AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘બેટા, તું ઈન્ડિયા ના આવતો...’ વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પિતાનો હૃદયદ્રાવક વીડિયો; ગૃહરાજ્ય મંત્રીના કડક આદેશો માત્ર કાગળ પર?

‘બેટા, તું ઈન્ડિયા ના આવતો…’ વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પિતાનો હૃદયદ્રાવક વીડિયો; ગૃહરાજ્ય મંત્રીના કડક આદેશો માત્ર કાગળ પર?

| Updated on: Apr 16, 2026 | 9:09 PM
Share

ગુજરાતમાં વ્યાજખોરોનો રાક્ષસ ફરી બેફામ બન્યો છે. ગાંધીનગરમાં ડોક્ટર અને પોલીસના ત્રાસથી કંટાળી એક વ્યક્તિએ જીવન ટૂંકાવતા પહેલા પુત્રને વીડિયો મોકલી પોતાની વ્યથા ઠાલવી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે ઝુંબેશની વાતો કરી હતી, પણ આ કિસ્સો વ્યવસ્થાની પોલ ખોલી રહ્યો છે.

ગુજરાતમાં વ્યાજખોરીનો ભરડો એટલો મજબૂત બન્યો છે કે હવે સામાન્ય માણસ માટે જીવવું દુષ્કર થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક હૃદયદ્રાવક વીડિયોએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. જેમાં એક પિતા વિદેશ રહેતા પોતાના પુત્રને કરગરતા કહી રહ્યા છે કે, “બેટા, તું ઈન્ડિયા ના આવતો, અહીંના લોકો બહુ હલકા છે.”

શું છે સમગ્ર ઘટના?

વાયરલ વીડિયોમાં પીડિત પિતાએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટર વિપુલ શાંતિલાલ પટેલ નામના વ્યક્તિએ વ્યાજખોરીના ચક્કરમાં તેમના આખા પરિવારનું જીવવાનું હરામ કરી દીધું છે. પીડિતના જણાવ્યા મુજબ, મૂળ રકમ કરતા બે-ચાર ગણા પૈસા ચૂકવી દીધા હોવા છતાં ડોક્ટર અને પોલીસની મિલીભગતથી તેમના પરિવારને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉઠાવી જઈ ટોર્ચર કરવામાં આવ્યું હતું. પિતાએ વીડિયોમાં પી.આઈ. (PI) સ્તરના અધિકારીઓ પર પણ ગંભીર ગાળો બોલવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના દાવાઓ ક્યાં?

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અનેકવાર જાહેર મંચ પરથી ગર્જના કરી હતી કે, “વ્યાજખોરો સામે લોકદરબાર ભરાશે અને એક પણ વ્યાજખોરને છોડવામાં નહીં આવે.” તેમણે પીડિતોને સીધી પોલીસ પાસે આવવા હાકલ કરી હતી. પરંતુ આ કિસ્સામાં પીડિતે પોલીસ પર જ આરોપ લગાવ્યો છે કે પોલીસ વ્યાજખોર ડોક્ટરના ઈશારે કામ કરી રહી છે. સવાલ એ ઉઠે છે કે જ્યારે રક્ષક જ ભક્ષક બને, ત્યારે સામાન્ય માણસ જાય ક્યાં?

તંત્ર સામે ઉઠતાં સવાલો:

શું ગૃહમંત્રીની સૂચનાઓનું પોલીસ વિભાગમાં કોઈ માન નથી?

વ્યાજખોરોની હિંમત એટલી કેવી રીતે વધી ગઈ કે તેઓ કોર્ટ અને જજને પણ ખિસ્સામાં રાખવાની ધમકી આપે છે?

કેમ હજુ પણ મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવી પડી રહી છે?

શું ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી(નાયબ મુખ્યમંત્રી) હર્ષ સંઘવી માત્ર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને વાહવાહી લૂંટવા માંગે છે? જનતાની સેવાની મોટી-મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા અને ગ્રાઉન્ડ લેવલ પર કંઈક અલગ જ નાટક ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ સરકાર માત્ર સત્તા અને પૈસાનો પાવર ધરાવતા લોકોની જ છે? કારણ કે સિસ્ટમના જ કેટલાક પોલીસ અધિકારીઓ વ્યાજખોરો સાથે મળીને સામાન્ય જનતાનું શોષણ કરી રહ્યા છે. આ વ્યાજખોરોમાં શું માનવતા જેવું કંઈ બચ્યું નથી? કોઈનો હસતો-ખેલતો પરિવાર ઉજડી જાય ત્યારે આ રાક્ષસી માનસિકતા ધરાવતા લોકોને શું મળે છે? વરદી પહેર્યા પછી કેટલાક પોલીસકર્મીઓ પોતાની જાતને ભગવાન સમજી બેસે છે અને સામાન્ય માણસની કોઈ કિંમત નથી રહેતી. હર્ષ સંઘવી માત્ર મોટા-મોટા અભિયાનો ચલાવીને લોકોમાં એવી છબી ઉભી કરવાનો પ્રયાસ કરે છે કે તેઓ જનતા માટે ઘણું કરી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે ગરીબ માણસ આજે પણ સિસ્ટમ અને વ્યાજખોરોના ત્રાસ વચ્ચે લાચાર છે.

પિતાની અંતિમ ઈચ્છા:

પીડિતે વીડિયોમાં રડતા રડતા કહ્યું છે કે, “મારા મોત પાછળ દાન-પુણ્ય ના કરતા, પણ આવા હેવાન માણસો સામે પગલાં ભરાવજો.” આ સંદેશ માત્ર એક પુત્ર માટે નથી, પણ ગુજરાત સરકાર અને પોલીસ તંત્રના ગાલ પર એક જોરદાર તમાચો છે.

નોંધ: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ વાયરલ વિડિઓઝ અને ઇન્ટરનેટ પર મળેલી માહિતી પર આધારિત છે. TV9Gujaratiતેમની ચોકસાઈ અથવા સત્યતા માટે જવાબદારી સ્વીકારતું નથી.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">