Arvind Singh Mewar Death : મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન
Arvind Singh Mewar passes away મેવાડના ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે આજે અવસાન થયું. અરવિંદ સિંહ મેવાડ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. આવતીકાલ સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અરવિંદ સિંહ મેવાડ એ, ભગવત સિંહ મેવાડ અને સુશીલા કુમારી મેવાડના નાના પુત્ર હતા.

મહારાણા પ્રતાપના વંશજ અને ઉદયપુરના પૂર્વ રાજવી પરિવારના વંશજ અરવિંદ સિંહ મેવાડનું આજે બિમારીને કારણે અવસાન થયું. 80 વર્ષના અરવિંદ મેવાડ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ સિટી પેલેસના શંભુ નિવાસમાં રહેતા હતા. અહીં તેમની બિમારીની સારવાર પણ ચાલી રહી હતી. રાજવી પરિવારની પરંપરા મુજબ, આવતીકાલ સોમવારે અરવિંદ સિંહ મેવાડના અંતિમ સંસ્કાર થશે.
અરવિંદ સિંહના નિધનથી મેવાડ સહિત સમગ્ર રાજસ્થાનમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે. અરવિંદ સિંહ મેવાડ એ, ભગવત સિંહ મેવાડ અને સુશીલા કુમારી મેવાડના નાના પુત્ર હતા. તેમના મોટા ભાઈ મહેન્દ્ર સિંહ મેવાડનું ગયા વર્ષે 10 નવેમ્બર 2024ના રોજ અવસાન થયું હતું.
મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહે, અજમેરની મેયો કોલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી તેણે ઉદયપુરની મહારાણા ભૂપાલ કોલેજમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. તેમણે યુકેની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી પણ લીધી.
અમેરિકામાં પણ કામ કર્યું
અરવિંદ સિંહે થોડો સમય અમેરિકામાં પણ કામ કર્યું અને પછી તેઓ HRH ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. આ ઉપરાંત તેઓ મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહારાણા મેવાડ ઐતિહાસિક પ્રકાશ ટ્રસ્ટ, રાજમાતા ગુલાબ કુંવર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હતા. તેઓ મેવાડ રાજવંશના 76મા વડીલ વ્યક્તિ હતા.
ઉદયપુર-મેવાડના વિકાસમાં યોગદાન
અરવિંદના મૃત્યુના સમાચાર મેવાડ રાજવંશ માટે મોટી ખોટ સમાન છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઉદયપુર અને મેવાડના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે, સિટી પેલેસના શંભુ નિવાસ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.