ગુજરાતનું રસીકરણ ક્ષેત્રે વિક્રમી પ્રદર્શન, SDG-3 ઇન્ડેક્સમાં 95.95% કવરેજ કર્યુ
ગુજરાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (16 માર્ચ) નિમિત્તે રસીકરણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SDG-3 ઇન્ડેક્સ મુજબ, રાજ્યએ 95.95% રસીકરણ કવરેજ પ્રાપ્ત કર્યું છે, જે રાષ્ટ્રીય સરેરાશ 93.23% કરતાં વધુ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ‘ધન્વંતરી રથ’, ‘ટીકા એક્સપ્રેસ’ અને ‘મોબાઈલ મમતા દિવસ’ જેવી પહેલ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણની સુવિધા પહોંચાડી. 2024માં 1 વર્ષની ઉંમરના બાળકોનું સંપૂર્ણ રસીકરણ કવરેજ 98% રહ્યું.

ગુજરાતે 2024-25 (એપ્રિલ-ફેબ્રુઆરી) દરમિયાન 1 વર્ષની ઉંમરના બાળકો માટે 98% રસીકરણ કવરેજ હાંસલ કર્યું છે. તેમાં BCG રસીકરણ 96%, DPT+Hep-B+HiB 95%, અને ઓરી/રૂબેલા (MR) 97% રહ્યું. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ સુનિશ્ચિત કરવા માટે ‘ધન્વંતરી રથ’, ‘ટીકા એક્સપ્રેસ’ અને ‘મોબાઈલ મમતા દિવસ’ જેવા કાર્યક્રમો અસરકારક સાબિત થયા.
મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત 9.95 લાખ બાળકોને રસી
ગુજરાતે સઘન મિશન ઇન્દ્રધનુષ દ્વારા 0-2 વર્ષના બાળકો અને સગર્ભા મહિલાઓ માટે વ્યાપક રસીકરણ ઝુંબેશ હાથ ધર્યો છે. આમ કુલ 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ ઝુંબેશના કારણે રાજ્યના રસીકરણ કવરેજમાં 20%નો વધારો નોંધાયો છે.
‘ખિલખિલાટ’ અભિયાનથી 25,736 બાળકોનું રસીકરણ
16 થી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન, ‘ખિલખિલાટ રસીકરણ અભિયાન’ હેઠળ 25,736 બાળકોને BCG, OPV, Penta, IPV, Rota, PCV, MR અને DPT રસીઓ આપવામાં આવી. આ અભિયાન ખાસ કરીને વડોદરા, સુરત, અમદાવાદ અને મોરબી જેવા શહેરોમાં વધુ અસરકારક રહ્યું.
18 લાખથી વધુ બાળકોને શાળા-બાલવાટિકામાં રસી અપાઈ
છેલ્લા 3 વર્ષમાં શિક્ષણ વિભાગના સહયોગથી ટિટેનસ-ડિપ્થેરિયા જેવા રોગો સામે 10 અને 16 વર્ષના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં અને 5 વર્ષના બાળકો માટે બાલવાટિકાઓમાં DPT રસીકરણ કરવામાં આવ્યું. કુલ 18 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી.
ગુજરાતમાં 2007 બાદ પોલિયોના એક પણ કેસ નોંધાયો નહીં
ગુજરાતે 2007થી 2024 દરમિયાન પોલિયો મુક્તિની સિદ્ધિ હાંસલ કરી છે. 2024માં નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે (NID) પર 82.49 લાખ અને સબ નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે (SNID) પર 42.97 લાખ બાળકોને પોલિયોની રસી આપવામાં આવી. આ સિદ્ધિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘દરેક માતા-બાળક રહે સ્વસ્થ’ના દૃષ્ટિકોણને સાકાર કરતી રાજ્યની આરોગ્ય સેવાઓની સફળતાને દર્શાવે છે.