Soni surname history : વૈદિકાળથી રાજદરબાર સાથે છે સંબંધ, જાણો શું છે સોની અટકનો ઈતિહાસ
ભારતમાં જુદી-જુદી પ્રકારની વર્ણ વ્યવસ્થા છે. જેમાં કોઈ પણ વ્યક્તિના નામ સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ કે સમુદાયને દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. પરંતુ કેટલીક વાર અટક પાછળનો ઈતિહાસ ઘણા લોકોને ખબર હોતી નથી.

ભારતમાં મોટા પ્રમાણમાં આવેલી સોની અટકના ઈતિહાસ વિશે જાણીશું. સોની અટકનો ઇતિહાસ ભારતની પરંપરાગત જાતિ વ્યવસ્થા, વેપારી સમુદાયો અને કારીગર પરંપરાઓ સાથે જોડાયેલો છે.

સોની અટક મુખ્યત્વે એવા લોકો સાથે સંકળાયેલી છે જેઓ સોના અને ચાંદીના દાગીના બનાવવા અને વેપારમાં સામેલ છે. તે વિવિધ રાજ્યો અને સમુદાયોમાં વિવિધ સ્વરૂપોમાં વિકસિત થયું છે.

સોની શબ્દની ઉત્પત્તિ સોના ઉપરથી થઈ છે. જો સોની અટકનો ઈતિહાસ જોઈએ તો આ અટક સોના અને ચાંદીનું કામ કરતા લોકોને આપવામાં આવતી હતી. જેને સામાન્ય રીતે સુવર્ણકાર પણ કહે છે.

સોની અટક એક વ્યાવસાયિક અટક છે. જે કામના આધારે આપવામાં આવી છે. વૈદિક કાળથી ભારતમાં ધાતુ કલા એક સમૃદ્ધ પરંપરા રહી છે. સુવર્ણકારોનું કામ સમાજમાં આદરણીય માનવામાં આવતું હતું, કારણ કે તેઓ રાજાઓ, મંદિરો અને શ્રીમંતો માટે ઘરેણાં બનાવતા હતા.

સોની સમાજના લોકો સમાજમાં વૈશ્ય જાતિમાં સમાવેશ થાય છે. એટલે કે વેપારીઓ અને કારીગરોમાં સમાવેશ થાય છે.

મુઘલ કાળ દરમિયાન ઝવેરીઓ ખૂબ જ સમૃદ્ધ બન્યા. દરબારમાં રાજાઓ માટે ઘરેણાં બનાવતા સુવર્ણકારોને ખાસ દરજ્જો આપવામાં આવતો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા સોની પરિવારો શહેરોમાં સ્થાયી થયા અને વેપારીઓ તરીકે ઉભરી આવ્યા.

અંગ્રેજોના આગમન બાદ સોની જાતિના લોકો પણ આધુનિક ઝવેરાતના વેપાર, બેંકિંગ અને આયાત-નિકાસમાં સામેલ થવા લાગ્યા. તેમણે તેમના પરંપરાગત કાર્યને આધુનિક સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થઈ.

ગુજરાતમાં મોટાભાગના સોની સમાજના લોકો સોના-ચાંદીનો વેપાર કરે છે. હિન્દુ સોની પરંપરાગત સુવર્ણકારો, વૈશ્ય સમુદાયમાં આવે છે. જ્યારે શીખ સોની પંજાબમાં શીખ ધર્મમાં રૂપાંતર થયા પછી પણ સોની અટકનો ઉપયોગ કર્યો છે. મુસ્લિમ સોની આ અટક કેટલાક મુસ્લિમ સમુદાયોમાં પણ જોવા મળે છે જેમણે એક સમયે સુનાર સમુદાયમાંથી ધર્મ પરિવર્તન કર્યું હતું.

સોની અટક ધરાવતા લોકોના ગોત્ર અલગ અલગ હોઈ શકે છે - જેમ કે કશ્યપ, ગૌતમ, શાંડિલ્ય વગેરે, જે બ્રાહ્મણો જેવા નથી પરંતુ સામાજિક ઓળખ અને લગ્નના ધોરણો માટે વપરાય છે.

સોની અટકનો ઇતિહાસ ભારતની હસ્તકલા પરંપરાઓ, ધાતુકામ અને વ્યવસાયિક સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલો છે. સમય જતાં આ અટકને વ્યવસાય, શિક્ષણ અને આધુનિક ઉદ્યોગોમાં પણ માન્યતા મળી છે.
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.






































































