IPL 2025 : સિક્સર ફટકારીને સંજુ સેમસન પેવેલિયન પાછો ફર્યો, DC vs RR મેચમાં આવું કેમ બન્યું?
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને વિસ્ફોટક બેટિંગ કરી અને ટીમને શાનદાર શરૂઆત અપાવી. આ દરમિયાન, સેમસને છઠ્ઠી ઓવરમાં શાનદાર સિક્સર પણ ફટકારી હતી પરંતુ આગલો બોલ રમતા પહેલા જ તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

જ્યારે પણ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનનું બેટ ચાલતું હોય છે, ત્યારે તે બોલરોને ફટકારવાની તક ગુમાવતો નથી. સેમસન ખાસ કરીને કોઈપણ મુશ્કેલી વિના મોટા શોટ મારવા માટે જાણીતો છે. પરંતુ હવે આવા જ એક શોટે તેને મુશ્કેલીમાં મુકી દીધો છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન સંજુ સેમસને એક અદ્ભુત છગ્ગો ફટકાર્યો હતો પરંતુ તે છગ્ગો તેને એટલો મોંઘો પડ્યો કે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું.
સંજુ સેમસનની આક્રમક બેટિંગ
બુધવાર, 16 એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાને પ્રથમ બોલિંગ કરી અને દિલ્હીને 188 રનના સ્કોર પર રોકી દીધું. જવાબમાં જ્યારે રાજસ્થાનની ટીમ બેટિંગ કરવા આવી ત્યારે યશસ્વી જયસ્વાલે તેમને શાનદાર શરૂઆત અપાવી. ટૂંક સમયમાં કેપ્ટન સેમસને પણ તેને ટેકો આપવાનું શરૂ કર્યું અને મોટા શોટ મારવાનું શરૂ કર્યું. ટીમે પાવરપ્લેમાં જ 60 રનનો આંકડો પાર કરી લીધો હતો. છઠ્ઠી ઓવરમાં સંજુ સેમસને સતત બે બોલમાં બે બાઉન્ડ્રી ફટકારીને ટીમને 60 રનના આંકને પાર પહોંચાડી દીધી, પરંતુ અહીં તેને અને ટીમને મોટું નુકસાન થયું.
Hope Sanju Samson is okay and things not serious with him.
– Hope Sanju will comeback soon. pic.twitter.com/IWkEBoDsUh
— Tanuj (@ImTanujSingh) April 16, 2025
સેમસનને છગ્ગો ફટકારવાની ભારે કિંમત ચૂકવવી પડી
હકીકતમાં, સંજુએ છઠ્ઠી ઓવરમાં સ્પિનર વિપરાજ નિગમના બોલ પર પ્રથમ ચોગ્ગો ફટકાર્યો. પછી તેણે બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો. પરંતુ આ સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે, તેની પાંસળીમાં ખેંચાણ આવી ગઈ. આગળનો બોલ રમવાનો પ્રયાસ કરતી વખતે તેનો દુખાવો વધી ગયો. ફિઝિયોએ થોડીવાર તેની તપાસ કરી અને પછી સેમસન રમવા માટે તૈયાર થયો. પરંતુ એક વધુ બોલ રમ્યા પછી, તેનો દુખાવો અસહ્ય બની ગયો. આવી સ્થિતિમાં રમવાનું ચાલુ રાખવાને બદલે, સેમસને રિટાયર્ડ હર્ટ થવાનું અને પેવેલિયન પાછા ફરવાનું નક્કી કર્યું. તે સમયે રાજસ્થાનનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 61 રન હતો.
દિલ્હીના બોલરોએ વાપસી કરી
આ રીતે સેમસનનું રિટાયર્ડ હર્ટ રાજસ્થાન માટે ખરાબ સમાચાર લઈને આવ્યું, કારણ કે નવો બેટ્સમેન રિયાન પરાગ આગામી 2 ઓવરમાં આઉટ થઈ ગયો. આનાથી દિલ્હીને કમબેક મળ્યું અને ખાસ કરીને ટીમના સ્પિનરોએ રન ફ્લો ધીમો પાડ્યો. તેની અસર ટૂંક સમયમાં જ જોવા મળી, જ્યારે શાનદાર બેટિંગ કરી રહેલા યશસ્વી જયસ્વાલ અડધી સદી ફટકાર્યા પછી તરત જ મોટો શોટ રમવાનો પ્રયાસ કરી આઉટ થઈ ગયો.
આ પણ વાંચો: Wd,Wd,Wd,Wd,Nb,4,6… DC vs RR મેચમાં રાજસ્થાન રોયલ્સનો બોલર બોલિંગ કરવાનું ભૂલી ગયો, 11 બોલની ઓવર ફેંકી