રાજ્યભરમાં મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જુનાગઢ બાદ હવે અમદાવાદમાં દોશીવાડાની પોળમાં આવેલી હવેલીમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો. ફિલ્મના વિરોધમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. OTT પર રિલીઝ થનારી આ ફિલ્મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચગાળાનો સ્ટે મુકી દેવાયો છે. ફિલ્મના પોસ્ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મધપૂડો છેડાયો છે. ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણની છબીને ખોટી રીતે ચીતરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ ગોપીનાથજી ગાદીના વૈષ્ણવો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વૈષ્ણવ આચાર્ય આભરણાચાર્ય ગોસ્વામીના જણાવ્યા મુજબ દરેક વખતે આ પ્રમાણે ફિલ્મના માધ્યમથી સનાતન ધર્મ પર અને હિંદુ દેવી દેવતાની છબીને લાંછન લગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દરેક વખતે આવા પ્રયાસો દ્વારા સનાતન ધર્મ પર કુઠારાઘાત કરવામાં આવે છે. આભરણાચાર્યે વધુમાં જણાવ્યુ કે વલ્લભ સંપ્રદાય સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાય અને સમગ્ર સનાતન ધર્મના લોકો ફિલ્મને રિલીઝ નહીં થવા દે અને તેનો વિરોધ કરશે.
હાલ રાજ્યભરમાં આ ફિલ્મ સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને આમીર ખાન, જુનેદ ખાન, યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ સામે સવાલ પણ કરવામાં આવી રહ્યા છે કે શું તેઓ મદરેસામાં થતા છોકરા છોકરીના યૌન શોષણના મામલે ફિલ્મ બનાવવાનું વિચારશે ખરા?, શું તેઓ ચર્ચમાં થતા ખિસ્તી ધર્મના ધર્મગુરુઓ દ્વારા બાળકો અને સ્ત્રીઓના દુર્વ્યવહાર વિશે કોઈ ફિલ્મ બનાવશે? હંમેશા હિંદુ સંતો, હિંદુ ધાર્મિક રીતરિવાજોને જ નિશાન બનાવવામાં આવે છે. જે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે.આ અગાઉ પણ આમીર ખાનની પીકે ફિલ્મમાં ભગવાન શિવ વિશે ખોટી રીતે અપમાનજનક દૃશ્યો બતાવવામાં આવ્યા હતા. શું તેઓ આવી હિંમત અન્ય ધર્મની આસ્થા સામે કરી શકશે?
માત્ર 1862ની સત્ય ઘટના આધારીત આ ફિલ્મનો ખાસ તો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 150 વર્ષ પહેલા બ્રિટીશ શાસનમાં બનેલી માત્ર એકાદ ઘટનાને આધાર બનાવી હાલના સમયમાં વલ્લભ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય વિશે ખોટી છબી ઉભી કરાઈ રહી છે. આ ફિલ્મ દ્વારા દેશભરના સાધુ સંતો અને વલ્લભ સંપ્રદાયને બદનામ કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો : ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો