ટ્રમ્પના ગોલ્ડ કાર્ડ વિઝા પ્લાન પર ફર્યુ પાણી, ભારત સહિત દુનિયાભરના અનેક અમીરોએ કહી દીધુ ‘નો થૈંક યુ’- વાંચો
ટ્રમ્પનો $5 મિલિયન નો ગોલ્ડન વિઝા પ્લાન અપેક્ષા મુજબ સફળ થતો નથી દેખાઈ રહ્યો. ફોર્બ્સના સર્વેમાં મોટાભાગના અબજપતિઓએ આ યોજનામાં રસ ન હોવાનું જણાવ્યું છે. ઉચ્ચ કરવેરા સહિત અન્ય કારણોસર અમેરિકાની પરમેનન્ટ નાગરિકતા ઓછી આકર્ષક લાગે છે. ભારતીય અબજપતિઓએ પણ આ યોજનાને નકારી કાઢી છે. જેને જોતા ટ્રમ્પનો આ પ્લાન ફ્લોપ થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા સમયમાં જ એક નવી યોજના લાવવા વિચારી રહ્યા છે. આ યોજના છે ગોલ્ડન કાર્ડ વિઝા સ્કીમ. આ પ્લાન અંતર્ગત 5 મિલિયન ડોલર એટલે કે 40 કરોડ રૂપિયામાં ગોલ્ડન કાર્ડ વિઝા મળશે. આ વિઝા થી અમેરિકામાં પરમેનન્ટ રસિડેન્સી અને કામ કરવાની છૂટ મળશે. પરંતુ આ ગોલ્ડ કાર્ડ વિઝા ની સ્કીમ દુનિયાભરના અમીર લોકોને આકર્ષી નથી રહી અને ટ્રમ્પનો આ પ્લાન ફ્લોપ થતો જણાઈ રહ્યો છે. મોટાભાગના અમીરો એ તેમા કોઈ રસરૂચિ બતાવી નથી.
તાજેતરમાં જ ટ્રમ્પે તેની ગોલ્ડ કાર્ડ પ્લાનિંગ અંગે જણાવ્યુ હતુ, “અમીર લોકો આ કાર્ડ ખરીદી અમારા દેશમાં આવશે. તેઓ વધુ પૈસાદાર અને સફળ બનશે. ટ્રમ્પે આ કાર્ડના વેચાણ દ્વારા અમેરિકાને દેવાના બોજમાંથી બહાર લાવવાની પોતાની યોજના અંગે વાત કરી હતી. તો બીજી તરફ વિશ્વના મોટા ભાગના અમીર લોકો આ કાર્ડમાં રસ રુચિ બતાવી રહ્યા નથી. ફોર્બ્સ એ અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના 18 અબજપતિઓનો ઈન્ટરવ્યુ કર્યો. જેમા જાણવા મળ્યુ કે તેમની આ કાર્ડમાં કોઈ જ દિલચસ્પી નથી.
કેટલા લોકોએ કાર્ડ અંગે રુચિ બતાવી ?
આ 18 અબજપતિઓમાંથી 13 અબજપતિઓએ કહ્યુ કે તેમને ગોલ્ડ કાર્ડ વિઝા ખરીદવામા કોઈ જ રસ નથી. જો કે ત્રણ અબજપતિ આ અંગે કોઈ નિર્ણય પર આવતા જણાયા ન હતા. ફોર્બ્સને બે અબજપતિ એવા પણ મળ્યા જેમણે કહ્યુ કે તેઓ આ કાર્ડ ખરીદવા અંગે ગંભીરતાથી વિચારશે.
ફોર્બ્સના રિપોર્ટમાં કહેવાયુ છે કે અનેક અમીર લોકો અમેરિકાની નાગરિક્તાને એટલી જરૂરી નથી સમજતા અને તેમને જોઈતી પણ નથી. કેટલાક લોકો એવા દેશમાં જવા નથી માગતા જ્યા તેમણે તેમનો બિઝનેસ નથી વિસ્તાર્યો કે તેમનો પરિવાર પણ ત્યાં નથી.
ક્યા અબજપતિએ શું કહ્યુ ?
કેનેડાના એક અબજપતિએ ફોર્બ્સને જણાવ્યુ, ‘જો તમે અબજપતિ છો તો તમારે તેની કોઈ જરૂર જ નથી”. એક યુરોપીય અબજપતિએ જણાવ્યુ “મારા મતે અમીર લોકો માટે આ પ્લાન અંતર્ગત જવાનુ કોઈ કારણ નથી”. એક રશિયન અબજપતિએ કહ્યુ “જેમની પાસે બિઝનેસ આઈડિયા છે. તેઓ આને બહુ સસ્તામાં કરી શકે છે. તો 5 મિલિયન ડૉલર શા માટે ખર્ચ કરે? મને એ નથી સમજાતુ કે આખરે 5 મિલિયન ડૉલર કોણ આપશે?”
ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ યોજના અંગે ભારતીય અબજપતિઓનું શું કહેવુ છે?
ફોર્બ્સે જે અબજપતિઓના ઈન્ટરવ્યુ કર્યા, તેમા 7 ભારતીયો પણ સામેલ છે. જેમા ભારતની બીજી સૌથી મોટી લિસ્ટેડ હોસ્પિટલ ચેઈન ના ચેરમેન અભય સોઈ પણ સામેલ છે. આ દરેકે કહ્યુ કે તેમની ગોલ્ડ કાર્ડ યોજનમાં કોઈ જ દિલચસ્પી નથી. અભય સોઈ એ ફોર્બ્સને જણાવ્યુ, “હું ભારત સિવાય કોઈપણ દેશનો નાગરિક બનવા ઈચ્છતો નથી. આ સદીમાં તો નહીં જ”
ટેક્સ સૌથી મોટુ કારણ
અમેરિકાના નાગરિક ન બનવા પાછળનું સૌથી મોટુ કારણ ટેક્સ બતાવાઈ રહ્યુ છે. અમેરિકા એમાના કેટલાક દેશો પૈકી એક છે જે તેમના નાગરિકોની દુનિયાભરની ઈનકમ પર ટેક્સ લગાવે છે, પછી ભલે તે ગમે ત્યાં રહેતા હોય. ફોર્બ્સના સર્વેમાં અનેક અબજપતિઓના જણાવ્યા અનુસાર અમેરિકાની નાગરિક્તા પ્રાપ્ત કરવામાં સૌથી મોટી બાધા તેની ટેક્સ પ્રણાલી છે. જો કે ટ્રમ્પે મંગળવાર કહ્યુ હતુ કે ગોલ્ડ કાર્ડ ધારકોએ અમેરિકાની બહારની ઈનકમ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે.
ગ્રીન કાર્ડની સરખામણીએ ગોલ્ડ કાર્ડ હોલ્ડરને વધુ સુવિધા મળશે
ટ્રમ્પે અમીર લોકો માટે 5 મિલિયન ડૉલરવાળુ ગોલ્ડ કાર્ડ લોંચ કર્યુ છે. આ ગ્રીન કાર્ડનું પ્રીમીયમ રૂપ છે. આ કાર્ડ હોલ્ડરને વધુમાં વધુ સુવિધાઓ મળશે. ગ્રીન કાર્ડ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ છે. એટલે કે જેમની પાસે ગ્રીન કાર્ડ છે તેમને અમેરિકાની કાયમી નાગરિક્તા મળી ચુકી છે. વિશ્વભરમાં અનેક એવા લોકો છે જેઓ અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છે છે અને તેના માટે રીતસરની હોડ લાગે છે. આ કાયમી નાગરિક્તા છે. જેના માટે અલગથી પૈસા તો નથી આપવા પડતા પરંતુ અમેરિકાની કેટલીક શરતો પર ખરા ઉતરવાનું છે. હવે ગ્રીન કાર્ડ પ્રો-મેક્સ સંસ્કરણ આવી રહ્યુ છે. પરંતુ તેના માટે તગડી રકમ ખર્ચ કરવી પડશે. ટ્રમ્પ ભલે તેને ગોલ્ડ કે પ્રિમીયમ ગણાવી રહ્યા હોય પરંતુ વાસ્તવમાં આ એક સિટીઝનશિપ બાઈ ઈન્વેસ્ટમેન્ટ છે. (CBI) જે હજારો વર્ષોથી દુનિયામાં ચાલી રહ્યુ છે.
શું છે સિટીઝનશિપ બાઈ ઈન્વેસ્ટમેન્ટ (CBI) સ્કીમ ?
સિટીઝનશિપ બાઈ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે CBI ની મૂળરૂપે ક્યારે શરૂઆત થઈ તેના વિશે તો કોઈ જાણકારી નથી મળતી પરંતુ 19મી સદીમાં રાજાઓ ખાસ કરીને યુરોપિયન શાસકોએ આ સ્કીમ શરૂ કરી હતી. કેટલાક અમીર વેપારીઓ, જે સંપન્ન દેશોમાં વસવા માગતા હોય, તેઓ પૈસા ખર્ચ કરીને ત્યાં વસવા માંડ્યા. એ સમય વિશ્વયુદ્ધનો હતો. આથી યુદ્ધને કારણે આ સ્કીમને વધારે હવા મળી. હાલ વર્તમાન સમયની વાત કરીએ તો છેલ્લા 4 દાયકાથી અનેક દેશો CBI શરૂ કરી ચુક્યા છે. જેમા કેટલાક ભૌગોલિક દૃષ્ટિએ અને કુદરતી રીતે અત્યંત રમણીય દેશો છે. સાથે જ આ દેશો ટેક્સ હેવન પણ છે. એટલે કે ત્યાં નાગરિકોએ તેમની ઈનકમ પર કોઈ ટેક્સ ચુકવવો પડતો નથી. આ જ કારણ છે કે દુનિયાભરના અમીરો આવા દેશોની નાગરિક્તા લઈ રહ્યા છે. ડોમિનિકા, સેન્ટ લુસિયા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, ગ્રેનાડા, એન્ટીગુઆ એન્ડ બારબુડા, તુર્કીય અને માલ્ટા જેવા અનેક દેશો તેમા સામેલ છે.
CBI ના અનેક મોટા ગેરફાયદા પણ છે
પૈસા દ્વારા નાગરિક્તા મેળવી ખતરનાક ઈરાદા ધરાવતા લોકો પણ અમેરિકા જઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈ આતંકી ગતિવિધિવાળો વ્યક્તિ અમેરિકા કે અન્ય કોઈ મોટા દેશમાં શરણ લઈ ત્યાંનુ વાતાવરણ બગાડવાની પણ કોશિશ કરી શકે છે.
વિદેશી રોકાણના નામે દેશવિરોધી તાકતો ઘૂસણખોરી કરી શકે
બે વર્ષ પહેલાં નાણાકીય કૌભાંડો પર નજર રાખનારી ઈન્ટરનેશનલ સંસ્થા ફાઈનાન્શ્યિલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ આશંકા વ્યક્ત કરી હતી કે તેનાથી કાળા નાણાંને છુપાવવા કે અન્ય ગુનાઓથી બચવા માટે પણ લોકો ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. સાથે જ તેનાથી સ્કીમ આપનારી સરકારો પર પણ એક પ્રકારનું દબાણ રહેશે. જે લોકોએ તેમને ત્યાં લખલૂટ પૈસા લગાવ્યા હોય, ટેક્સ આપી રહ્યા હોય તો તેનાથી રાજનીતિથી લઈને નવી પોલિસી ઘડવામાં પણ તેની સીધી દખલગીરી વધી શકે છે. ક્યારેક એવુ પણ બને કે વિદેશી રોકાણના બહાને દેશવિરોધી તાકતો પણ ઘૂસણખોરી કરી શકે છે. જે રાષ્ટ્રીય સુરક્ષા પર સીધો હુમલો છે.
આ જ કારણોને જોતા અનેક સરકારોએ, જેમને ત્યાં સિટીઝનશીપ બાય ઈન્વેસ્ટમેન્ટ (CBI) છે, તેમણે કેટલાક ખાસ દેશોની નાગરિક્તાનો સ્વીકાર કરવાની મનાઈ ફરમાવી દીધી છે. ઉદાહરણ તરીકે ડોમિનિકામાં ઉત્તર કોરિયા, રશિયા, સુડાન, બેલારૂસ અને યુક્રેનના લોકો નાગરિક્તા માટે આવેદન ન કરી શકે. અનેક દેશોએ અફઘાનિસ્તાન, ઈરાન અને સિરીયા જેવા દેશો પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈન્વેસ્ટમેન્ટ પર સંમત થતા પહેલા જ દેશનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરે છે. જેથી લોકોનો ગુનાહિત ઈતિહાસ પણ જાણી શકાય.