બાંગ્લાદેશમાં વધુ એક તખ્તાપલટના કાવતરાં પર ભારતે ફેરવી દીધુ પાણી, પાકિસ્તાન તરફી ઈસ્લામી ઉગ્રવાદીઓએ ઘડી હતી યોજના
એક દિવસ પહેલા બાંગ્લાદેશની સેનાએ એ રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમા બાંગ્લાદેશની સેનામાં આર્મી ચીફ જનરલ વકાર ઉજ જમાનના તખ્તાપલટની વાત કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવાયુ છે કે જનરલ વકાર ઉજ જમાનના તખ્તાપલટ માટે એક બેઠક કરવામાં આવી. પરંતુ પૂરતુ સમર્થન ન મળવાથી પ્લાન ફેલ થઈ ગયો.

બાંગ્લાદેશની સેનાએ એ રિપોર્ટ્સને ફગાવી દીધા છે જેમા બાંગ્લાદેશની સેનાના આર્મી ચીફ જનરલ વકાર ઉજ ઝમાનના તખ્તાપલટની વાત કહેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવાયુ છે કે જનરલ વકાર ઉજ ઝમાનના તખ્તાપલટ માટે એક બેઠક કરવામાં આવી, પરંતુ પુરતુ સમર્થન ન મળતા પ્લાન ફેલ થઈ ગયો હતો. ગુપ્ત રિપોર્ટ દ્વારા જાણવા મળ્યુ છે કે ભારતની મદદથી બાંગ્લાદેશમાં સેનાની અંદર તખ્તાપલટના ષડયંત્ર પર પાણી ફેરવી દેવાયુ છે. જો કે બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝમાન ઉપરથી ખતરો હજુ ટળ્યો નથી. રિપોર્સ અનુસાર ગત સપ્તાહે ભારતે બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝમાનને કેટલાક પાકિસ્તાન પરસ્ત જનરલના વિદ્રોહને દબાવવામાં મદદ કરી હતી. જાણવા મળ્યુ છે કે કેટલાક પાકિસ્તાન સમર્થન અધિકારીઓએ આર્મી ચીફને હટાવવા માટે એક બેઠક બોલાવી હતી. પરંતુ ભારતે બાંગ્લાદેશના સેના પ્રમુખને તખ્તાપલટ માટે પહેલા જ ચેતવી દીધા હતા. એજ કારણે તેઓ ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે.
ભારતે બાંગ્લાદેશના આર્મી ચીફને ઉથલાવવાની યોજના પર ફેરવ્યુ પાણી
સ્વરાજ્ય મેગેઝીનના અહેવાલ મુજબ, નવી દિલ્હીએ માત્ર આર્મી ચીફની ખુરશી અને પદ બચાવવામાં મદદ નથી કરી, પરંતુ ભારતે ઉગ્રવાદીઓની સરકાર ચલાવવામાં મોહમ્મદ યુનુસને બહુ મોટો ઝટકો પણ આપ્યો છે. હવે બાંગ્લાદેશના આર્મી ચીફ વિરુદ્ધ તખ્તાપલટના નિષ્ફળ પ્રયાસને લઈને અહેવાલો આવવા લાગ્યા છે. ગુપ્તચર વિભાગ દ્વારા મળતી માહિતી દર્શાવે છે કે આર્મી ચીફને ઉથલાવી દેવાનું કાવતરું પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આઈએસઆઈ જનરલ વકાર-ઉઝ્ઝમાનથી નારાજ હતી કારણ કે આ આર્મી ચીફ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે બની રહેલા ગાઢ સંબંધોમાં અવરોધ ઉભો કરી રહ્યા હતા.
બાંગ્લાદેશમાં આર્મી ચીફને ઉથલાવવાનું કાવતરું
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ યોજનાને માત્ર મોહમ્મદ યુનુસનું જ નહીં પરંતુ બાંગ્લાદેશના ઈસ્લામવાદીઓનું પણ સમર્થન હતું. 5 ઓગસ્ટના રોજ હિંસક વિરોધને પગલે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત ભાગી જવું પડ્યું હતું. આ પછી, ત્યાં એકમાત્ર સેના જ એવી બચી છે, જેમણે દેશમાં સત્તા હાંસલ કરનારા ઇસ્લામવાદીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જનરલ વકાર-ઉઝ્ઝમાનથી નારાજગીનું કારણ શેખ હસીનાને સુરક્ષિત રીતે દેશની બહાર કાઢવાનું છે. સ્વરાજ્યના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઈન્ટેલિજન્સ (DGFI)ના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે કે ADSM નેતાઓ અને ઈસ્લામવાદીઓએ 5 ઓગસ્ટે શેખ હસીનાને તેના ઘરેથી પકડવાનો પ્રયાસ કર્યો હતો.
ડીજીએફઆઈના સૂત્રોએ ખુલાસો કર્યો કે સૌપ્રથમ શેખ હસીનાની ધરપકડ કરવાની, પછી તેની સામે કેસ ચલાવવામાં આવે અને અંતે તેને ફાંસી આપવાની યોજના હતી. DGFIના એક ટોચના અધિકારીએ સ્વરાજ્યને જણાવ્યું હતું કે “આનાથી ઇસ્લામવાદીઓની ખૂનની તરસ છીપાઈ જાત.” આ સિવાય બાંગ્લાદેશના આર્મી ચીફે દેશમાં વધી રહેલી અરાજકતા અને અશાંતિ સામે કડક ચેતવણી આપી હતી. એવું માનવામાં આવે છે કે આ ચેતવણી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર માટે હતી, જેનાથી ઈસ્લામવાદી મોહમ્મદ યુનુસ નારાજ થઈ ગયા હતા.
બળવાનુ કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું?
સ્વરાજ્યએ પોતાના અહેવાલમાં જણાવ્યુ છે કે બાંગ્લાદેશ આર્મીના ક્વાર્ટર માસ્ટર જનરલ (QMG) લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ ફૈજુર રહેમાન જ આ બળવાને અંજામ આપવાના હતા. તખ્તાપલટની સફળતા બાદ તેઓ નવા આર્મી ચીફ બનવાના હતા. લેફ્ટનન્ટ જનરલ રહેમાન જમાત-એ-ઈસ્લામીની નજીક છે અને કટ્ટર ઈસ્લામી છે. તેને પાકિસ્તાની સેનાના નજીકના પણ માનવામાં આવે છે અને તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સેનાઓ વચ્ચે ગુપ્ત માહિતી આપવા સહિત નજીકના સંબંધોની ખુલ્લેઆમ હિમાયત કરતા આવ્યા છે. રેહમાને ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્યુએમજી બનતા પહેલા થોડા મહિના માટે ડીજીએફઆઈના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
કાવતરામાં કેરટેકર સરકાર મોહમ્મદ યુનુસ પણ સામેલ હોવાનો દાવો
રહેમાનને બાંગ્લાદેશ આર્મીમાં આઈએસઆઈનો માણસ માનવામાં આવે છે. આ સિવાય તેમને કટ્ટરપંથી બાંગ્લાદેશી સંગઠનો તરફથી પણ રાહત મળે છે. રહેમાને 21 જાન્યુઆરીએ ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિકને ઢાકાની મુલાકાત માટે મદદ કરી હતી. જનરલ વકાર-ઉઝ-ઝમાન મલિકની આ મુલાકાતની વિરુદ્ધ હતા પરંતુ દેશની સરકારના દબાણને કારણે તેમને ઝુકવું પડ્યું. તેમના સિવાય અન્ય એક અધિકારી લેફ્ટનન્ટ જનરલ એસએમ કમરૂલ હસન વિશે પણ એવા અહેવાલો છે કે તેઓ આ તખ્તાપલટના ષડયંત્રમાં સામેલ હતા. હસન બાંગ્લાદેશના સશસ્ત્ર દળો વિભાગના પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર છે. રિપોર્ટ અનુસાર, ISI ચીફના બાંગ્લાદેશ પ્રવાસ પહેલા બાંગ્લાદેશના છ સભ્યોના સૈન્ય પ્રતિનિધિમંડળે 13 થી 18 જાન્યુઆરી સુધી પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ હસન કરી રહ્યા હતા. આ દરમિયાન જ આર્મી ચીફને ઉથલાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
કેવી રીતે ભારતે બળવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યુ
ISI બાંગ્લાદેશની સેનામાં બળવા માટે ગુપ્ત કાવતરું ઘડ્યું હતું પરંતુ ભારતીય ગુપ્તચર એજન્સીઓને તેની ગંધ આવી ગઈ. ત્યારબાદ ભારતે બાંગ્લાદેશના સૈન્ય વડાને આ અંગે જાણ કરી હતી. આ પછી જનરલ વકાર-ઉઝ્ઝમાને તેના સાથી પક્ષોનું સમર્થન એકઠું કરવાનું શરૂ કર્યું. આ સિવાય ભારતે બાંગ્લાદેશની સેનામાં તખ્તાપલટને રોકવા માટે કેટલાક પશ્ચિમી દેશોનો પણ સંપર્ક કર્યો હતો. સ્વરાજ્યએ ભારતીય વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ રાજદ્વારીને ટાંકીને કહ્યું “નવી દિલ્હીએ વોશિંગ્ટનમાં નવી સરકારને સમજાવ્યું કે આ પ્રકારના બળવાથી બાંગ્લાદેશને માત્ર અસ્થિર જ નહીં પરંતુ આ ક્ષેત્ર માટે ગંભીર સુરક્ષા પડકારો પણ ઉભા થશે.” અમેરિકા આ આકલન સાથે સહમત હતુ. જે બાદ અમેરિકાએ મોહમ્મદ યુનુસને તખ્તાપલટ સામે ચેતવણી આપી હતી, જે બાદ આ તખ્તાપલટ ટળી ગયુ હતુ.
ભારતની મદદથી બાંગ્લાદેશના આર્મી ચીફનું પદ બચી ગયુ
અહેવાલ મુજબ, ભારતે જનરલ વકાર-ઉઝમાન અને યુએસ સુરક્ષા ગુપ્તચર સંસ્થાના ટોચના અધિકારી વચ્ચે વાતચીત પણ કરાવી હતી. કારણ કે બાંગ્લાદેશના આર્મી ચીફ પોતાના દેશના આ ટોચના અમેરિકન અધિકારી સાથે સીધી અને મુક્ત રીતે વાત કરી શકતા ન હતા. રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના નેશનલ ટેલિકોમ્યુનિકેશન મોનિટરિંગ સેન્ટર (NTMC)ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અબ્દુલ કયૂમ મોલ્લાને લેફ્ટનન્ટ જનરલ ફૈજુર રહેમાનને સમર્થન આપવાની શંકા હતી. એવી આશંકા હતી કે જો જનરલ વકાર-ઉઝ્ઝમાને સીધી વાત કરી હોત તો તેમનો ફોન ટેપ થઈ શક્યો હોત. આ સિવાય બાંગ્લાદેશની મુખ્ય નાગરિક જાસૂસી સંસ્થા નેશનલ સિક્યોરિટી ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ અબુ મોહમ્મદ સરવર ફરીદ પણ આ ષડયંત્રમાં સામેલ હોવાની આશંકા છે.