‘હું ભાગ્યશાળી હતો કે મને સંઘ જેવી પવિત્ર સંસ્થામાંથી જીવનના મૂલ્યો મળ્યા ‘ -પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનની વચ્ચે થયેલી વિગતવાર વાતચીતનો પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. ખાસ કરીને, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના તેમના જીવન પર પડેલા પ્રભાવ, સમાજમાં તેના યોગદાન અને વ્યક્તિગત અનુભવો વિશે વિસ્તારથી વાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનની વચ્ચે થયેલી વાતચીતનો પોડકાસ્ટ રવિવારના રોજ રિલીઝ થઈ ગયો છે. આ વાતચીતમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરી જેમા પીએમ મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તેમના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા, સમાજમાં તેમના યોગદાન અને તેમના વ્યક્તિગત અનુભવો અંગે વિસ્તારથી ચર્ચા કરી. લેક્સ એ તેમને સવાલ પૂછ્યો કે જ્યારે તમે 8 વર્ષના હતા ત્યારથી RSS માં સામેલ થઈ ગયા હતા. જે હિંદુ રાષ્ટ્રવાદના વિચારનું સમર્થન કરે છે. શું તમે મને RSS વિશે જણાવશો. તમારું અને તમારા રાજકીય વિચારોનું ઘડતરમાં RSSની શું અસરો રહી?
આ સવાલનો જવાબ આપતા પીએમ મોદીએ જણાવ્યું કે, “મને બાળપણથી જ કોઈને કોઈ કાર્યમાં જોડાયેલા રહેવાની ટેવ હતી. મને આજે પણ યાદ છે કે મકોશી નામનો એક માણસ હતો, હાલ તેનુ પુરુ નામ તો યાદ નથી. પરંતુ તેઓ સેવા સમૂહનો એક ભાગ હતા. તેઓ તેમની પાસે ડફલી જેવુ કંઈક રાખતા હતા. તેઓ તેમના ઘેઘુર અને પ્રભાવશાળી અવાજમાં દેશભકતિ ગીતો ગાતા હતા. જ્યારે પણ તેઓ અમારા ગામમાં આવતા ત્યારે અલગ અલગ સ્થળોએ કાર્યક્રમ કરતા હતા. હું તેમના ગીતો સાંભળવા માટે ગાંડાની જેમ તેમની પાછળ દોડતો રહેતો. હું આખી રાત તેમના દેશભક્તિના ગીતો સાંભળતો રહેતો. મને તેમા મજા આવતી હતી. ખબર નહીં કેમ પણ બસ મજા આવતી હતી.
તેમણે કહ્યું કે અમારા ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શાખા હતી, જ્યાં દેશભક્તિના ગીતો વાગતા હતા. એ ગીતોની કેટલીક બાબતો મને ખૂબ સ્પર્શી ગઈ અને આ પ્રકારે હું RSS નો ભાગ બની ગયો. આરએસએસમાં અમને જ મૂલ્યો શીખવવામા આવ્યા, તેમાંથી એક હતુ સંઘમાં શીખવામાં આવ્યું કે જે કંઈ કરો, તે ધ્યેયપૂર્વક કરો. રાષ્ટ્રની પ્રગતિ માટે કરો. હું ભણું તો એટલું ભણું કે દેશના કામ આવી શકું. હું કસરત કરું તો એટલી કરું કે શરીર પણ રાષ્ટ્રની સેવા માટે તંદુરસ્ત રહે.” આ સંઘના લોકો શીખવે છે. સંઘ બહુ મોટું સંગઠન છે. હવે તે 100મા વર્ષમાં પ્રવેશ કરવાનું છે. આટલુ મોટુ સ્વયંસેવી સંગઠન કદાચ દુનિયામાં બીજે ક્યાંય નથી. કરોડો લોકો તેની સાથે જોડાયેલા છે. પરંતુ સંઘને સમજવું એટલું સરળ નથી. તેના કાર્યની પ્રકૃતિને સાચી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંઘ તમને એક સ્પષ્ટ દિશા પ્રદાન કરે છે જેને ખરેખર જીવનનો એક ઉદ્દેશ્ય કહી શકાય.
“કોઈ સરકારી મદદ વગર 1,25000 સેવા પ્રોજેક્ટ સંઘ ચલાવે છે”
પીએમ મોદીએ સંઘ દ્વારા ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, બીજી અગત્યની વાત એ છે કે દેશ જ સર્વસ્વ છે અને જનસેવા એ ઈશ્વરની સેવા છે. આ જ વૈદિક કાળથી કહેવામાં આવે છે. આ જ આપણા ઋષિમુનિઓએ કહ્યું છે. આ જ વિવેકાનંદે કહ્યુ છે અને આ જ વાતો સંઘના લોકો પણ કરે છે. તો સ્વયંસેવકને કહેવામાં આવે છે કે તમને સંઘ દ્વારા જે પ્રેરણા મળી છે તેનાથી સમાજ માટે કંઈક કરવું જોઈએ, આજે તે ભાવનાથી પ્રેરિત થઈને ઘણી પહેલ ચાલી રહી છે. ઉદાહરણ તરીકે, કેટલાક સ્વયંસેવકોએ સેવા ભારતી નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા ઝૂંપડપટ્ટી અને વસાહતોમાં સેવા આપે છે જ્યાં સૌથી ગરીબ લોકો રહે છે, જેને તેઓ સેવા સમુદાય કહે છે. મારી જાણકારી મુજબ, તેઓ કોઈ જ સરકારી મદદ વગર 1 લાખ 25 હજાર જેટલા સેવા પ્રોજેક્ટ માત્ર સમુદાયના સહયોગથી ચલાવે છે. તેઓ ત્યાં સમય વિતાવે છે, બાળકોને શિક્ષણ આપે છે, તેમના સ્વાસ્થ્યની કાળજી લે છે, સારા સંસ્કાર આપે છે અને આ સમુદાયોમાં સ્વચ્છતા સુધારવા માટે કામ કરે છે. આ કોઈ નાની સિદ્ધિ નથી.
‘સંઘે આદિવાસી વિસ્તારોમાં 70 હજાર શાળાઓ ખોલી’
PM મોદીએ કહ્યું કે એ જ રીતે, સંઘ દ્વારા ઉછેર કરાયેલા કેટલાક સ્વયંસેવકો વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા આદિવાસી સમુદાયોની સેવા કરવા માટે સમર્પિત છે. તેઓ આદિવાસીઓની વચ્ચે રહે છે અને તેમના કલ્યાણ માટે કામ કરે છે. તેમણે દૂરના આદિવાસી વિસ્તારોમાં 70,000 થી વધુ એક શિક્ષકની શાળાઓ ખોલી છે. અમેરિકામાં પણ કેટલાક એવા લોકો છે જે તેમના માટે લગભગ 10 કે 15 ડોલર દાન કરે છે અને તેઓ કહે છે, ‘આ મહિને એક કોકા-કોલા ન પીશો અને તે પૈસા એક શિક્ષકવાળી શાળાને દાન કરો.’ હવે કલ્પના કરો, આદિવાસી બાળકોને શિક્ષણ આપવા માટે સમર્પિત 70,000 એક શિક્ષકની શાળાઓ છે. કેટલાક સ્વયંસેવકોએ શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે વિદ્યા ભારતીની સ્થાપના કરી છે. આજે, તેઓ લગભગ 25,000 શાળાઓ ચલાવે છે, લગભગ 30 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, અને હું માનું છું કે આ પહેલથી કરોડો વિદ્યાર્થીઓને ફાયદો થયો છે, જેઓ અવિશ્વસનીય રીતે ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણની સાથે સાથે મૂલ્યોને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સમાજ પર બોજ ન બને તે માટે તેઓ ડાઉન ટુ અર્થ રહે છે, કૌશલ્ય શીખે છે. એટલે કે જીવનના દરેક પાસામાં, પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે મજૂરો હોય, RSS એ ભૂમિકા નિભાવી છે.
‘સંઘથી મને જીવનના સંસ્કાર મળ્યા’
પીએમ મોદીએ કહ્યું કે સભ્યપદના કદના સંદર્ભમાં, જો હું એવુ કહું તો અમારી પાસે ભારતીય મઝદૂર સંઘ છે. તેના લગભગ 50,000 યુનિયનો છે, જેના દેશભરમાં લાખો સભ્યો છે. કદાચ, સ્કેલની દ્રષ્ટિએ, વિશ્વમાં કોઈ મોટું મજૂર સંઘ નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે તેઓ કેવા પ્રકારનો અભિગમ અપનાવે છે. ઐતિહાસિક રીતે, ડાબેરી વિચારધારાઓએ વિશ્વભરમાં મજૂર ચળવળોને વેગ આપ્યો છે. અને તેમનું સૂત્ર શું છે? ‘દુનિયાના મજૂરો, એક થાઓ’, સ્પષ્ટ સંદેશ હતો, પહેલા એક થાઓ, પછી બાકીનું બધુ અમે સંભાળી લઈશુ. RSS પ્રશિક્ષિત સ્વયંસેવકો દ્વારા સંચાલિત મજૂર સંગઠનો શું માને છે? તે કહે છે, ‘શ્રમિકોએ વિશ્વને એકજૂટ કર્યુ છે.’ બીજા કહે છે, ‘દુનિયાના મજૂરો એક થાય.’ અને આપણે કહીએ છીએ કે, ‘શ્રમિકોએ જગતને એક કર્યું છે.’ આ શબ્દોમાં નાનો ફેરફાર લાગે છે, પરંતુ તે એક વિશાળ વૈચારિક પરિવર્તન છે. આરએસએસમાંથી આવતા સ્વયંસેવકો તેમના પોતાના હિત, સ્વભાવ અને વલણને અનુસરે છે અને આમ કરીને તેઓ આવી પ્રવૃત્તિઓને મજબૂત અને પ્રોત્સાહન આપે છે. જ્યારે તમે આ પહેલો પર નજર નાખશો તો તમે જોશો કે છેલ્લા 100 વર્ષોમાં, RSSએ ભારતના ઝગમગાટથી દૂર રહીને એક સાધકની જેમ સમર્પણ સાથે કામ કર્યું છે. હું ભાગ્યશાળી હતો કે આવી પવિત્ર સંસ્થામાંથી મને જીવનના મૂલ્યો મળ્યા.