વિરાટ કોહલી અને રોહિત શર્માને BCCI તરફથી મળતા રહેશે સૌથી વધુ પૈસા ? 6 મહિના બાદ લેવાશે નિર્ણય
BCCIએ ગયા મહિને મહિલા ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, પરંતુ પુરુષ ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બોર્ડ તરફથી એવું માનવામાં આવે છે કે તેમાં થોડા વધુ મહિના લાગી શકે છે. એવામાં સવાલ એ ઊભો થયો છે કે શું વિરાટ અને રોહિતને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સૌથી વધુ રૂપિયા મળતા રહેશે?

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં IPL 2025માં પોતપોતાની ટીમોને જીત અપાવવા સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓ આગામી થોડા અઠવાડિયા સુધી IPLમાં વ્યસ્ત રહેશે. પરંતુ આ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી પાછું આવશે અને આગામી 6 મહિના બંને માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે.

આગામી 6 મહિનામાં, એ નક્કી થઈ શકે છે કે રોહિત અને વિરાટને BCCI તરફથી મહત્તમ પૈસા મળશે કે નહીં. આનું કારણ એ છે કે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વિલંબ થઈ રહ્યો છે અને તેની જાહેરાત હવે ઓક્ટોબરમાં થઈ શકે છે.

BCCIએ ગયા મહિને મહિલા ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. ત્યારથી પુરુષ ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. પરંતુ બોર્ડે હજુ સુધી તેની જાહેરાત કરી નથી, જ્યારે સામાન્ય રીતે BCCI માર્ચ સુધીમાં તેને મંજૂરી આપે છે. આનું એક મોટું કારણ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ભવિષ્ય છે, જેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, તાજેતરના ટેસ્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના નબળા પ્રદર્શન અને ખાસ કરીને આ ફોર્મેટમાં રોહિત શર્માના ભવિષ્યને ધ્યાનમાં રાખીને BCCI એ હાલ પૂરતો નિર્ણય મુલતવી રાખ્યો છે. જોકે, બોર્ડના એક સૂત્રએ જણાવ્યું છે કે બોર્ડને અગાઉની કોન્ટ્રાક્ટ યાદી ચાલુ રાખવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ જો ઓક્ટોબરમાં તેની જાહેરાત કરવામાં આવે તો ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ચર્ચા ફક્ત રોહિત શર્માના ટેસ્ટ ભવિષ્ય વિશે હોઈ શકે છે, પરંતુ તેના તાજેતરના ફોર્મને ધ્યાનમાં લેતા, વિરાટ કોહલીનું ભવિષ્ય પણ પ્રશ્નાર્થમાં છે. એવું માનવામાં આવે છે કે રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ઉપરાંત, વિરાટ પણ આ શ્રેણીમાં રમશે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, આ શ્રેણીમાં બંનેનું પ્રદર્શન મોટાભાગે નક્કી કરશે કે તેમને મહત્તમ પૈસા મળશે કે નહીં.

વિરાટ અને રોહિત હાલમાં નંબર-1 કેટેગરી A+ માં આવે છે, જેના હેઠળ તેમને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ બે સિવાય, ફક્ત જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જ A+ ગ્રેડમાં છે. (All Photo Credit : PTI)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલ IPLમાં વ્યસ્ત છે, જો કે IPL બાદ બંને આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ રમતા જોવા મળશે, રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































