Breaking News : નવસારીમાથે ફરી આવી આફત, પૂર્ણા નદી બે કાંઠે, 2,000 લોકોનું સ્થળાંતર, જુઓ Video
નવસારીમાં ભારે વરસાદ અને પૂર્ણા નદીના વધતા જળસ્તરને કારણે 2,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 18 આશ્રય સ્થાનો પર ભોજન, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ છે.

નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદ અને પૂર્ણા નદીના વધતા જળસ્તરને કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મોટા પાયે સ્થળાંતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 2,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
આ લોકોને 18 જુદા-જુદા આશ્રય સ્થાનો પર રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે ભોજન, પીવાનું પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસની ટીમો આ સ્થળાંતર કામગીરીમાં સક્રિયપણે જોડાઈ છે. ટાટા સ્કૂલ જેવા સ્થળોએ લોકોને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. કેટલાંક વિસ્તારોમાં, જેમ કે ભેંસત ખાડા, હિદાયતનગર, રંગુનગર અને કાશીવાડી,ના લોકો શરૂઆતમાં સ્થળાંતર માટે તૈયાર નહોતા.
આવા કિસ્સાઓમાં, પોલીસે તેમને સમજાવીને અથવા બળજબરીપૂર્વક પણ સુરક્ષિત આશ્રય સ્થાનો સુધી પહોંચાડ્યા હતા, જેથી કોઈ જાનહાનિ ટાળી શકાય. વિરાવળ જેવા વિસ્તારો કે જે સંપર્ક વિહોણા બની જાય છે, ત્યાંના રહેવાસીઓને પણ ખાસ ધ્યાન આપીને ખસેડવામાં આવ્યા છે.
પ્રાંત અધિકારી જનમ ઠાકોરે જણાવ્યું હતું કે, “ઓલરેડી રેડ એલર્ટ જાહેર થઈ ગયેલું હતું. ઘણા દિવસથી આપણને ખ્યાલ છે કે આ બે-ત્રણ દિવસ વરસાદની દ્રષ્ટિએ અઘરા છે. અને આજ સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. એના માટે ગઈકાલથી જ અમે લોકો અમારી તમામ ફ્લડ ટીમથી માંડીને બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓથી માંડીને બધા જ ફિલ્ડમાં હતા.” તેમણે ઉમેર્યું હતું કે, લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બસો જેવી સવલતો પણ ગોઠવવામાં આવી છે.
ખાસ કરીને, ટાટા સ્કૂલ જેવા જૂના આશ્રય સ્થાનોમાં ભૂતકાળમાં પાણી ભરાવાના બનાવો બન્યા હોવાથી, આ વખતે મદરેસા સ્કૂલ જેવા ઊંચા સ્થળોએ પણ લોકોને ખસેડવાની વ્યવસ્થા કરાઈ છે. નવસારી મહાનગરપાલિકાની સિટી બસોનો ઉપયોગ લોકોને શિફ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, જેથી તેમને વધુ ચાલવું ન પડે.
વહીવટી તંત્રે લોકોને બે દિવસ સુધી ભારે વરસાદ અને ભારે પવનની આગાહીને ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. જેમના ઘરોમાં પાણી ભરાવાની શક્યતા હોય તેમને ઊંચાણવાળા વિસ્તારોમાં અથવા મકાનના ઉપરના માળે સુરક્ષિત રીતે શિફ્ટ થઈ જવા સૂચના આપવામાં આવી છે. ભોજન અને પીવાના પાણી સહિતની આવશ્યક સુવિધાઓ આશ્રય સ્થાનો પર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાઈ છે. સમગ્ર નવસારી જિલ્લાનું તંત્ર પૂર્ણા નદીના ઉપરવાસમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સક્રિય છે.
અંબાલાલ પટેલની દક્ષિણ માટે ધોધમાર વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કેવું, જુઓ Video
