Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી, જુઓ Video
અંજારમાં ભવાનીપુર નજીકના તળાવમાં ન્હાવા ગયેલા પાંચ બાળકો દુર્ઘટનાગ્રસ્ત થયા, જેમાં ચારના મૃતદેહ મળી આવ્યા છે, અને એક બાળક માટે શોધખોળ ચાલુ છે. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, જે ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.
કચ્છના અંજાર તાલુકાના ભવાનીપુર નજીકના તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતા દુર્ઘટનાનો ભોગ બન્યા. બાળકો પાણીમાં ડૂબી જતાં ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન ચાર બાળકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે એક બાળક હજુ ગુમ છે અને તેની શોધખોળ ચાલુ છે.
પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ અને બચાવ દળે મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી, આગળની કાર્યવાહી માટે અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા.
હિંગોરજા વાંઢના એક સ્થાનિક નિવાસીએ જણાવ્યા મુજબ, બપોર પછી ન્હાવા ગયેલા પાંચ બાળકો એક પછી એક ડૂબી ગયા. સંધ્યા સુધી ઘરે ન પહોચતાં પરિવારજનોએ તળાવ પાસે તપાસ શરૂ કરી અને તંત્રને જાણ કરી.
આ દુખદ ઘટના જાણતા જ દુધઈ પોલીસ, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું. 5 થી 13 વર્ષની ઉંમરના બાળકોના મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.