ભારતીય રેલવેનો ઐતિહાસિક રેકોર્ડ ! બ્રિટન, રશિયા અને ચીન જેવી વિશ્વ મહાસત્તાઓને પાછળ છોડતા ભારતે લખી નવી સફળતાની ગાથા
દેશની જીવાદોરી એટલે કે ભારતીય રેલવેએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, ભારત હવે વિશ્વના અનેક મોટા દેશોને પાછળ છોડી આગળ વધી ગયું છે. આ સિદ્ધિ સાથે ભારતીય રેલવેએ વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન મક્કમ બનાવી દીધું છે.

ભારતીય રેલવેએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે કે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી લીધું છે. ભારતીય રેલવે પોતાના બ્રોડ ગેજ નેટવર્કનો 99.2 ટકા ભાગ વીજળીથી ચાલતો બનાવ્યો છે. આનો અર્થ એ થયો કે, મોટાભાગની ટ્રેનો હવે ડીઝલને બદલે વીજળી પર ચાલશે. આ માત્ર એક મોટી તકનીકી પ્રગતિ નથી પરંતુ તે પર્યાવરણને પણ નોંધપાત્ર રીતે ફાયદો કરશે અને ઇંધણ બચાવશે.

સૌથી અગત્યનું, ભારત હવે આ સંદર્ભમાં બ્રિટન, રશિયા અને ચીન જેવા મુખ્ય દેશોને પાછળ છોડી ગયું છે. વધુમાં જ્યારે આ દેશોના રેલવે નેટવર્કનો મોટો ભાગ હજુ પણ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક નથી, ભારત લગભગ 100% ના લક્ષ્યને પ્રાપ્ત કરવાની ખૂબ નજીક છે. આ સિદ્ધિ દર્શાવે છે કે, ભારતીય રેલવે ઝડપથી આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બની રહી છે.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રિટનમાં ફક્ત 39 ટકા, રશિયામાં 52 ટકા અને ચીનમાં 82 ટકા રેલવે નેટવર્કનું વીજળીકરણ થયું છે, જ્યારે ભારત લગભગ 100 ટકાના લક્ષ્ય સુધી પહોંચી ગયું છે. છેલ્લા દાયકામાં આ પરિવર્તન ઝડપી ગતિએ થયું છે. વર્ષ 2014 અને 2025 ની વચ્ચે 46,900 રૂટ કિલોમીટર રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું, જે પાછલા 60 વર્ષમાં પ્રાપ્ત થયેલ કુલ વીજળીકરણ કરતા બમણાથી વધુ છે.

આજે દેશના 14 રેલવે ઝોન સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિફાઈડ થઈ ગયા છે, જેમાં સેન્ટ્રલ, ઈસ્ટર્ન, નોર્ધર્ન અને વેસ્ટર્ન રેલવે જેવા મોટા ઝોનનો સમાવેશ થાય છે. વધુમાં, 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના બ્રોડગેજ નેટવર્કનું 100% વીજળીકરણ પૂર્ણ કર્યું છે. ઉત્તર-પૂર્વ ભારતમાં, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમે પણ તેમના નેટવર્કનું સંપૂર્ણ વીજળીકરણ કર્યું છે, જ્યારે આસામ 92% વીજળીકરણ સાથે અંતિમ તબક્કામાં છે.

આ સિદ્ધિનો સૌથી મોટો ફાયદો પર્યાવરણને થશે. મળતી માહિતી અનુસાર, 'રેલ પરિવહન' રોડ ટ્રાન્સપોર્ટ કરતાં લગભગ 89 ટકા ઓછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે. વધુમાં જ્યાં એક ટન માલને એક કિલોમીટર સુધી રસ્તા દ્વારા પરિવહન કરવાથી 101 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે, જ્યારે રેલ દ્વારા તે જ ઉત્સર્જન ફક્ત 11.5 ગ્રામ છે.

આ જ કારણ છે કે, ભારતીય રેલવેને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનનો આધાર માનવામાં આવે છે. ભારતીય રેલવે હવે ફક્ત વીજળીકરણ સુધી મર્યાદિત નથી. દેશભરના 2,626 રેલવે સ્ટેશનો પર 898 મેગાવોટ સૌર ઊર્જા પણ કાર્યરત કરવામાં આવી છે. સરકાર વર્ષ 2030 સુધીમાં ભારતીય રેલવેને નેટ-ઝીરો કાર્બન એમિટર બનાવવાનું લક્ષ્ય રાખે છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
