
વિદ્યાનગરીની પ્રતિષ્ઠિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક મર્યાદા નેવે મુકાઈ હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર કેમ્પસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે, અંગ્રેજી વિભાગના મહિલા અધ્યક્ષે (HOD) પોતાના જ સાથી પ્રોફેસરને વિદ્યાર્થીઓની હાજરીમાં લાફો મારી દીધો હતો.
મળતી માહિતી મુજબ, અંગ્રેજી વિભાગના પ્રોફેસર જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા, ત્યારે વિભાગના મહિલા અધ્યક્ષ અચાનક ક્લાસમાં પ્રવેશ્યા હતા. બાકી રહેલી પરીક્ષાના પેપર ચેકિંગ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. એવામાં આક્ષેપ છે કે, સાથી પ્રોફેસરે નમ્રતાથી રજૂઆત કરી હોવા છતાં મહિલા અધ્યક્ષે સંયમ ગુમાવ્યો અને વિદ્યાર્થીઓની હાજરીમાં જ પ્રોફેસરને લાફો ઝીંકી દીધો હતો.
આ ‘લાફાકાંડ’ને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ચર્ચા જાગી છે. જો કે, આ ગંભીર આક્ષેપો અંગે વિભાગના મહિલા અધ્યક્ષ અત્યારે કંઈપણ કહેવા તૈયાર નથી. બીજી તરફ, તેમણે કુલસચિવને એવી રજૂઆત કરી છે કે, પ્રોફેસરે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું અને તેમને ધક્કો માર્યો હતો.
શૈક્ષણિક સંસ્થામાં જ્યાં મર્યાદા અને શિસ્તના પાઠ ભણાવવામાં આવે છે, ત્યાં જ જાહેરમાં પ્રોફેસરો વચ્ચે થયેલી આ લડાઈએ ઘણા સવાલો ઊભા કર્યા છે. ચાલુ ક્લાસે બનેલી આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓ પણ આઘાતમાં છે. હાલમાં આ મામલો યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશો સુધી પહોંચ્યો છે અને તપાસની માંગ ઊઠી રહી છે.