નાન ભૂલકાઓ ભણવા માટે અને રમવા માટે આવે છે એ આંગણવાડીની બહાર જ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં બાળ કલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી બનાવવામાં આવી છે. પરંતુ વડોદરાની આ આંગણવાડીમાં જો કોઈ વાલી તેના બાળકને મોકલે તો બાળક શિક્ષણના પાઠ ભણે કે ન ભણે પરંતુ બીમાર તો ચોક્કસ પડે એ નક્કી છે. આ આંગણવાડીની બહાર જ ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે. આ ઓછુ હોય તેમ દારૂની ખાલી થેલીઓ પણ અહીં જોવા મળી રહી છે.
આંગણવાડી બહારની આ ગંદકી અંગે વારંવાર રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા આંગણવાડી કાર્યકરો પણ ત્રસ્ત થયા થયા છે. આસપાસના સ્થાનિકો જ અહીં કચરો નાખી જતા હોવાના આરોપ આંગણવાડી કાર્યકરો લગાવી રહ્યા છે. કોઈ જ નિરાકરણ ન આવતા ગંદકીનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, હાલ આ વીડિયો અંગે ICDS વિભાગના અધિકારીએ જણાવ્યુ કે ગંદકી અંગે યોગ્ય કાર્યવાહી કરાશે, જો કે ક્યારે કરાશે તેની કોઈ સમય મર્યાદા નથી.
જો કે સૌથી મોટી ચોંકાવનારી બાબત તો એ છે એકતરફ આંગણવાડીની બહારની દિવાલો પર સ્વચ્છતાનો સંદેશ અપાયો છે. ત્યાં જ કચરાના ઢગલા અને દેશી દારૂની થેલીઓ જોવા મળી રહી છે. જે આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવતા હોય તેની બહાર જ દેશી દારૂની થેલીઓનો ઢગલો પડેલો હોય તેનાથી બાળ માનસ પર અસર થવાની પણ ભીંતી સેવાઈ રહી છે.