Work Abroad : શું તમે વિદેશમાં નોકરી કરવા માંગો છો? ઇટાલી, જર્મની, જાપાન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં કામ કેવી રીતે મળશે?
ઘણા દેશો સ્કિલ્ડ વર્કર્સની અછતનો સામનો કરી રહ્યા છે. એવામાં કેટલાંક દેશોએ તેમની સત્તાવાર વેબસાઇટ્સ પર નોકરી, વિઝા અને લાયકાત સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવી છે.

શું તમે પણ વિશ્વના અલગ અલગ દેશોમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છો? જો હા, તો આ સમાચાર તમારા માટે છે. હાલના સમયમાં યુરોપ અને એશિયા-પેસિફિક કેટલાંક પ્રદેશો સ્કિલ્ડ વર્કર્સની અછત અનુભવી રહ્યા છે. જર્મની, ઇટાલી, જાપાન અને ન્યુઝીલેન્ડ જેવા દેશો હવે સ્કિલ્ડ વર્કર્સને આમંત્રણ આપી રહ્યા છે, જેમાં ભારતના પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થાય છે.
આ પ્રોસેસ આમ તો થોડી જટિલ છે પરંતુ દરેક દેશની સરકારી વેબસાઇટ પર નોકરીઓ, વિઝાના નિયમો અને પાત્રતાની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે આપવામાં આવી છે. એવામાં ચાલો જાણીએ કે, તમારે શોધ ક્યાંથી શરૂ કરવી….
જર્મની
જર્મનીમાં એન્જિનિયરિંગ, આઇટી, હેલ્થકેર, લોજિસ્ટિક્સ અને સ્કિલ્ડ ટ્રેડ્સમાં વર્કર્સની સૌથી વધુ અછત છે. સરકારનું સત્તાવાર પોર્ટલ, “‘Make it in Germany”, નોકરી શોધવાથી લઈને વિઝા અને શિફટિંગ સુધીનો રોડમેપ આપે છે. વધુમાં વિદેશીઓ માટે એક જોબ બોર્ડ પણ છે.
આ સાઇટ્સ પણ ઉપયોગી થઈ શકે છે:
- જર્મનીની ફેડરલ એમ્પ્લોયમેન્ટ એજન્સીનું સેન્ટ્રલ જોબ પોર્ટલ: અહીં લિસ્ટિંગ સાથે સાથે ક્વોલિફિકેશન ચેક અને અંગ્રેજી જેવી ભાષામાં પણ મદદ મળે છે.
- બીજા ખાસ પ્લેટફોર્મ: Arbeitsagentur જોબ બોર્ડ, StepStone, Jobs.de, અને Indeed.de
જો તમારો વ્યવસાય રેગ્યુલેટેડ છે (દા.ત., ડૉક્ટર, નર્સ, એન્જિનિયર), તો પહેલા “Recognition in Germany” વેબસાઇટ પર તમારી ડિગ્રી અથવા ડિપ્લોમાની માન્યતા કરાવો. મોટાભાગના કિસ્સાઓમાં આ જરૂરી છે.
ઇટાલી
ઇટાલી દર વર્ષે “Decreto Flussi” ક્વોટા હેઠળ Non-European દેશોમાંથી કામદારોની ભરતી કરે છે. આમાં મોટેભાગે મેન્યુફેક્ચરિંગ, હોટેલ-રેસ્ટોરન્ટ અને કેટલીક ટેકનિકલ નોકરીઓનો સમાવેશ થાય છે. ઓફિશિયલ જોબ સિસ્ટમ ‘Clic Lavoro’ પર લિસ્ટિંગ અને વિદેશીઓ માટેની ગાઈડલાઇન મળી જશે.
બીજા સરકારી અને વિશ્વસનીય સ્ત્રોત:
- મિનિસ્ટ્રી ઓફ ઈન્ટીરિયરનું ‘Portale Integrazione Migranti’: અહીં નોકરી સાથે પરમિટ સંબંધિત બધી માહિતી મળે છે.
- મિનિસ્ટ્રી ઓફ લેબરનું EURES Italy: યુરોપમાં ક્યાંય પણ નોકરી શોધવા માટેનું આ ઉત્તમ પ્લેટફોર્મ છે.
- બીજી સાઇટ્સ: Indeed.it, Monster.it અને InfoJobs.it
જાપાન
જાપાને ‘સ્પેસિફાઇડ સ્કિલ્ડ વર્કર (SSW)’ વિઝાને સરળ બનાવીને મેન્યુફેક્ચરિંગ, નર્સિંગ કેર, ફૂડ સર્વિસ અને કન્સ્ટ્રકશન જેવા ક્ષેત્રોમાં લોકોને આકર્ષવાનું શરૂ કર્યું છે. ઓફિશિયલ SSW પોર્ટલ પર નોકરીની લિસ્ટ, જાપાની લેંગ્વેજ ટેસ્ટ અને ટ્રેનિંગની સંપૂર્ણ માહિતી મળી રહે છે.
આ પ્લેટફોર્મ ભારતીયોમાં ખૂબ લોકપ્રિય:
- JETRO નું HR પોર્ટલ, JITCO, GaijinPot અને Daijob
ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડની સરકારી વેબસાઇટ્સ jobs.govt.nz અને careers.govt.nz માં IT, હેલ્થકેર, કન્સ્ટ્રકશન અને એજ્યુકેશન ક્ષેત્રે સૌથી વધુ ખાલી જગ્યાઓ છે. જો તમે લાંબા સમય માટે વિદેશ જવા માંગતા હોવ, તો Immigration New Zealand ની વેબસાઇટ પર વિઝા એલીજીબીલીટી, એપ્રૂવ્ડ એમ્પ્લોયર લિસ્ટ અને સ્કિલ શોર્ટેજ જોબ્સ જરૂરથી ચેક કરો.
નોકરી શોધનારાઓ માટે એક મહત્વપૂર્ણ નોંધ:
વિદેશમાં નોકરી શોધવી એ સમજો છો, એટલી સરળ નથી. ભાષા અને મજબૂત ક્વોલિફિકેશનના લીધે ઘણા પ્રયત્નોની જરૂર પડે છે. ઉપર જણાવેલ સરકારી વેબસાઇટ્સથી શરૂઆત કરવાથી સચોટ અને યોગ્ય માહિતી મળશે.
