Ministry of Education : શિક્ષણ મંત્રાલયે NEET (UG) પરીક્ષા 2024માં કથિત ગેરરીતિઓની તપાસ CBIને સોંપી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 5મી મે 2024 ના રોજ NEET (UG) પરીક્ષા OMR મોડમાં આયોજિત કરી હતી. જેમાં કેટલાક ગેરરીતિના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પરીક્ષા પ્રક્રિયાના સંચાલનમાં પારદર્શિતા માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા પછી તપાસ માટે મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમો નિવારણ) અધિનિયમ 2024 પણ લાગુ કર્યો છે. સરકાર કહે છે કે તે પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. પેપર લીકમાં જે પણ વ્યક્તિ કે સંસ્થા સંડોવાયેલી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે શનિવારે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET પરીક્ષાના સંચાલનમાં ગેરરીતિઓ અને પેપર લીકના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, NEET પરીક્ષાના સંબંધમાં કથિત અનિયમિતતાના કેટલાક મામલા પ્રકાશમાં આવ્યા છે. પરીક્ષા પ્રક્રિયાના આચરણમાં પારદર્શિતા માટે શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ કેસની તપાસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે.
Ministry of Education entrusts the matter of alleged irregularities in NEET (UG) Examination 2024 to CBI for a comprehensive investigation. pic.twitter.com/Bduc8KpCRt
— ANI (@ANI) June 22, 2024
NEET-UG 5 મેના રોજ દેશના 4,750 કેન્દ્રો પર હાથ ધરવામાં આવ્યું હતું અને લગભગ 24 લાખ ઉમેદવારોએ તેમાં ભાગ લીધો હતો. પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ પછી તરત જ પ્રશ્નપત્ર લીકના આક્ષેપો ઉભા થયા હતા. કારણ કે 67 થી વધુ વિદ્યાર્થીઓએ મહત્તમ ગુણ મેળવ્યા હતા. જેમાંથી કેટલાક એક જ પરીક્ષા કેન્દ્રોમાંથી આવ્યા હતા.
પ્રારંભિક પોલીસ તપાસમાં બિહારમાં ગેરરીતિઓ અને પેપર લીક થયાનું બહાર આવ્યું હતું અને કેટલાક ઉમેદવારો પણ જાહેરમાં આગળ આવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમને પરીક્ષાની આગલી રાત્રે પ્રશ્નપત્રો મળ્યા હતા. આ આરોપોને કારણે અનેક શહેરોમાં વિરોધ થયો હતો અને અનેક હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
CBI UGC NET પરીક્ષાના કથિત પેપર લીકની પણ તપાસ કરી રહી છે, જે આ વર્ષે 18 જૂને યોજાઈ હતી અને બે દિવસ પછી 20 જૂને રદ કરવામાં આવી હતી, એમ કહીને કે તેની પ્રામાણિકતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ 20 જૂને આ મામલામાં FRI નોંધી હતી.
આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે NEET-PG પ્રવેશ પરીક્ષા તેમજ CSIR-NET મુલતવી રાખી છે. ભારે વિવાદ વચ્ચે NTAના મહાનિર્દેશક (DG) સુબોધ સિંહને શનિવારે હટાવી દેવામાં આવ્યા હતા અને સિનિયર અમલદાર પ્રદીપ સિંહ ખારોલાને એજન્સીના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત NTAની કામગીરીની સમીક્ષા કરવા અને પરીક્ષામાં સુધારાની ભલામણ કરવા ISROના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં સાત સભ્યોની ઉચ્ચ-સ્તરીય પેનલની રચના કરવામાં આવી છે.