ગીર સોમનાથમાં વરસાદી આફત વચ્ચે ઘરમાં ઘુસ્યો 8 ફુટનો મગર, ખાટલા નીચે ભરાઈ જતા લોકોના જીવ પડીકે બંધાયા
ગીર સોમનાથમાં એક તરફ બહાર વરસાદ વરસી રહ્યો છે. એવા સમયે એક ઘરમાં 8 ફુટનો મગર ઘુસી જતા પરિવારજનોમં ફફડાટ ફેલાયો હતો. મગર ખાટલા નીચે ભરાઈ જતા લોકોના જીવ પડીકે બંધાયા હતા.
ગીર સોમનાથમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. અષાઢ મહિનામાં મેઘરાજા અનારાધાર વરસી રહ્યા છે. જિલ્લામાં નદી-નાળા છલકાયા છે. વરસાદને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. એવા સમયે ખાંભા રોડ પર આવેલા એક ઘરમાં ફુટનો મગર ઘુસી જતા ઘરના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘરમાં મગરને જોતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઘરની ઓસરીમાં ખાટલા નીચે મગર ભરાઈ ગયો હતો. પરિવારજનોએ સમયસૂચક્તા દાખવી વનવિભાગને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ જસાધાર વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને 8 ફુટના કદાવર મગરનું રેસ્ક્યુ કર્યુ હતુ. મગરને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો હતો. અત્યાર સુધી ગીરસોમનાથમાં સિંહના આંટાફેરા અને દીપડા ની અવરજવર વિશે સાંભળ્યુ હતુ. પરંતુ હવે મગરો પણ ઘર સુધી આવવા લાગતા લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબુર બન્યા છે.
Input Credit- Dilip Mori- Gir Somnath
