ચૂંટણી
ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. ભારતમાં સ્થાનિક મંડળથી માંડીને રાષ્ટ્રપતિ સુધીના પદ માટે ચૂંટણી યોજાય છે. ભારતમાં રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી બંધારણ દ્વારા રચાયેલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. જ્યારે રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તક મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજવામાં આવે છે.
ગુજરાતમાં કાયદા દ્વારા સ્થાપિત સંસ્થામાં પણ ચૂંટણી યોજવામાં આવે છે. જેના માટે સંસ્થા જ કોઈ એક વ્યક્તિને ચૂંટણી કરાવવા માટે નિમંણૂક કરે છે. જે તે સંસ્થાના સભ્યો કે નોંધાયેલા મતદારો તે ચૂંટણીમાં ભાગ લઈને મતદાન કરે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાતી ચૂંટણી બેલેટ પેપરને બદલે ઈવીએમ દ્વારા યોજવામાં આવે છે. જો કે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાની ચૂંટણી પ્રેફરન્સ મત દ્વારા યોજાતી હોવાથી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે.