Breaking News : ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રોવડાવ્યા! જુઓ Video
ભાવનગર સહિત રાજ્યભરના ડુંગળી પકવતા ખેડૂતો કમોસમી વરસાદ અને ભાવ તળિયે બેસી જવાના કારણે મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને એક મણના 75 થી 150 રૂપિયા જ મળતા હોવાથી ખેતીનો ખર્ચ પણ માંડ નીકળે છે. તેઓ સરકાર પાસેથી ટેકાના ભાવ અને નિકાસ ડ્યુટીમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે. વેપારીઓ પણ ઓછી માંગ અને ખરાબ ગુણવત્તાને ભાવ ઘટાડાનું કારણ ગણાવે છે.

ભાવનગર અને રાજ્યભરના ડુંગળી પકવતા ખેડૂતો હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. પહેલા કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું, અને હવે ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભાવનગર સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને આના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. ડુંગળીના વેચાણના સમયે ભાવમાં આવેલા આ તીવ્ર ઘટાડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
ખેડૂતોને હાલ ડુંગળીના એક મણના માત્ર 75 થી 150 રૂપિયા મળી રહ્યા છે. આટલા ઓછા ભાવમાં તેમને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાના ભાડાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. ખેડૂતોનું કહેવું છે કે એક વિઘે ડુંગળી પકવવાનો ખર્ચ 35,000 થી 40,000 રૂપિયા આવે છે, જ્યારે એક મજૂરનો દૈનિક ખર્ચ 350 રૂપિયા જેટલો હોય છે. વર્તમાન બજાર ભાવમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળતું નથી, ઉલટાનું તેમને ખોટ ખાઇને માલ વેચવો પડે છે. ડુંગળીના સતત ઘટતા ભાવો અને તેની નિકાસ પર લાગુ પડતી ઊંચી ડ્યુટીને કારણે ખેડૂતો માટે “પડ્યા પર પાટુ” જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ દયનીય પરિસ્થિતિને જોતા ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ કરી રહ્યા છે. તેઓ ડુંગળીના ટેકાના ભાવ (MSP) જાહેર કરવા, ડુંગળીની નિકાસ પર લાગુ પડતા દરમાં ઘટાડો કરવા અને સરકારી ખરીદી શરૂ કરવા માટે વિનંતી કરી રહ્યા છે. ખેડૂતો માને છે કે આવા નિર્ણયો ભાવનગર જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થશે.
ડુંગળીના ઓછા ભાવો અંગે ભાવનગરના વેપારી એસોસિએશનના પ્રમુખે પોતાનો મત રજૂ કર્યો છે. તેમના કહેવા મુજબ, કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક બરબાદ થઈ ગયો છે. હાલમાં જે પાક માર્કેટ યાર્ડમાં હરાજી માટે પહોંચી રહ્યો છે તેની ગુણવત્તા સારી નથી. કુલ માલમાંથી 80% જેટલો માલ નબળો હોય છે, જેમાંથી 40 થી 50% માલ ડિહાઈડ્રેશન માટે જતો હોય છે અને તે 60 થી 70 રૂપિયે વેચાય છે. સરેરાશ સારી ગુણવત્તાનો માલ 100 થી 150 રૂપિયે વેચાય છે, જ્યારે માત્ર 15-20% સુપર ક્વોલિટીનો માલ જ 150 થી 240 રૂપિયા સુધી પહોંચી શકે છે. વેપારીઓનું કહેવું છે કે માલની ગુણવત્તા સારી ન હોવા ઉપરાંત બજારમાં માંગ પણ ઓછી છે, જે ભાવ ઘટાડાનું મુખ્ય કારણ છે. આમ, ખેડૂતો કુદરતી આફત, બજારની સ્થિતિ અને સરકારી નીતિઓના ત્રિશંકુ મારનો ભોગ બની રહ્યા છે.
અમદાવાદમાં હોળી-ધૂળેટી અને રમઝાન પર્વને લઈ પોલીસનું સઘન પેટ્રોલિંગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
