મહિલા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.
આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. આજની નારીઓ ઘરના દરેક કામથી માંડીને, પરિવાર સાચવવાનો હોય કે બાળકોનો ઉછેર કરવો હોય, આઈટી સેક્ટર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, મહિલાઓ દરેક જગ્યાએ મહત્વની કામગીરી કરતી જોવા મળે છે. ભારત દેશમાં મહિલાઓને સ્વતંત્ર અધિકારો મળ્યા છે. આગળ વધવાની પુરતી તકો મળી રહી છે. વ્યવસાય-બિઝનેસમાં પણ મહિલાઓ પાછળ રહી નથી.
અત્યારે ભારતમાં મેડિકલ ક્ષેત્ર, ટેકનિકલ, કાનૂની કે શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મનોરંજન ક્ષેત્ર કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મહિલાઓની કોઈ કમી નથી. ભારતમાં વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સશક્ત મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
મહિલાઓ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને ટેક્નોલોજી, કાયદો, વહીવટ, શિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયોમાં પુરુષો સાથે સ્પર્ધા કરે છે. પરંપરાગત વ્યવસાય કરવા ઉપરાંત એવી પણ મહિલાઓ છે જેઓ રમતગમતમાં પણ ટોચના સ્થાને છે. ફેશન ક્ષેત્રે પણ મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.