31 જુલાઈના મહત્વના સમાચાર : સવારના 6થી રાતના 8 સુધીના 14 કલાકમાં સુરતના અંબિકા તાલુકામાં 18 ઈંચ, ડોલવણમાં 13.5 ઈંચ વરસાદ ખાબક્યો
આજે 31 જુલાઈને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 31 જુલાઈને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સવારના 6થી રાતના 8 સુધીના 14 કલાકમાં સુરતના અંબિકા તાલુકામાં 18 ઈંચ, ડોલવણમાં 13.5 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં ડિપ ડિપ્રેશન અને ડિપ્રેશનની અસર હેઠળ આજે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં 18 ઈંચ અને ભરૂચના નેત્રંગ તાલુકામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં 13.5 ઈંચ. નવસારીના વાસદામાં 13 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
-
નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ, 6000 લોકોને કરાયા સ્થળાંતરીત
નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાંથી 6000 લોકોને કરાયા સ્થળાંતરીત. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે ડિઝાસ્ટર વિભાગ કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે કરી બેઠક, લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કરી અપીલ, આગામી કલાકો નવસારી જિલ્લા માટે ખતરનાક સાબિત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી.
-
-
સુરતની કીમ નદીના જળસ્તરમાં નોધપાત્ર વધારો, મોટા બોરસરા બાજુથી નેશનલ હાઇવે 48 તરફ જતો રસ્તો બંધ
સુરતની કીમ નદીના જળસ્તરમાં નોધપાત્ર વધારો થયો છે. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો. જમીનથી 20 ફૂટથી વધુની ઊંચાઈ પર બાંધવામાં આવેલ બ્રિજ પાણીમાં ડૂબ્યો. વધી રહેલા જળ સ્તરને લઈને મોટા બોરસરા ગામથી નેશનલ હાઇવે 48 તરફ જતો રસ્તો બંધ થયો. કીમ નદી કાંઠા નજીક ન જવા તંત્રની અપીલ. કીમ નદીમાં વધી રહેલ જળ સ્તરને લઈને સ્થાનિકોમાં ચિંતા પેઠી છે.
-
12 કલાકમાં સુરતના અંબિકા તાલુકામાં 11.50 ઈંચ, નેત્રંગમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં ડિપ ડિપ્રેશન અને ડિપ્રેશનની અસર હેઠળ આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 185 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં 11.50 ઈંચ અને ભરૂચના નેત્રંગ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 33 તાલુકામાં 12 કલાકમાં 5 ઈંચ કે તેનાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 67 તાલુકામાં એક ઈંચથી લઈને 5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ટૂકમાં 100 તાલુકામાં 1થી 11.50 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે 1 ઓગસ્ટના રોજ તમામ શાળા કોલેજો બંધ રહેશે
સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદના આગાહીના પગલે 1 ઓગસ્ટના રોજ તમામ શાળા કોલેજો બંધ રાખવા તંત્રનો આદેશ. એક ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી આપી છે કે ભારે વરસાદ થઈ શકે છે તે માટે કલેકટરની સૂચનાના અન્વયે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી અને એક ઓગસ્ટના રોજ તમામ શાળા હાઇસ્કુલો કોલેજો આંગણવાડીઓ બંધ રહેશે. તેમજ તમામ શિક્ષણ સ્ટાફે હેડ કવાટર્સ ના છોડવા અને હાજર રહેવા પણ ફરમાન કર્યું છે. આવતીકાલે ભારે વરસાદની આગાહીના લીધે કલેકટર કચેરીમાં પણ તમામ સ્ટાફને હાજર રહેવા અને પીજીવીસીએલ પોલીસ સહિતનો સ્ટાફ હાજર રહેવા પણ તાકીદ કરાઈ છે. લોકોને પણ નિચાણ વાળા વિસ્તારથી દૂર રહેવા અને બિનજરૂરી ઘરમાંથી બહાર ના નીકળવા અપીલ.
-
-
ભાવનગર જિલ્લામાં 1 ઓગસ્ટને શનિવારે તમામ શાળા-કોલેજ બંધ રહેશે
ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી ને ધ્યાન માં લઈને આવતીકાલે પહેલી ઓગસ્ટને શનિવાર ના રોજ ભાવનગર જિલ્લાની તમામ કોલેજ, સ્કૂલ, ટ્યુશન અને આંગણવાડીમાં રજા રહેશે. ભાવનગર કલેકટર દ્વારા જાહેર કરાઇ રજા.
-
ભરૂચના નેત્રંગમાં બારે મેઘ ખાંગા, સવારના 6 થી સાંજના 4 સુધીમાં 10.5 ઈંચ વરસાદ
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 154 તાલુકામા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સાડા દશ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળામાં આશરે સાડાચાર ઈંચ વરસાદ નેત્રંગમાં વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ સાંજના 4 વાગ્યા સુધીમાં પોણા દશ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
-
ભારે વરસાદને પગલે TAT ની પરીક્ષા 2 ઓગસ્ટના રોજ નહીં યોજાય
આગામી 2 ઓગસ્ટએ આયોજિત ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષાનો મામલો. ભારે વરસાદની આગાહી વચ્ચે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 2 ઓગસ્ટના રોજ યોજાનાર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો. હવે ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા 8 ઓગસ્ટના રોજ લેવાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી લેવાયો નિર્ણય.
-
સુરતના હરીદર્શન વિસ્તારમાં જળબંબાકાર, અનેક લોકોનું રેસ્ક્યૂ
સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે હરીદર્શન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેડસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી વધુ ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત મોનિટરિંગમાં જોડાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
-
રાજ્યમાં આગામી સાત દિવસ મેઘમહેર, અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. ભારે વરસાદ અને દરિયામાં ઉગ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
-
ભારે વરસાદની આગાહીને પગલે સુરતના તમામ કાપડ માર્કેટ આજે બંધ
-
અમદાવાદમાં એસજી હાઇવે, સેટેલાઇટ, જોધપુર, વેજલપુરમાં વરસાદની એન્ટ્રી
અમદાવાદમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. એસ.જી. હાઇવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે ગોતા, ચાંદલોડિયા, હંસપુરા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગે આજે બપોર બાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર એલર્ટ પર છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
-
સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર શરૂ
સુરત શહેરમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે. ખાડીની જળસપાટી ભયજનક સપાટી 7.20 મીટરને વટાવી આશરે 7.40 મીટરે પહોંચતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસવાની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે સુરતમાં ફરી ખાડીપૂરનું સંકટ ઉભું થયું છે. ભેદવાડ ખાડીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો સતત તૈનાત રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
-
નડિયાદમાં 6 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તંત્રના દાવાઓ પાણીમાં
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં આશરે 6 ઇંચ વરસાદ વરસતાં શહેરમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે અંડરપાસ, રબારીવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. શહેરના અનેક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધારાસભ્યના નિવાસસ્થાન નજીક પણ કેડ સુધી પાણી ભરાઈ જતાં વરસાદ પૂર્વે તંત્ર દ્વારા કરાયેલા તૈયારીઓ અને દાવાઓની પોલ ખુલ્લી પડી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
-
ભારે વરસાદ વચ્ચે પણ 2 ઓગસ્ટે TAT હાયર સેકન્ડરી પરીક્ષા રાબેતા મુજબ યોજાશે
ભારે વરસાદની આગાહી વચ્ચે TAT હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. 2 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ જ બે સેશનમાં લેવામાં આવશે. પ્રથમ સેશન સવારે 10:30થી બપોરે 1:30 વાગ્યા સુધી અને બીજા સેશનમાં બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પરીક્ષાને લગતી તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 50 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ શહેરના 67 પરીક્ષા કેન્દ્રો પર 11,865 ઉમેદવારો પરીક્ષામાં બેસશે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રોના બિલ્ડિંગના પ્રથમ માળ પર બેઠક વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
ભારતીય રેલવેની ઐતિહાસિક કામગીરી, પ્રથમવાર વંદે ભારત ટ્રેનથી જીવિત હૃદય અમદાવાદ પહોંચ્યું
ભારતીય રેલવેએ અંગદાન અને આરોગ્ય સેવાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ વખત સુરતથી અમદાવાદ સુધી વંદે ભારત એક્સપ્રેસ મારફતે જીવિત હૃદય (લિવિંગ હાર્ટ) સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે આ હૃદય સમયસર પહોંચાડવા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશનથી યુ. એન. મહેતા હોસ્પિટલ સુધી પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો, જેના કારણે હૃદયને ઝડપી અને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીને ભારતીય રેલવે, પોલીસ અને આરોગ્ય તંત્ર વચ્ચેના ઉત્તમ સંકલનનું અનોખું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
-
પાલનપુરમાં ચાંદીના સિક્કાની ચર્ચાએ લોકો ઉમટ્યા, કાટમાળમાં શોધખોળ શરૂ
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં માનસરોવર નજીક ખુલ્લી જગ્યામાં ઠલવાયેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાના દાવા બાદ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. કાટમાળમાંથી કેટલાક લોકોને ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાની વાત ફેલાતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચી શોધખોળમાં લાગી ગયા હતા. સ્થાનિકો દ્વારા નવાબી કાળના સિક્કા પણ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે સિક્કાઓની પ્રામાણિકતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેમ છતાં વાત વાયુવેગે ફેલાતાં સ્થળ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી.
-
ગરુડેશ્વરમાં ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ, CMએ કામગીરીને બિરદાવી
-
ભારે વરસાદથી કરજણ ડેમના 6 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામો માટે એલર્ટ
નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે કરજણ ડેમના 6 દરવાજા ખોલી અંદાજે 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેડીયાપાડા અને સાગબારામાં આશરે 5 ઇંચ વરસાદ પડતાં ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે, જેના કારણે કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજપીપળા નજીક નદીનો પ્રવાહ વધતાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે અને નદી કાંઠાના ગામોના લોકોને સુરક્ષિત સ્થળે રહેવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપી છે. સાથે જ નદીમાં કે તેની આસપાસ ન જવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
-
અંબાલાલ પટેલની આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનો દોર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સક્રિય બનેલી સિસ્ટમના પ્રભાવથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને તાપી, નર્મદા અને સાગબારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદના એંધાણ હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
-
સુરતમાં ભારે વરસાદની આશંકા, આર્મી સહિત રેસ્ક્યૂ ટીમો હાઈ એલર્ટ પર
સુરતમાં બપોર બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા આર્મીની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત બે SDRF અને એક NDRFની ટીમને પણ રેસ્ક્યૂ કામગીરી માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ફાયર વિભાગની 16 ટીમોને બોટ અને અન્ય જરૂરી બચાવ સાધનો સાથે હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
-
પાવાગઢમાં ધોધમાર વરસાદ, પગથિયાં પર પાણીની ધારા વહેતી થઈ
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર ડુંગર વિસ્તાર વરસાદી માહોલમાં તરબોળ બન્યો હતો. ધોધમાર વરસાદના પગલે પાવાગઢના પગથિયાં પર પાણીની ધારા વહેતી જોવા મળી હતી, જેના કારણે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જતાં તંત્ર સતર્ક બન્યું હતું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
-
નર્મદાઃ રાજપીપલા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ
નર્મદા જિલ્લામાં રાજપીપલા શહેર સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારીના ભાગરૂપે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને 50 પરિવારોને સુરક્ષિત આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, જ્યારે સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
-
આગામી એક કલાક માટે ગુજરાતમાં 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી એક કલાક માટે હવામાન વિભાગે 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિત દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તંત્રએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, સલામત સ્થળે રહેવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
-
સુરતઃ શહેરમાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ
સુરત શહેરમાં ભારે વરસાદ અને દરિયામાં ઉગ્ર મોજાંની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં ડુમસ બીચ અને સુવાલી બીચને આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે. વાતાવરણ સામાન્ય ન બને અને દરિયાની સ્થિતિ અનુકૂળ ન થાય ત્યાં સુધી બીચ પર પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તંત્રએ લોકોને બીચ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
-
દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
દેશભરમાં ચોમાસું ફરી સક્રિય બનતાં આગામી કલાકોમાં 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 18 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓમાં અચાનક પૂર આવવાની ચેતવણી અપાઈ છે, જ્યારે પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આસામ અને આસપાસના પૂર્વોત્તર રાજ્યોમાં 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે.
-
રાજ્યના 106 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 106 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને પંચમહાલના જાંબુઘોડામાં 2.83 ઇંચ નોંધાયો છે. ઉપરાંત છોટાઉદેપુરના કવાંટમાં 2.64 ઇંચ અને નસવાડીમાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 16 તાલુકામાં 1 ઇંચથી વધુ જ્યારે 7 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.
-
રાજ્યમાં આજે મેઘતાંડવનો ખતરો, તંત્ર હાઈ એલર્ટ પર
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ 15 જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત જળબંબાકાર અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.
Published On - Jul 31,2026 7:47 AM
