Video : મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત, હર્ષ સંઘવી રહ્યા હાજર
સોનગઢ ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથામાં ધર્માંતરણની ચિંતા વ્યક્ત કરવામાં આવી. શાળાઓની અછતને કારણે આ પ્રવૃત્તિઓ વધી રહી છે.
મોરારિબાપુની રામકથા તાપી જીલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃતિઓનો ભય રહ્યો છે અને અનેક લોકો ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે. કથાના દરમિયાન એક શ્રોતાએ બાપુને વિનંતી કરી કે આ વિસ્તારમાં શાળાઓની અછત છે અને મફત શિક્ષણના બહાને ધર્માંતરણની પ્રવૃતિઓ થઈ રહી છે. આ પરિસ્થિતિને રોકવા માટે વધુ શાળાઓનું નિર્માણ જરૂરી છે.
મોરારિબાપુએ આ વેદનાનો ઉંડો પ્રતિસાદ આપ્યો હતો. બાપુએ કહ્યું કે જ્યારે ઉદ્યોગપતિઓ એમને મળવા આવશે, ત્યારે તેઓ ચોક્કસ નવી શાળાઓના નિર્માણ માટે અપીલ કરશે. એ ઉપરાંત, મોરારિબાપુએ એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે આ વિસ્તારમાં જે પણ નવી શાળા બનશે, તે માટે શ્રી ચિત્રકૂટ ધામ, તલગાજરડા દ્વારા દરેક શાળા માટે રૂપિયા એક લાખનું તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે.
આજની રામકથામાં ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું આગમન અને સહકાર આ અવસરને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.