રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને વિવિધ પક્ષો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. આ વચ્ચે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ગોંડલની છબીને નુકસાન પહોંચાડવાના મુદ્દે વિરોધીઓને ઘેરીને ગંભીર આક્ષેપો લગાવ્યા. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે કેટલાક લોકો ગોંડલને “ગુંડાનગરી” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે શહેરની પ્રતિષ્ઠા માટે નુકસાનકારક છે. તેમણે આરોપ લગાવ્યો કે ગામમાં ‘મિર્ઝાપુર’ જેવા બોર્ડ લગાવીને ગોંડલની છબીને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. તેમણે આ નિવેદન ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ્યું હતું. આ પ્રસંગે તેમણે ખેડૂતોના મુદ્દા પર પણ વિરોધીઓને નિશાન બનાવ્યા. જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે મગફળી ખરીદીમાં અવરોધ ઊભા કરનારાઓને લોકો જલ્દી જ યોગ્ય જવાબ આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતા ચૂંટણીમાં વિરોધીઓને ભારે મતોથી હરાવીને મજબૂત સંદેશ આપશે.