શ્રાવણ માસમાં જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો એમનો સ્વભાવ, ગુણ અને ભાગ્ય
શાસ્ત્રો અનુસાર, શ્રાવણ મહિનામાં જન્મેલા બાળકો પર ભગવાન શિવના આશીર્વાદ અને તેમના સ્વભાવની વિશેષ છાપ જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં આવો જાણીએ કે, આ પાવન મહિનામાં જન્મ લેનારા બાળકોનો સ્વભાવ, ગુણ અને ભાગ્ય કેવું હોય છે...

સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે. આ દરમિયાન સમગ્ર દેશમાં શિવ ભક્તિના રંગમાં લોકો રંગાય છે. હિન્દુ કૅલેન્ડર (પંચાંગ) મુજબ વર્ષ 2026 માં ગુજરાતમાં શ્રાવણ માસ 13 ઓગસ્ટ 2026 થી શરૂ થઈને 11 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂર્ણ થશે, જ્યારે ઉત્તર ભારતમાં આ મહિનો 30 જુલાઈ 2026 થી 28 ઓગસ્ટ 2026 સુધી રહેશે. આ પવિત્ર મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. આ મહિનામાં સાચા મનથી કરવામાં આવેલી શિવ આરાધના ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવી જ રીતે શ્રાવણ મહિનામાં જન્મેલા બાળકોમાં પણ કેટલીક ખાસ વિશેષતાઓ જોવા મળે છે.

કહેવાય છે કે, જે બાળકોનો જન્મ શ્રાવણના પવિત્ર મહિનામાં થાય છે, તેમના વ્યક્તિત્વ પર ભગવાન શિવના સ્વભાવની ઊંડી છાપ જોવા મળે છે. સ્કંદ પુરાણના માહેશ્વર ખંડ, કેદાર ખંડ અને શ્રાવણ માહાત્મ્યમાં શ્રાવણ માસમાં જન્મેલા લોકોના ગુણો અને સ્વભાવનો વિગતવાર ઉલ્લેખ મળે છે. માનવામાં આવે છે કે, આ પાપનાશક અને પવિત્ર મહિનામાં જન્મેલા બાળકો શાંત, આધ્યાત્મિક, સાહસિક અને ભાગ્યશાળી હોય છે.

શ્રાવણમાં જન્મેલા બાળકો સ્વભાવે ખૂબ જ શાંત, સૌમ્ય અને ધૈર્યવાન ગણાય છે. તેઓ મુશ્કેલ સમયમાં પણ સંયમ જાળવી રાખે છે અને દરેક નિર્ણય વિચારી-સમજીને લે છે. માનવામાં આવે છે કે, એમની ઊર્જા ભગવાન શિવ સાથે જોડાયેલી છે. તેઓ ઓછું બોલે છે પરંતુ જે કહે છે, તેને પૂરી ઈમાનદારીથી નિભાવવાનો પ્રયાસ કરે છે. શ્રાવણમાં જન્મેલા જાતકોનું મન બાળપણથી જ પૂજા-પાઠ, ઈશ્વર ભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ રહે છે. તેમનામાં ધાર્મિક સંસ્કાર અને આધ્યાત્મિક સોચ કુદરતી રીતે જોવા મળે છે.

શ્રાવણમાં જન્મેલા લોકો ખૂબ જ સંવેદનશીલ અને ભાવુક હોય છે. એમનું દિલ સાફ હોય છે અને તેઓ બીજાની મદદ કરવા માટે હંમેશાં તત્પર રહે છે. તેમનામાં કળા, સંગીત, લેખન કે અન્ય કોઈ સર્જનાત્મક ક્ષેત્ર પ્રત્યે વિશેષ રુચિ જોવા મળે છે. પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મક વિચારસરણીના બળે તેઓ અલગ ઓળખ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

શ્રાવણમાં જન્મેલા લોકો પોતાના નિર્ણયો પર અડગ રહે છે. તેઓ કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરી લે, તો તેને પૂરું કરીને જ જંપે છે. આ જ દ્રઢતા ક્યારેક તેમના સ્વભાવમાં જિદ્દ તરીકે પણ દેખાય છે. કઠિન પરિસ્થિતિઓમાં પણ તેઓ પીછેહઠ કરવાના બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે અને પડકારોનો મક્કમતાથી સામનો કરે છે.

શ્રાવણ મહિનામાં જન્મેલા લોકો દરેક પ્રત્યે પ્રેમ અને સગપણની ભાવના ધરાવે છે, તેથી તેમના ચાહકોની કમી હોતી નથી. જો કે, તેઓ જલ્દી કોઈના પ્રેમમાં પડતા નથી અને સંબંધોમાં ઉતાવળ તેમને પસંદ નથી પણ જ્યારે કોઈની સાથે દિલથી જોડાય છે, ત્યારે તે સંબંધને પૂરી ઈમાનદારીથી નિભાવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9 ગુજરાતી આમાંથી એક પણ વાતની સત્યતાનો દાવો કે પ્રમાણ આપતું નથી.)
Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !
