Kachi kerini Candy Recipe : બાળકોના દાઢે વળગે તેવી કાચી કેરીની કેન્ડી ઘરે જ બનાવો, કાળઝાળ ગરમીથી કરશે રક્ષણ
ઉનાળામાં કાચી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કાચી કેરીમાં વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કેટલાક લોકોને કાચી કેરી સ્વાદે ખાટા લાગતા હોવાથી તેને ખાવાનું ટાળે છે. તો આજે આપણે જોઈશું કે કેવી રીતે કાચી કેરીની કેન્ડી ઘરે બનાવી શકાય.

ઉનાળો આવે એટલે બજારમાં સરળતાથી કાચી કેરી મળી જતી હોય છે. ત્યારે તેને ખાવાથી ગરમીથી બચી શકાય છે. કેટલાક લોકો કાચી કેરી ખાતા હોય છે. તો કેટલાક લોકો કાચી કેરીનો શરબત બનાવીને પીતા હોય છે. પરંતુ બાળકોને કેરી ખાટી લાગતી હોવાથી તે ખાવાનું ટાળે છે.

બાળકોને ખાવાની ગમે તેવી ચટપટ્ટી, ખાટી -મીઠી કેન્ડી તમે ઘરે જ બનાવી શકો છો. આ કેન્ડી બનાવવી ખૂબ જ સરળ છે. જે કેટલાક સ્ટેપનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

કાચી કેરીની કેન્ડી બનાવવા માટે કેરી, ખડી સાકર, શેકેલું જીરું, સંચળ, કારા મરી પાઉડર, ગ્રીન ફૂડ કલર, હીંગ સહિતની સામગ્રીની જરુર પડશે. તમે ઈચ્છો તો ગ્રીન ફૂડ કલર નાખવાનું ટાળી શકો છો.

સૌથી પહેલા કાચી કેરીને સ્વચ્છ પાણીથી ધોઈને સાફ કરી લો. કાચી કેરીને છોલી કેરીને નાના ટુકડાઓમાં કાપી લો. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરીને તેની પ્યુરી બનાવી લો.

હવે એક નોન સ્ટીકમાં આ પ્યુરી નાખો અને ગરમ કરો. ખાસ ધ્યાન રાખો કે પેનમાં ઘી કે તેલ ન લગાવો. પ્યુરી ગરમ થાય અને તેમાં બબલ થવા લાગે તેમાં જીરા પાઉડર, સંચળ, કાળા મરીનો પાઉડર, હીંગ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ગરમ થવા દો.

ત્યારબાદ ગ્રીન કલર ઉમેરો અને ખડી સાકર ઉમેરીને બેટરને પકવવા દો. બેટર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મિશ્રણ છોડવા લાગે છે. આ પછી ગેસ બંધ કરો. હવે એક પ્લેટમાં બટર પેપર મુકીને સેટ કરી દો. ત્યારબાદ આ પ્લેટને સુકવા દો. બે ત્રણ દિવસમાં આ બેટર એકદમ સુકાઈ જશે તેમાંથી પાણી નીકળી જાય પછી તેને તમારા પસંદના આકારમાં કાપી લો.

હવે આ કાચી કેરીની કેન્ડીને સુગરથી કોટ કરીને તમે સ્ટોર કરી શકો છો. તેમજ તમારા સંબંધીના ઘરે ગિફ્ટ તરીકે પણ તમે આપી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































