સગા ભાઈનું માથુ કાપી પિતાને ભેટમાં મોકલ્યુ, આવો ક્રુર હતો આ મુઘલ બાદશાહ- વાંચો
સગા ભાઈનું કપાયેલુ માથુ જ્યારે બાદશાહની સામે લાવવામાં આવ્યુ તો તે ખૂનથી લથબથ હતુ. પરંતુ બાદશાહ કેટલીયવાર સુધી તેને જોતો રહ્યો. પછી તેમણે આદેશ કર્યો કે આને બરાબર સાફ કરીને લાવો. હુક્મનું પાલન થયુ અને જ્યારે કપાયેલા માથાને ફરી લાવવામાં આવ્યુ તો બાદશાહે તેને ફરી ધ્યાનથી જોયુ અને ખાતરી કરી કે કપાયેલુ માથુ તેના ભાઈનું જ છે. જે બાદ તેણે આદેશ કર્યો, આ આદેશ હતો કપાયેલા માથાને ભેટ સ્વરૂપે આગ્રા લઈ જવાનો..

એવુ કહેવાય છે કે રાજનીતિ છે જ દાટેલા મૂરદાઓને ફરી બહાર લાવવાનું નામ. મતલબ સાફ છે, હજુ ગયા મહિને જ રિલિઝ થયેલી ફિલ્મ ‘છાવા’ એ રાજનીતિમાં એવી હલચલ મચાવી દીધી છે કે મુગલિયા સલ્તનતના તુર્ક ‘ઔરંગઝેબ’ને લાઇમલાઇટમાં લાવી દીધો છે.
એકતરફ મહારાષ્ટ્રમાં સપા નેતા અબૂ આઝમીએ એવુ નિવેદન આપ્યુ કે ” હું 17મી સદીના મુગલ બાદશાહ ઔરંગઝેબને ક્રૂર, અત્યાચારી કે અસહિષ્ણુ શાસક નથી માનતો, હાલના સમયમાં ફિલ્મોના માધ્યમથી મુગલ બાદશાહની વિકૃત છબી બનાવવામં આવી રહી છે”
સપા નેતા અબૂ આઝમીના નિવેદન પર હંગામો
તેમના આ નિવેદન પર વિપક્ષી દળોએ આકરા પ્રહારો કર્યા હતા. ત્યારપછી અબુ આઝમીએ માફી માંગી અને સ્પષ્ટતા પણ કરી, પરંતુ આ ચર્ચા હવે તેનાથીય એક ડગલું આગળ વધી ગઈ છે. જેમા ઔરંગઝેબ ક્રૂર હતો કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રશ્નના જવાબ માટે ઈતિહાસકાર યદુનાથ સરકારના ઔરંગઝેબના જીવન પર આધારિત પુસ્તકનો સંદર્ભ લઈ શકાય. આ સિવાય અનેક બ્રિટિશ અને ઈટાલિયન ઈતિહાસકારોએ પણ તેમના પુસ્તકોમાં ઔરંગઝેબ સાથે જોડાયેલા તેમના પુસ્તકમાં વર્ણવ્યા છે. જેનો સીધો સંબંધ તેના મોટા ભાઈ દારાશિકોહ સાથે છે.
કેન્દ્ર સરકાર શોધી રહી હતી દારાશિકોહની કબર
છેલ્લા બે વર્ષથી એક સમાચાર ખૂબ ચર્ચામાં હતા કે કેન્દ્ર સરકાર એ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે મુઘલકાળના સૌથી બુદ્ધિશાળી અને વિદ્વાન રાજકુમાર દારાશિકોહની અસલી કબર ક્યાં છે? ASIના ભૂતપૂર્વ રિજનલ ડાયરેક્ટર કેકે મુહમ્મદે એ સમયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યાં સુધી તેમની કબરની શોધનો સવાલ છે, સરકાર અને એએસઆઈ (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) હેન્ડ હેલ્ડ એક્સરે ડિવાઈસની (હાથથી પકડેલા એક્સ-રે ઉપકરણની) મદદથી દિલ્હીમાં હુમાયુના મકબરા પાછળ સ્થિત કબરોની એક્સ-રે ઈમેજ લઈ શકે છે. અને તેનુ સર્વેક્ષણ પણ કરાવી શકે છે.
તેમના અનુસાર ઐૈતિહાસિક દસ્તાવેજોને માનીએ તો મુઘલકાળમાં દારાશિકોહ સિવાય એવુ કોઈ ઉદાહરણ નથી મળતુ કે જેમા કોઈ મુઘલ રાજકુમારનું માથુ કાપી માત્ર ધડને દફનાવવામાં આવ્યુ હોય. એક્સ રે ઈમેજમાં જે કબરમાં શિર વિનાનું કંકાલ નજર આવે તેને દારા શિકોહની કબર માની લેવી જોઈએ.
દારાશિકોહનું શિર કોણે કાપ્યુ?
આ સવાલનો જવાબ છે ઔરંગઝેબ આલમગીર. દારા શિકોહ શાહજહાંનો સૌથી મોટો પુત્ર હતો. શાહજહાને તે ઘણો વ્હાલો હતો અને તેને જ બાદશાહ બનાવવા માગતો હતો. દારાશિકોહને તમામ ધર્મોમાં રુચિ હતી અને તેમણે અનેક હિંદુ ધર્મગ્રંથોનો ઉર્દુ અને ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. સત્તા અને રાજનીતિને બદલે દારાશિકોહને શાંતિ પ્રિય શખ્સ તરીકે ઓળખવામાં આવે છે. શાહજહાને ઓરંગઝેબ આગ્રામાં બંદી બનાવીને પોતાને બાદશાહ ઘોષિત કરી દીધો હતો.
છાવા ફિલ્મમાં પણ દારાશિકોહનું માથુ કાપવાનો છે ઉલ્લેખ
સત્તાની સાઠમારીમાં તેમણે દારાશિકોહને યુદ્ધમાં હરાવ્યો, પછી કેદ કરી લીધો, દિલ્હીની સડકો પર ફેરવ્યો, રીતસરની પરેડ કરાવી અને અંતે માથુ કાપીને હત્યા કરી દીધી. ઈતિહાસકારો નોંધે છે કે ઔરંગઝેબે દારા શિકોહનુ કપાયેલુ માથુ શાહજહાંને એક થાળમાં સજાવીને ભેટ સ્વરૂપે મોકલ્યુ હતુ. છાવા ફિલ્મના એક સીનમાં પણ ઔરંગઝેબ કહે છે કે મે મારા ભાઈ દારાશિકોહનું માથુ કાપીને મારા પિતા શાહજહાંને ભેટમાં મોકલ્યુ હતુ.
શાહજહાંનો લાડલો દીકરો હતો દારાશિકોહ
દારા શિકોહ અને ઔરંગઝેબના જીવન પર આધારીત પુસ્તક (Dara Shukoh, The Man Who Would Be King) ના લેખક અવીક ચંદાએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે દારાશિકોહનું વ્યક્તિત્વ સત્તા અને સિયાસત્તવાળુ બિલકુલ ન હતુ. તેનાથી ઉલટુ તે થોડો ભ્રમિત પણ હતો. દારા બાદશાહ શાહજહાંનો મોટો પુત્ર અને સૌથી વધુ નિકટ પણ હતો. ઔરંગઝેબની સાથે તેની બાળપણથી જ અદાવત ચાલી આવતી હતી. દારાશિકોહને શાહજહાં પોતાની પાસે જ રાખતો જ્યારે ઔરંગઝેબને 16 વર્ષની ઉમરમાંથી જ યુદ્ધના મોરચે મોકલવાનું શરૂ કર્યુ.
એક બનાવ બાદ દારા અને ઔરંગઝેબના સંબંધોમાં આવી ગઈ ખટાશ
ઈતિહાસકાર અવિક ચંદાના અનુસાર શાહજહાં એ માત્ર 16 વર્ષની ઉંમરે ઔરંગઝેબને દક્ષિણ તરફ મોકલ્યો. જ્યા તેણે એક મોટી સૈન્ય ટૂકડીનું નેતૃત્વ કર્યુ. આ જ પ્રકારે મુરાદ બખ્શ ગુજરાત અને શાહશુઝા બંગાળ તરફ ગયા. પરંતુ દારા ને શાહજહાંએ તેની સાથે દરબારમાં જ રાખ્યો. દારા અને ઔરંગઝેબ વચ્ચેની અદાવતની શરૂઆત વર્ષો પહેલા આ દિવસોથી શરૂ થઈ ગઈ હતી. જ્યારે એક દિવસ મુઘલ પરિવાર હાથીઓની લડાઈ જોઈને મનોરંજન કરી રહ્યો હતો, તે જ સમયે ઔરંગઝેબને એક રખડતા હાથીએ ટક્કર મારી દીધી. આ સમયે તેણે બહાદુરીથી સામનો કર્યો અને અન્ય લોકોને પણ બચાવી લીધા. આ દરમિયાન તેની આસપાસ લોકોનું ટોળુ એકઠુ થઈ ગયુ. પરંતુ ઔરંગઝેબે જોયુ કે તેની પાસે ઉભેલા દારાશિકોહે ઔરંગઝેબને બચાવવામાં કોઈ રસ ન બતાવ્યો.
ઈતિહાસકારોનું માનીએ તો યુવાનીમાં પ્રવેશી રહેલા ઔરંગઝેબના દિલમાં એ દિવસથી તેના ભાઈ દારા માટે જે ગાંઠ બંધાઈ ગઈ તે આગળ જતા બંને વચ્ચે સત્તા સંઘર્ષની ઉંડી ખાઈમાં પરિવર્તિત થઈ ગઈ. ઔરંગઝેબ જ્યારે સત્તા માટે દારાને યુદ્ધમાં હરાવ્યો તો ઈતિહાસમાં તેનો પણ બારીકાઈથી ઉલ્લેખ જોવા મળે છે.
ઔરંગઝેબ સામે બુરી રીતે હાર્યો હતો દારાશિકોહ
ઈટાલિયન ઈતિહાસકાર નિકોલાઓ માનુચીએ આ સંઘર્ષ વિશે લખ્યું છે કે, યુદ્ધની શરૂઆતમાં દારા ઔરંગઝેબ પર થોડા ભારે પડ્યા પરંતુ બાદમાં ઔરંગઝેબ તેની સંપૂર્ણ લશ્કરી તાકાત અને રણનીતિ સાથે મેદાનમાં આવ્યો. તેણે વિવિધ વ્યૂહરચના બનાવીને દારાના દળમાં હલચલ મચાવી દીધી અને એક સમયે સૈનિકોએ જોયું કે હાથીની પીઠ પર દારાની અંબાડી ખાલી હતી. તેને લાગ્યું કે ઉત્તરાધિકારની લડાઈમાં, મુઘલ સલ્તનતનો મુખ્ય દાવેદાર દારાશિકોહ માર્યો ગયો અને તેના પગ છૂટા પડવા લાગ્યા. આ જ તકનો લાભ લઈને ઔરંગઝેબે લાભ લીધો અને તોપો અને બંદૂકો સાથે ઝડપી હુમલો કર્યો. જેના કારણે દારા શિકોહની સેના વિખેરાઈ ગઈ અને ઉત્તરાધિકારની લડાઈમાં દારા હારી ગયો.
દારાશિકોહની થઈ દુર્દશા
ઔરંગઝેબ સામે ઉત્તરાધિકારીની લડાઈ હાર્યા બાદ દારાની હાર બાદની સ્થિતિનું વર્ણન જાણીતા ઈતિહાસકાર જદુનાથ સરકારે પણ ઔરંગઝેબના જીવનચરિત્રમાં કર્યુ છે. તેમના જણાવ્યા અનુસાર ઘોડાથી થોડા માઈલ આગળ ગયા બાદ દારાશિકોહ આરામ કરવા માટે એક ઝાડ નીચે રોકાયો અને ત્યાં જ બેસી ગયો. આ દરમિયાન તે ઘણો જ પરેશાન જણાઈ રહ્યો હતો. જેનુ કારણ હતુ તેના માથાપરનું બખ્તર જેવુ હેલમેટ. જેને તે ખોલવા માગતો હતો કારણ કે લાંબા સમયથી પહેરેલુ હોવાથી હવે તેને માથામાં ચુભવા લાગ્યુ હતુ અને ખંજવાળ પણ આવતી હતી. પરંતુ દારાશિકોહ એટલો થાકેલો હતો કે તેનો હાથ માથા સુધી પણ લઈ જઈ શક્તો ન હતો.
ઈતિહાસકાર જદુનાથ સરકાર આગળ લખે છે કે આખરે રાત્રે 9 વાગ્યા આસપાસ કેટલાક ઘોડેસવારો સાથે ચોરની જેમ આગ્રાના મુખ્ય દરવાજા પર પહોંચ્યો. તેના ઘોડા પણ બહુ ખરાબ રીતે થાકેલા હતા અને તેના સૈનિકોના હાથમાં કોઈ મશાલ પણ નહોંતી, સમગ્ર શહેરમાં ચારે તરફ સન્નાટો ફેલાયેલો હતો અને કોઈ વાતનો શોક મનાવી રહ્યા હતા. આ સમયે એકપણ શબ્દ બોલ્યા વિના ઘોડા ઉપરથી ઉતર્યો અને ઘરની અંદર ઘુસી ગયો અને ઘરનો દરવાજો બંધ કરી દીધો. દારાશિકોહ મુઘલ બાદશાહતની લડાઈ હારી ચુક્યો હતો.
આ તો હજુ શરૂઆત હતી, ઔરંગઝેબ દારાશિકોહની હજુ વધુ દુર્દશા કરવાનો હતો અને આખરે આમ-તેમ જીવ બચાવવા ભાગતા અને છૂપાતા ફરતા દારાશિકોહને તેમણે પકડી જ લીધો અને દિલ્હી લાવવામાં આવ્યો. અહીંથી દારાશિકોહની સાથે બદ્થી બદ્દતર વ્યવહારની શરૂઆત થઈ ગઈ.
દારાશિકોહની સાથે તેના પુત્રને પણ યાતનાઓ આપવામાં આવી
ફ્રેન્ચ ઈતિહાસકાર ફ્રાન્કોઈસ બર્નિયરના પુસ્તક ‘ટ્રાવેલ્સ ઈન ધ મુગલ ઈન્ડિયા’માં દારાશિકોહ સાથે થયેલા દુર્વ્યવહારનો દુઃખદાયક ઉલ્લેખ છે. તેમના પુસ્તકોના પાના ફેરવતા જોવા મળે છે કે ઔરંગઝેબના આદેશ પર દારાને હાથી પર બેસાડવામાં આવ્યો હતો, તેની પાછળ દારાના 14 વર્ષના પુત્રને બીજા હાથી પર બેસાડવામાં આવ્યો હતો અને ઔરંગઝેબનો એક ગુલામ ખુલ્લી તલવાર સાથે તેમની પાછળ ચાલ્યો હતો. ચિંથરેહાલ થયેલા દારા શિકોહને દિલ્હીની સડકો પર નગ્ન પરેડ કરવામાં આવી હતી અને તેના 14 વર્ષના પુત્રને પણ એટલો જ ઝલિલ કરવામાં આવ્યો હતો.
…અને દારાશિકોહનું માથું વાઢી નાખ્યુ઼
ઓગસ્ટ મહિનાની આકરી ગરમીમાં દારા અને તેના પુત્રની આ દુર્દશા દિલ્હીએ તેની નમ આંખો સાથે જોઈ સડકના કિનારે ઉભેલા લોકો તેની હાલત જોઈને રીતસરના રડી પડ્યા હતા. આ પછી, ઔરંગઝેબના આદેશ પર, દારાશિકોહને તેના પુત્ર સાથે જેલમાં ધકેલી દેવામાં આવ્યો. પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે કે, આ પછી જ દારા શિકોહ પર ઈસ્લામ વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તે પણ નક્કી કરવામાં આવ્યું હતું કે દારા શિકોહને મૃત્યુદંડ આપવામાં આવે. ઔરંગઝેબે તેના ગુલામ નઝર બેગને આદેશ કર્યો કે તે દારા શિકોહનું કપાયેલું માથું જોવા માગે છે.
જ્યારે કપાયેલું માથું ઔરંગઝેબ સમક્ષ લાવવામાં આવ્યું ત્યારે તે લોહીથી ખરડાયેલું હતું. ઔરંગઝેબ થોડીવાર તેની સામે જોતો રહ્યો અને પછી બોલ્યો, તેનું લોહી સાફ કરીને લાવો. હુકમનો અમલ કરવામાં આવ્યો અને જ્યારે આ વખતે માથું લાવવામાં આવ્યું ત્યારે ઔરંગઝેબે તેને ધ્યાનથી ત્યાં સુધી જોઈ રહ્યો જ્યાં સુધી તેને ખાતરી થઈ ગઈ કે આ કપાયેલુ માથુ દારાશિકોહનું જ છે. હવે તેણે આગળનો આદેશ આપ્યો કે આ માથું આગ્રા લઈ જવામાં આવે…
ઔરંગઝેબે શાહજહાંને સજાવેલા થાળમાં ભેટ તરીકે મોકલ્યુ દારાશિકોહનું માથુ
ઈટાલિયન ઈતિહાસકાર નિકોલાઓ માનુચીએ તેમના પુસ્તક સ્ટોરિયા દો મોગોરમાં આ ઘટનાનું ખૂબ જ કરુણ વર્ણન આપ્યું છે. તે લખે છે કે “આલમગીરે શાહજહાંને એક પત્ર મોકલવાની જવાબદારી તેના માટે કામ કરતા અતબર ખાનને આપી હતી. તે પત્રના પરબીડિયા પર લખેલું હતું કે તમારો પુત્ર ઔરંગઝેબ આ પ્લેટ તમારી સેવામાં મોકલી રહ્યો છે, જેને જોઈને તમે તેને ક્યારેય ભૂલી શકશો નહીં.
તે પત્ર મળ્યા પછી, વૃદ્ધ શાહજહાંએ કહ્યુ કે ખુદાની મહેરબાની કે મારો પુત્ર મને હજુ યાદ કરે છે. તે જ સમયે તેની સામે એક ઢંકાયેલ પ્લેટ રજૂ કરવામાં આવી હતી. જ્યારે શાહજહાંએ તેની ઉપર ઢાંકેલો રૂમાલ હટાવ્યો તો તેની ચીસ નીકળી ગઈ. કારણ કે ભેટના થાળમાં તેના મોટા પુત્ર દારાનું કપાયેલું માથું રાખવામાં આવ્યું હતું.”
દારાનું માથું તાજમહેલમાં દફનાવવામાં આવ્યું
મનુચી આગળ લખે છે, ‘દારાનું બાકીનું ધડ હુમાયુની કબરમાં દફનાવવામાં આવ્યું હતું, પરંતુ ઔરંગઝેબના આદેશ પર દારાનું માથું તાજમહેલના પરિસરમાં દફનાવવામાં આવ્યું હતું. તેનું માનવું હતું કે જ્યારે પણ શાહજહાં તેની પત્નીની કબર તરફ જોશે ત્યારે તેને લાગવુ જોઈએ કે તેના મોટા પુત્રનું માથું પણ ત્યાં સડી રહ્યું છે. જો કે દારાશિકોહની અસલી કબર ક્યાં છે તે અંગે ઈતિહાસકારો ક્યારેય એકમત નથી રહ્યા, પરંતુ આ ઘટના ઔરંગઝેબની ક્રૂરતાને સાબિતી માટે માટે પૂરતી છે.