અત્યાર સુધી અમેરિકાની સત્તાવાર ભાષા કઈ હતી? રાષ્ટ્રપતિ ટ્રમ્પે અંગ્રેજી ભાષાને સત્તાવાર ભાષા જાહેર કરવાને લઈને કર્યો મોટો નિર્ણય
એક બાદ એક મોટા નિર્ણયો લેવાના ક્રમને જારી રાખતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તાવાર ભાષાને લઈને મોટુ એલાન કર્યુ છે. ટ્રમ્પે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભાષાને અમેરિકાની સત્તાવાર ભાષા બનાવવાની જાહેરાત કરી છે. જો કે અમેરિકાના 30 રાજ્યો તો તેને પહેલા જ મંજૂરી આપી ચુક્યા છે. અમેરિકામાં સૌથી વધુ બોલાતી હોવા છતા અંગ્રેજી અમેરિકાની અધિકારીક ભાષા કેમ ન બની શકી ? અને હવે તેનાથી શુ ફર્ક પડશે તેના વિશે જાણીએ.

એક બાદ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વધુ એક મોટા નિર્ણયને લઈને ચર્ચામા છે. આ વખતે તેમણે અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા English Only Movement ને લઈને મોટો નિર્ણય કર્યો છે. એ નિર્ણય છે ઈંગ્લિશ ભાષાને અમેરિકાની સત્તાવાર ભાષા જાહેર કરવાનો. છેલ્લા અનેક વર્ષોથી અમેરિકામાં ચાલી રહેલા English Only Movementને ટ્રમ્પનો આ નિર્ણય એક લેન્ડમાર્ક સાબિત થઈ શકે છે.
રશિયા- યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક રીતે મધ્યસ્થતા કરી રહ્યા છે. તેઓ યુક્રેન પર એટલી હદે દબાણ લાવી ચુક્યા છે કે જેનાથી સમગ્ર યુરોપ ડઘાયેલુ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બેઠા બેઠા તેઓ અનેક એક્ઝિક્યુટીવ ઓર્ડર પણ આપી રહ્યા છે. એવા જ એક ઓર્ડર મુજબ હવેથી અંગ્રેજી અમેરિકાની અધિકારીક ભાષા હશે. આ પ્રસ્તાવ પહેલા પણ આવ્યો હતો. જો કે વિરોધને પગલે તેના પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યુ હતુ.
આ વખતે તેમણે અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા English Only Movement ને લઈને મોટો નિર્ણય કર્યો છે. એ નિર્ણય છે અંગ્રેજી ભાષાને અમેરિકાની સત્તાવાર ભાષા જાહેર કરવાનો. છેલ્લા અનેક વર્ષોથી અમેરિકામાં ચાલી રહેલા English Only Movement માટે ટ્રમ્પનો આ નિર્ણય એક લેન્ડમાર્ક સાબિત થઈ શકે છે.
ટ્રમ્પે કાર્યકારી આદેશ જારી કરતા કહ્યુ કે અંગ્રેજીને અધિકારીક દરજ્જો મળવાથી તેનાથી માત્ર કોમ્યુનિકેશન સરળ બનશે એવુ નથી. પરંતુ તે સહિયારા રાષ્ટ્રીય મૂલ્યોને પણ મજબૂત કરશે. સાથે જ લોકો વધુ નજીક આવશે. તેનાથી દેશનો આર્થિક વિકાસ પણ ઝડપથી થશે. ટ્રમ્પની આ જાહેરાત ઈંગ્લિશ- ઓનલી મુવમેન્ટ (English Only Movement) માટે મોટી માઈલસ્ટોન મનાઈ રહી છે. ટ્રમ્પે જણાવ્યુ કે ભાષા એવી વસ્તુ છે જેનાથી દેશોના ભાગલા પણ થઈ ચુક્યા છે. ભારતમાં પણ અનેકવાર અધિકારીક ભાષાને લઈને સમયાંતરે બબાલ જોવા મળે છે. આ જ સ્થિતિ અમેરિકાની પણ છે.
18મી સદીમાં અમેરિકામાં અલગ-અલગ દેશોના જૂદી જૂદી બોલી બોલનારા લોકો રહેતા હતા. અંગ્રેજી ઉપરાંત ડચ, ફેંચ, સ્પેનિશ અને સ્વિડિશ ભાષા બોલનારા પણ મોટી સંખ્યામાં હતા. ત્યારે ભાષાને લઈને કોઈ બબાલ ન હતી પરંતુ જેમ જેમ દેશ આગળ વધતો ગયો, પ્રગતિ કરતો ગયો તેમ તેમ ભાષાને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ.
જર્મન ભાષા પર થયુ હતુ મતદાન
20 મી સદીની શરૂઆતના દશકામાં જર્મન ભાષાને પણ અધિકારીક દરજ્જો આપવાની વાત થઈ કારણ કે ત્યારે જર્મન મોટી સંખ્યામાં હતા. અનેક શહેરોમાં જર્મન અખબાર, સ્કૂલ અને ચર્ચ ચાલતા હતા. ત્યા સુધી કે વર્ષ 1795માં કોંગ્રેસમાં એક પ્રસ્તાવ આવ્યો કે સરકારી દસ્તાવેજો જર્મન ભાષમાં કેમ છાપવામાં ન આવે. આ મુદ્દા પર મતદાન થયુ અને આ દરખાસ્ત માત્ર એક મતથી જ ફગાવી દેવામાં આવી. જો કે એવુ પણ માનવામાં આવે છે કે અમેરિકાના પ્રથમ હાઉસ સ્પીકર, જે ખુદ જર્મન હતા તેમણે તેની વિરુદ્ધ મત આપ્યો હતો. તેઓ એવુ કહેતા પણ ખરા કે અમેરિકા અંગ્રેજી ભાષા થી જ ચાલવુ જોઈએ.
જર્મન સંસદમાં ભલે રિજેક્ટ થઈ પરંતુ હવે તે ઝડપથી ફેલાઈ રહી છે. જર્મન ભાષી સમુદાય વધી રહ્યો હતો. ત્યારે બીજુ વિશ્વ યુદ્ધ થયુ. બંને દેશો વચ્ચે અંતર વધવા લાગ્યુ અને અનેક રાજ્યોમાં જર્મન ભાષા શીખવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો. જર્મન ભાષા બોલનારાઓને શંકાની નજરે જોવાતા હતા. આનાથી ડરેલા જર્મન્સ જાહેરમાં તેમની ભાષા બોલવાથી પણ બચવા લાગ્યા. ત્યારે અંગ્રેજી પર જ ભાર મુકવામાં આવી રહ્યો હતો અને એ સમયે જ યુએસમાં ઈમિગ્રેશન વધવા લાગ્યુ. કરોડો લોકો યુએસ આવવા લાગ્યા. જેમની ફર્સ્ટ ભાષા અંગ્રેજી ન હતી. તેનાથી ઝુંબેશ શરૂ થતા પહેલા જ નબળી પડી ગઈ.
1980 ના દશકથી શરૂ થયુ અભિયાન
અમેરિકામાં 1980ના દશકમાં એક ગૃપ બન્યુ. યુએસ ઈંગ્લિશ, આ સંસ્થા એવુ ઈચ્છતી હતી કે અંગ્રેજીને દેશની સત્તાવાર ભાષા બનાવવામાં આવે અને સરકારી ઓફિસોમાં અન્ય ભાષાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. આ દાયકાના અંતે, કેલિફોર્નિયામાં એક જનમત સંગ્રહ થયો, જેમા મોટાભાગનાએ અંગ્રેજી ભાષાની તરફેણમાં મત આપ્યા. પરંતુ રાષ્ટ્રીય સ્તરે આ પ્રયાસો વારંવાર નિષ્ફળ જતા દેખાતા હતા.
1990ની સાલમાં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનના સમયમાં ફેડરલ સ્તરે તેના પ્રયાસો થયા. ઈંગ્લિશ લેન્ગવેઝ અમ્પાવરમેન્ટ એક્ટ લાવવામાં આવ્યો. ત્યાં સુધી કે અંગ્રેજી ન જાણનારા લોકોને પણ આ ભાષા શીખવવાનુ નક્કી કરાયુ. તેના માટે મોટી આર્થિક મદદ પણ મળવા લાગી, ફેડરલ સંસ્થાઓએ ઈમિગ્રન્ટ્સ અને બહુ ઓછી અંગ્રેજી જાણતા લોકોને ભાષા શીખવવા માટે કામ કરવાનું પણ શરૂ કર્યુ.
ક્લિન્ટન અંગ્રેજીને સત્તાવાર ભાષા બનાવવા તો માગતા હતા પરંતુ સહુને સાથે રાખીને. એ જ સમયે હ્યુમન રાઈટ્સ સંગઠનોએ તેમા દરમિયાનગીરી કરી અને એમ કહીને રોકવાનો પ્રયાસ કર્યો કે આ મુવમેન્ટ ઈમીગ્રન્ટ્સ સાથે ભેદભાવ કરશે. આખરે કાયદો સેનેટમાં જ લટકી પડ્યો. હવે ટ્રમ્પે જ્યારે અંગ્રેજીને સત્તાવાર ભાષા બનાવવાનો નિર્ણય કર્યો છે તો આ આદેશને મેક અમેરિકા ગ્રેટ અગેઈનની શ્રૃંખલામાં જ એક કડી તરીકે જોવાઈ રહ્યો છે.
અમેરિકામાં કેટલા લોકો કઈ કઈ ભાષા બોલનારા છે?
અમેરિકામાં 3/4 લોકો માત્ર ઘરમાં અંગ્રેજી બોલે છે. જ્યારે 4.2 કરોડ લોકો સ્પેનિશ અને 30 લાખ લોકો ચીની બોલે છે. આ ઉપરાંત હિંદી સહિત અનેક ભાષા બોલનારા લોકો અહીં છે. યુએસ સેન્સસ બ્યૂરો અનુસાર યુએસની વસ્તીમાં દર પાંચમો વ્યક્તિ તેની પ્રથમ ભાષા તરીકે ઘરે અંગ્રેજી સિવાયની ભાષા બોલે છે. જે તેની ફર્સ્ટ લેન્ગવેજ હોય છે. સમગ્ર દેશમાં 350 થી વધુ ભાષાઓ બોલાય છે. જેમા સ્પેનિશ, જર્મની, ચીની અને અરબી મુખ્ય છે. જો કે એ સત્ય પણ નકારી ન શકાય કે અંગ્રેજી અહીં દરેકની કોમન ભાષા છે.
ટ્રમ્પે તેની ચૂંટણી રેલી દરમિયાન ભાષાને પણ ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આપણે ત્યા અનેક ભાષાઓ આવી રહી છે જેને આપણા લોકો જાણતા પણ નથી. આ બહુ ખતરનાક છે. પોતાના પ્રથમ કાર્યકાળમાં પણ તેઓ અન્ય ભાષાઓ પ્રત્યેનો તેમનો અણગમો દર્શાવી ચુક્યા છે.
અત્યાર સુધીમાં 30 રાજ્યો અંગ્રેજીને તેમની સત્તાવાર ભાષા બનાવી ચુક્યા છે. પરંતુ કેન્દ્રમાં ન હોવાને કારણે સરકારી કામકાજમાં અન્ય ભાષાઓનો ઉપયોગ થાય છે. મતલબ કે ન્યુ મેક્સિકોમાં સરકારી ડોક્યુમેન્ટ્સ અંગ્રેજી સહિત સ્પેનિશમાં પણ મળે છે. આ જ પ્રકારે હવાઈમાં હવાઈયનને દરજ્જો મળ્યો છે.