Girnar Hill Monsoon Video : જૂનાગઢમાં ભારે વરસાદ બાદ ગિરનાર પર્વતના અદભૂત ડ્રોન વીડિયો આવ્યા સામે, જુઓ
જૂનાગઢમાં પડેલા ભારે વરસાદ બાદ ગિરનાર પર્વતનું સૌંદર્ય અદભૂત બની ગયું છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પર્વતની હરિયાળી અને શાંતિનું અનોખું નજારો રજૂ કરે છે.

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ ગિરનાર પર્વતના દ્રશ્યો અદભૂત બની ગયા છે. ચોમાસાની મોસમમાં કુદરત પોતાનું સાચું સૌંદર્ય ઉઘાડે છે અને ગિરનાર તેનો જીવંત ઉદાહરણ બની જાય છે. સતત વરસતા વરસાદથી પર્વતના ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે, ટેકરીઓ તાજગીથી ઝળહળી રહી છે અને વાતાવરણમાં એક ખાસ શાંતિ છવાઈ ગઈ છે.
ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ગિરનારની સુંદરતાને નવો દૃષ્ટિકોણ આપે છે. ચોતરફ વાદળોની ચાદરથી ઢંકાયેલું આ પર્વત રણજીત થયેલું લાગે છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ પર્વત એક નવી જાતની ઊર્જા અને દિવ્યતાથી ખીલી ઊઠે છે.
ગિરનારને હિમાલયનો પણ દાદા કહેવાય છે. અહીંના પહાડો અડીખમ અને ભવ્ય છે, અને તેમના વચ્ચે આવેલી ઊંડી ખીણો દૃશ્યને વધુ હ્રદયસ્પર્શી બનાવે છે. પર્વતની નિત્યશિતળ પવન, ધૂંધાળું વાતાવરણ અને ધીમે ધીમે ખસતા વાદળો બધું જ એવા દિવ્ય અનુભવનું સર્જન કરે છે જે શબ્દોમાં વર્ણવી ન શકાય.
ડ્રોન વીડિયો દ્વારા આ બધા દૃશ્યોને જોઈ શકાતું હોય ત્યારે તે કલ્પનાની નહિ, પરંતુ હકીકતની પ્રવાસ તરીકે અનુભવી શકાય છે. ગાઢ જંગલ ઉપરથી જોવા મળતું દૃશ્ય મનને મંત્રમુગ્ધ કરી દે તેવું છે. ચોમાસામાં ગિરનારની સુંદરતા અને તેના પરિસરમાં વિહાર કરવો એ એક સ્વર્ગસમા અનુભવ બની જાય છે.
ત્યારે બીજી તરફ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે અનેક સારા નરસા સમાચાર આવી રહ્યા છે. ક્યાંક દરિયામાં ભારે કરંટ છે તો ક્યાંક પ્રસૂતાને પાણીમાંથી લઈ જવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવવી પડી તો ક્યાંક બાળકોએ જીવના જોખમે નદીમાંથી પસાર થવાની ફરજ પડી.
ગુજરાતમાં આ વખતે વરસાદની ખૂબ સારી શરૂઆત જોવા મળી. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત, ઉત્તરથી લઇને મધ્ય ગુજરાતમાં મધ્યમથી લઇને ભારે વરસાદ પડી ચૂક્યો છે.